… અને આખરે પ્રવાસીઓના હિતમાં રેલવે દ્વારા એ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો!
ડોંબિવલીઃ છેલ્લાં એક મહિનાથી મધ્ય રેલવે ઉપનગરીય લોકલ ટ્રેનમાં ફેરિયાઓને કાયદેસર લાઈસન્સ આપવા મુદ્દે રેલવે દ્વારા વિચારણા કરાઈ રહી હોઈ એના વિરોધમાં પ્રવાસી મહાસંઘ અને મનસેના વિધાનસભ્ય દ્વારા રેલવેને પત્ર લખીને એનો વિરોધ કર્યો હતો. આ પત્રની નોંધ લઈને રેલવે દ્વારા આ નિર્ણય પાછો ખેંચવામાં આવ્યો છે.
લોકલ ટ્રેનોમાં સતત વધી રહેલી ભીડને કારણે ફેરિયાઓ આવી ભીડમાં સામાન લઈને વેચવા આવશે તો એને કારણે પ્રવાસીઓને હેરાન-પરેશાન કરી શકે છે. આ ફેરિયાઓ લેડીઝ અને હેન્ડીકેપ્ડ ડબ્બામાં ગેરકાયદેસર પ્રવાસ કરે છે. આને કારણે પ્રવાસીઓને હેરાનગતિનો સામનો કરવો પડે જ છે અને એની સાથે સાથે જ તેમની સુરક્ષા સામે પણ સવાલ ઉપસ્થિત થાય છે.
આ બધાની વચ્ચે રેલવે દ્વારા આ ગેરકાયદે ફેરિયાઓને કાયદેસર કરવાની વિચારણા કરવામાં આવી રહી છે. રેલવેના આ નિર્ણયનો વિવિધ સ્તર પર વિરોધ કરવામાં આવ્યો હતો અને આખરે હવે રેલવે દ્વારા આ નિર્ણયને સ્થગિત કરવામાં આવ્યો છે.