પ્રાણ પ્રતિષ્ઠા પહેલા ‘રામ કી પૈડી’માં થશે ખાસ સજાવટ, જાણો ‘રામ કી પૈડી’નું પૌરાણિક માહાત્મ્ય
અયોધ્યા: 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામમંદિરનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાનાર છે. પીએમ મોદી સહિત દેશવિદેશના અનેક મહાનુભાવો આ કાર્યક્રમમાં સામેલ થશે ત્યારે આયોજનની ગતિવિધિઓ હાલ અંતિમ ચરણમાં છે. મુખ્ય મંદિરનું નિર્માણકાર્ય તો 24*7 ચાલી જ રહ્યું છે, તેની સાથે સાથે રામપથ, ભક્તિ પથ અને સુગ્રીવ કિલ્લાની આસપાસ સૌંદર્યકરણનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે.
કુલ 2.7 એકરમાં બની રહેલા રામ મંદિરની ઉંચાઇ 162 ફૂટની રાખવામાં આવી છે. સમગ્ર મંદિર પરિસરમાં ભગવાન રામના મંદિર સાથે અન્ય 6 મંદિર બનાવવામાં આવી રહ્યા છે. મંદિરના મુખ્ય દ્વારને સિંહ દ્વાર નામ આપવામાં આવી રહ્યું છે. પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ સામાન્ય જનતા માટે મંદિરના દ્વાર ખોલવામાં આવશે, આશરે દોઢ લાખ શ્રદ્ધાળુઓ મુલાકાત લે તેવી ધારણા છે.
સમગ્ર અયોધ્યા નગરીને જાણે દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે, ત્યારે રામાયણકાળનું સાક્ષી એવા ‘રામ કી પૈડી’ને પણ ખાસ પ્રકારના સાજ-શણગાર કરવામાં આવી રહ્યા છે જેથી શ્રદ્ધાળુઓ તેના પૌરાણિક મહત્વને જાણી શકે.
‘રામ કી પૈડી’ સરયુ નદીને કિનારે સ્થિત છે, તેના વિશે એક પૌરાણિક કથા પ્રચલિત છે કે ભગવાન રામના ભાઇ લક્ષ્મણને એક વખત તીર્થયાત્રા પર જવાની ઇચ્છા થઇ. તે સમયે સરયુ નદીના તટ પર ભગવાન રામે લક્ષ્મણને કહ્યું હતું કે જે કોઇપણ વ્યક્તિ સૂર્યોદય પહેલા સરયુ નદીમાં પવિત્ર સ્નાન કરશે, તેની તમામ ઇચ્છાઓ પૂર્ણ થશે.
સરયુમાં સ્નાન કરનાર વ્યક્તિએ તમામ તીર્થસ્થાનોની પવિત્ર નદીઓમાં સ્નાન કર્યું છે તેવું માનવામાં આવશે. જે તટ પર ભગવાન રામે લક્ષ્મણને આ વાત કહી હતી તેને ‘રામ કી પૈડી’ તરીકે ઓળખવામાં આવે છે.