વીક એન્ડ

બદલાવની વ્યથા

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

મકાન એ એક એવી ઘટના છે કે જેની પાસેથી ઘણી અપેક્ષાઓ હોય છે. વળી આ અપેક્ષાઓ સમયાંતરે – ટૂંકા સમય માટે કે લાંબા સમય માટે – બદલાતી પણ રહે છે. આ બાબત સ્વાભાવિક પણ છે. મકાનનું આયુષ્ય મોટેભાગે માનવીના આયુષ્ય કરતા વધારે હોય છે. માનવી ૭૦-૮૦ વર્ષમાં વિદાય લઈ લે પણ તેનું મકાન – તેનું આવાસ તો ત્યાંનું ત્યાં જ ઊભું હોય. માનવીના જીવનના તબક્કાઓ બદલાતા રહે, તે પ્રમાણે તેની જીવન પ્રત્યેથી અપેક્ષાઓ પણ બદલાતી રહે, પરિણામે તેના મકાનમાં પણ આ અપેક્ષાઓ પૂરી કરવા બદલાવ થતા રહે.

આ બદલાવ ક્યારેક ટૂંકા સમય ગાળાના હોય તો ક્યારેક કાયમી બની રહે. આ બદલાવ ક્યારેક નાના હોય તો ક્યારેક સમગ્ર મકાનને ભરડામાં લઈ લે તે પ્રકારના હોય શકે. કેટલાક બદલાવ હયાત મકાનની શૈલીથી સાવજ વિપરીત પ્રકારના હોય તો કેટલાક તે શૈલી સાથે સંલગ્ન થઈ શકે તે પ્રમાણેના હોય. ઘણા બદલાવ મકાન પર ઘા સમાન રહે તો ક્યારેક આવા બદલાવ મકાન માટે શણગાર સમાન બની રહે. અમુક પ્રકારના બદલાવ મકાનની મૂળભૂત ઉપયોગીતા જ બદલી નાખે એવા પણ હોઈ શકે – આવાસમાંથી દુકાન બની જાય અને દુકાનમાંથી રેસ્ટોરન્ટ. સમગ્રતામાં આવતા આવા બદલાવ પાછળ વ્યક્તિની માનસિકતા નહીં પણ વ્યાપારી અને આર્થિક બાબતો કારણભૂત હોય છે. સત્ય એ છે કે મકાનમાં બદલાવ આવતા જ રહે, અને પ્રત્યેક બદલાવને હકારાત્મકતાથી લેવા પડે.
માનવીની માનસિકતામાં આવતા બદલાવ પ્રમાણે તો મકાનમાં બદલાવ કરવો પડે, પણ સાથે સાથે પરિસ્થિતિમાં આવતા બદલાવ પ્રમાણે પણ મકાનમાં ફેરફાર જરૂરી બની રહે. શહેરીકરણને કારણે જે તે વિસ્તારમાં જો વરસાદના પાણીનો ભરાવો વધતો જાય તો મકાનમાં બદલાવ જરૂરી બની રહે.

વળી માનવીનો સ્વભાવ વિચિત્ર છે. જે તે પરિસ્થિતિને માન્ય રાખવાની ક્ષમતા બદલાતી રહે છે. સગવડતાના માપદંડ બદલાય છે. શેની માટે શેનો ભોગ આપવો – તે અગ્રતાક્રમ પણ બદલાય છે. કોઈક એક બાબત પર મન ટકતું નથી. અત્યારે એક બાબતની ઈચ્છા થાય તો અન્ય સમયે ઇચ્છા બદલાઈ જાય. પહેરવેશ માટેની પસંદગી બદલાતાં તે પહેરવેશ બદલી શકાય છે. જરૂરિયાત, ક્ષમતા અને માનસિકતા પ્રમાણે ઉપકરણો પણ બદલી નંખાય. હવે એ સમય નથી કે જ્યારે દાદાની એલાર્મ ઘડિયાળ પૌત્ર પણ વાપરે. બદલાવ જરૂરી પણ છે. સમય બદલાય છે. જરૂરિયાતો બદલાય છે. ઉંમરના અન્ય પડાવે આવીને જીવન પ્રત્યેનો અભિગમ પણ બદલાય છે. ઋતુ બદલાય છે. જીવનના આશ્રમ બદલાય છે અને પુરુષાર્થ પાછળનો હેતુ પણ બદલાયા કરે છે. પસંદગીના ધોરણો અને તેની પૂર્તિતા માટે જે તે વસ્તુની ઉપયોગીતા પણ બદલાય છે. બાંધકામની સામગ્રીમાં નીતનવા ઉમેરા થતા રહ્યા છે. સ્થાપત્યની શૈલી પણ વારે-તહેવારે નવા રંગ રૂપ ધારણ કરે છે. આ બધા સાથે મકાને પણ બદલાવવું જોઈએ.

