આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહાવિકાસ આઘાડીનો સીટ શેરિંગ ફોર્મ્યુલા તૈયાર?

શિવસેનાને રાજ્યમાં સૌથી વધુ બેઠકો: સુપ્રિયાએ કહ્યું અઠવાડિયું રાહ જુઓ ફાઈનલ આંકડો મળશે

મુંબઈ: દેશમાં લોકસભાની ચૂંટણી ગમે ત્યારે થઈ શકે છે એ બાબતને ધ્યાનમાં રાખીને ઈન્ડિયા આઘાડીના પક્ષોની અત્યારે દિલ્હીમાં બેઠક ચાલી રહી છે અને બધા જ રાજકીય પક્ષો તૈયારીમાં લાગી ગયા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી પણ લોકસભાની તૈયારી કરી રહી છે, પરંતુ લોકસભા માટેની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ન હોવાથી સમસ્યા નિર્માણ થઈ રહી છે.

હવે આધારભૂત સાધનો પાસેથી જાણવા મળ્યું છે કે મહારાષ્ટ્રમાં લોકસભાની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ગઈ છે અને શિવસેના સૌથી વધુ બેઠકો પરથી લડશે. આ ઉપરાંત શિવસેના સાથે ગઠબંધન કરનાર વંચિત બહુજન આઘાડીને માટે પણ બેઠકો ફાળવવામાં આવી છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મહારાષ્ટ્રમાં લોકસભાની 48 બેઠક માટેની ફોર્મ્યુલામાં શિવસેના (યુબીટી)ને 20, શરદ પવાર (એનસીપી)ને 10, કૉંગ્રેસ પોતે 16 અને વંચિત બહુજન આઘાડીને બે બેઠકો ફાળવવામાં આવી છે. વંચિતને આપવામાં આવેલી બેઠકોમાં આકોલાનો પણ સમાવેશ થાય છે.

અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલાં શિવસેના (યુબીટી)ના સંસદસભ્ય અને પ્રવક્તા સંજય રાઉતે એવો દાવો કર્યો હતો કે શિવસેના (યુબીટી) લોકસભાની 23 બેઠકો પર ચૂંટણી લડશે, જોકે આ દાવાને કૉંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવાર દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો અને જણાવવામાં આવ્યું હતુું કે હજી બેઠકોની વહેંચણીની ચર્ચા ફાઈનલ થઈ નથી.

2019માં લોકસભાની ચૂંટણીમાં અવિભાજિત શિવસેના કુલ 23 બેઠક જીતી હતી અને આ બધી જ બેઠકો પર શિવસેના (યુબીટી)એ દાવો માંડ્યો હતો, પરંતુ વિભાજિત શિવસેનાની ક્ષમતા અંગે બેઠકમાં શંકા ઉપસ્થિત કરવામાં આવી હતી.

શું છે ફોર્મ્યુલા?

શિવસેના (યુબીટી) 20
એનસીપી (શરદ પવાર) 10
કૉંગ્રેસ 16
વંચિત બહુજન આઘાડી 2

શિવસેના (યુબીટી)ને સૌથી વધુ બેઠકો કેમ?

મહાવિકાસ આઘાડીમાં સૌથી વધુ બેઠકો શિવસેના (યુબીટી)ને આપવામાં આવી છે. આધારભૂત સાધનો પાસેથી મળતી માહિતી અનુસાર શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ રાજ્યમાં ઉદ્ધવ ઠાકરે માટે સહાનુભૂતીની લહેર જોવા મળી રહી છે. આ સહાનુભૂતીનો લાભ લેવાનો હેતુ હોવાથી જ ઉદ્ધવ ઠાકરેના જૂથને 20 બેઠકો આપવામાં આવી છે. આવી જ રીતે ભાજપનો સામનો કરવા માટે દલિતોના મતોનું મહત્ત્વ ઓળખીને વંચિત આઘાડીને સાથે લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને તેમને બે બેઠક આપવાથી આખા રાજ્યમાં દલિતોના મત મળવાની મહાવિકાસ આઘાડીને આશા છે. સ્વાભિમાની શેતકરી સંગઠનના રાજુ શેટ્ટી તરફથી અત્યાર સુધી કોઈ પ્રતિસાદ મળ્યો ન હોવાથી તેમને એકેય બેઠક ફાળવવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે.

ઠાકરે જૂથના ઉમેદવારો નક્કી!

ઉદ્ધવ ઠાકરેને જે 20 બેઠકો પર ઉમેદવારી મળવાની શક્યતા છે તેને માટે ઉમેદવારો નક્કી કરી નાખવામાં આવ્યા હોવાનું શિવસેનાના સૂત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે. વર્તમાન બધા જ સંસદસભ્યોને ઉમેદવારી નિશ્ર્ચિત છે, પરંતુ જે સંસદસભ્યો અત્યારે શિંદે જૂથ સાથે ગયા છે તેમને સ્થાને નવા ઉમેદવારોને તક આપવામાં આવશે, જોકે આની જાહેરાત હમણાં કરવામાં આવશે નહીં.

અઠવાડિયામાં ચિત્ર સાફ થઈ જશે, ધીરજ રાખો: સુપ્રિયા સુળે

લોકસભાની ચૂંટણીમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ફાઈનલ થઈ ગઈ હોવાના અહેવાલો અંગે પુછવામાં આવતાં સુપ્રિયા સુળેએ કહ્યું હતું કે ઈન્ડિયા આઘાડીની બેઠક ચાલી રહી છે અને આગામી 29 અને 30 તારીખે વિશેષ બેઠક આયોજિત કરવામાં આવી છે તેમાં બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા જાહેર કરવામાં આવશે. થોડી ધીરજ ધરો, બધું જ ચિત્ર સાફ થઈ જશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button