આમચી મુંબઈ

ઉદ્ધવ જૂથ લોકસભાની ૨૩ બેઠક પર લડશે: સંજય રાઉત

મુંબઈ: શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે તેમનો પક્ષ રાજ્યમાં લોકસભાની ૪૮ બેઠકમાંથી ૨૩ બેઠક પર લડશે.

પત્રકારો સાથેની વાતચીતમાં રાઉતે જણાવ્યું હતું કે આ અઠવાડિયે દિલ્હીમાં યોજાયેલી ઈન્ડિયાની બેઠક પહેલા શિવસેનાએ એક બેઠક યોજી હતી તેમાં ઉક્ત બાબતે ચર્ચા કરવામાં આવી હતી. ઈન્ડિયાની બેઠકમાં ઉદ્વવ ઠાકરે, આદિત્ય ઠાકરેએ કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા એઆઇસીસીના જનરલ સેક્રેટરી કે. સી. વેનુગોપાલ હાજર રહ્યા હતા.

‘અમે લોકસભાની ૨૩ બેઠક પર લડીશું, કારણ કે હંમેશા અમે આટલી બેઠક પર જ લડ્યા છે’, એમ રાઉતે જણાવ્યું હતું. તેમ છતાં કોંગ્રેસ અને એનસીપી કેટલી બેઠકો પર લડશે એ અંગે તેમણે સ્પષ્ટતા કરી નહોતી.

‘બેઠકની વહેંચણી અંગે લગભગ બધુ નક્કી થઇ ગયું છે. તેમ છતાં આ અંગેની ચર્ચા દિલ્હીમાં થશે, કારણ કે કોઇ પણ એક નેતા (કોંગ્રેસ) મહારાષ્ટ્રમાં આ અંગે નિર્ણય લઇ શકશે નહીં અને તેમની પાસે આ અંગે નિર્ણય લેવાનો અધિકાર નથી. તેમને દિલ્હી નેતાગીરીને પૂછવાની જરૂર છે’, એમ રાઉતે જણાવ્યું હતું.

૨૦૧૯માં વિભાજન પહેલાની શિવસેનાએ ભાજપ સાથેના જોડાણ કરીને લોકસભાની ૨૩ બેઠક પર પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા અને ૧૮ પર તેનો વિજય થયો હતો. આ ૧૮ બેઠકમાંથી ૧૩ બેઠક હાલના તબક્કે એકનાથ શિંદેના અખત્યાર હેઠળ છે. (પીટીઆઇ)

ખોટા શાસકો મહારાષ્ટ્ર પર રાજ કરી રહ્યા છે: રાઉત
ઠાકરે જૂથના સાંસદ સંજય રાઉતે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કટાક્ષ કરતા કહ્યું કે એકનાથ શિંદે જેવા ખોટા શાસકો મહારાષ્ટ્ર પર રાજ કરી શકે છે. તેમણે વધુમાં કહ્યુ કે જિદ્દી લોકો રાજીનામું આપતા નથી. હિટલરે પણ રાજીનામુ ન આપતા બાદમાં આત્મહત્યા કરી લીધી હતી. ઈતિહાસ સાક્ષી છે, દુનિયામાં ગેરકાયદેસર રીતે રાજ કરનારા લોકોને બહાર કાઢી મુકવામાં આવ્યા છે કે પછી નાસી ગયા છે. મારો કોઈના પર કોઈ અંગત અભિપ્રાય નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button