અન્ય કળાની સરખામણીમાં સ્થાપત્યમાં લાગત વધુ આવતી હોવાથી આ પ્રકારના બદલાવ માટે સ્થાપત્યમાં વિવિધ પ્રકારની અજમાઈશ થતી રહે છે. ક્યારેક મકાનનું આખું માળખું બદલવું પડે. જો આ અશક્ય જેવું હોય તો – ઇચ્છિત બદલાવની માત્રા મોટા પ્રમાણમાં હોય ત્યારે – મકાનના આંતરિક સુશોભનમાં મૂળથી ફેરફાર કરવામાં આવે. આમાં પણ ઘણીવાર માત્ર રંગ બદલવાથી જ કામ ચાલી જાય. આ શક્ય ન હોય ત્યારે કેટલાક ફર્નિચર બદલી નખાય છે. આ પણ શક્ય ન હોય ત્યારે પડદા કે ટેપિસ્ટ્રી બદલી નાખવામાં આવે. બદલાવ માટે ક્યારેક કુંડા કે ફૂલ-ઝાડ બદલી દેવાય છે. આ પણ શક્ય ન હોય ત્યારે નાની-મોટી સુશોભન માટેની વસ્તુઓમાં ઘટાડો-વધારો કરાય છે. બજેટ ન હોય ત્યારે માત્ર સફાઈ કરી રાચરચીલાની ગોઠવણ થોડીક આમતેમ કરીને બદલાવની ઈચ્છા સંતોષવાનો પ્રયત્ન પણ થતો હોય છે.

મકાનના વિવિધ અંગોને માળખાગત, પૂરક તથા સુશોભક શૈલીમાં વર્ગીકૃત કરવાથી વાત સહેલી થશે. મકાનમાં જો માળખાગત બદલાવ કરવાનો હોય તો તે બાબત ઘણીવાર તે નવા બાંધકામ સમાન જ બની રહે છે. જ્યારે મકાનની જગ્યા બદલવાની ન હોય અને તેમાં માળખાગત બદલાવની જરૂર ઊભી થાય ત્યારે તકનિકી બાબતો પ્રત્યે વધારે ધ્યાન રાખવું પડે. મકાનની ભારવાહક દીવાલ જો ખસેડવાની હોય તો વધારે સાવચેત રહેવું પડે. આવા બદલાવ કરતી વખતે મકાનને કંઈ મોટું નુકસાન ન થાય તે જોવું પડે. નવી જીવન શૈલી પ્રમાણે મકાનમાં જ્યારે સંરચનાગત બદલાવની જરૂર ઊભી થાય ત્યારે પણ જટિલ પ્રશ્ર્નો સર્જાઈ શકે. બારી-બારણા કે ફ્લોરિંગ જેવી પૂરક બાબતો બદલવાની હોય તો એ પ્રમાણમાં સરળ રહે. સુશોભકના દાયરામાં આવે તેવી મકાનના ઇન્ટિરિયરની બાબતો બદલવામાં કોઈ નોંધપાત્ર તકલીફ હોતી નથી. બદલાવ સહજ છે. બદલાવને કારણે જ ઉત્ક્રાંતિ શક્ય બની છે. મોટેભાગે આવા બદલાવ જરૂરી હોય છે, પણ ક્યાંક માનવ વિચિત્ર સંકુચિતતાને કારણે પણ બદલાવની અપેક્ષા રાખતો જોવા મળે છે. આમાં સામગ્રી, શક્તિ અને સમય; એ ત્રણેયનો વ્યય થવાની સંભાવના હોય છે. દેખાદેખીમાં, સંપન્નતા કે સામર્થ્યનું પ્રદર્શન કરવા, કે માનસિક અસ્થિરતાને કારણે કરવામાં આવતો બદલાવ પ્રશ્ર્નો ઊભા કરી શકે. બદલાવ ઇચ્છનીય ત્યારે ગણાય જ્યારે તે જરૂરિયાત મુજબ હોય કે નવી તકનીકથી પર્યાવરણની માવજત માટે હોય. બદલાયેલ કાયદાકીય રૂપરેખા પ્રમાણે પણ ક્યારેક બદલાવ જરૂરી બને, જે માન્ય રાખવો પડે. વળી વ્યક્તિગત મૂલ્યોની સાથે સામાજિક મૂલ્યોનું માળખું પણ ઉપર-નીચે થતું રહે. જેને પરિણામે માનવીની અપેક્ષામાં – અને તેને કારણે તેને સંલગ્ન મકાનમાં આવતો બદલાવ પણ સ્વીકાર્ય હોય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