થાણેમાં પત્ની અને બે માસૂમ સંતાનની હત્યા કરીને ફરાર થયેલો પતિ હરિયાણાથી પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના કાસારવડવલી ગામમાં પત્ની અને બે માસૂમ સંતાનની કરપીણ હત્યા કરીને ફરાર થયેલા પતિને ક્રાઇમ બ્રાન્ચે હરિયાણાના હિસારથી ઝડપી પાડ્યો હતો. અલગ રહેતા પરિવારને મળવાને બહાને આરોપી ત્રણ દિવસ અગાઉ હરિયાણાથી થાણે આવ્યો હતો અને તેણે ત્રણેયના માથામાં ક્રિકેટ બેટ ફટકારી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
કાસારવડવલી ગામની શિંગે ચાલમાં ગુરુવારે ભાવના અમિત બાગડી (24), તેની છ વર્ષની પુત્રી ખુશી અને આઠ વર્ષના પુત્ર અંકુશની હત્યા કરવામાં આવી હતી. ભાવનાના પતિ અમિત બાગડીએ ઘરેલું કારણસર ત્રણેયની હત્યા કરી હતી અને બાદમાં તે ફરાર થઇ ગયો હતો. ત્રણેયના મૃતદેહને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા બાદ કાસારવડવલી પોલીસે અમિત વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી.
દરમિયાન અમિતને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-5, ખંડણી વિરોધી શાખા, પ્રોપર્ટી સેલ અને સેન્ટ્રલ યુનિટના અધિકારીઓની આઠ ટીમ તૈયાર કરવામાં આવી હતી અને તેમને અલગ અલગ સ્થળોએ મોકલવામાં આવી હતી. પલીસ ટીમે ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરીને વિવિધ સ્થળના સીસીટીવી કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. બીજી તરફ અમિત ગુનો આચરીને હરિયાણા ભાગી છૂટ્યો હોવાની શંકાને પગલે બે ટીમને ત્યાં મોકલાઈ હતી. હરિયાણા પહોંચેલી પોલીસની ટીમે અમિતની ત્યાં શોધ આદરીને તેને હિસારથી ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર અમિત તેના પરિવાર સાથે હરિયાણાના હિસાર જિલ્લામાં ખરડાલીપુર ગામમાં રહેતું હતું. અમિતને દારૂનું વ્યસન હોવાથી તેને કારણે દંપતી વચ્ચે વારંવાર ઝઘડા થતા હ તા. અમિત કેટલાક વખતથી બેરોજગાર હતો અને તેના ત્રાસથી કંટાળીને ભાવના બંને સંતાન સાથે દિયર વિકાસ સાથે રહેવા થાણે આવી ગઇ હતી.
દરમિયાન પત્ની અને બાળકોને મળવા અમિત ત્રણ દિવસ અગાઉ થાણે આવ્યો હતો. ગુરુવારે સવારે વિકાસ કામે જવા માટે ઘરેથી નીકળ્યો હતો. બપોરે વિકાસ ઘરે આવ્યા બાદ આ હત્યાકાંડ પ્રકાશમાં આવ્યો હતો. ઘટનાસ્થળે પહોંચેલી કાસારવડવલી પોલીસને ઘરમાં લોહીથી ખરડાયેલી બેટ મળી આવી હતી.