મુંબઈગરાને ઠંડી માટે હજી રાહ જોવી પડશે!!
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું વાતાવરણ રહેવાને કારણે દિવસ દરમિયાન ઠંડકભર્યું વાતાવરણ રહ્યું હતું. પરંતુ મુંબઈગરા આતુરતાથી શિયાળાની ઠંડીની રાહ જોઈ રહ્યા છે, તે માણવા હજી થોડી રાહ જોવી પડવાની છે. હવામાન ખાતાએ મુંબઈમાં હજી બે-ત્રણ દિવસ વાદળિયું વાતાવરણ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.
રાજ્યમાં એક તરફ કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે મુંબઈમાં થોડા દિવસ અગાઉ ઠંડીનો ચમકારો રહ્યા બાદ ઠંડી અચાનકથી ગાયબ થઈ ગઈ હતી. હાલ મુંબઈમાં બે-ત્રણ દિવસથી વાદળિયું વાતાવરણ જણાઈ રહ્યું છે. હવામાન ખાતાના કહેવા મુજબ અરબી સમુદ્રના દક્ષિણ-પૂર્વમાં ૪.૫ કિલોમીટરના અંતરે સાયક્લોનિક સર્ક્યુલેશન નિર્માણ થયું છે. તેને કારણે મુંબઈ સહિત આજુબાજુના વિસ્તારમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી ગયું છે અને ભેજને કારણે મુંબઈમાં વાતાવરણ વાદળિયું છે. આ અસર આગામી ૨૪થી ૪૮ કલાક રહેવાની છે.
આ દરમિયાન મુંબઈમાં કોલાબામાં મહત્તમ તાપમાન ૩૨.૦ ડિગ્રી અને લઘુતમ તાપમાન ૨૩.૦ ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૭ ટકા નોંધાયું હતું. તો સાંતાક્રુઝમાં મહત્તમ તાપમાન ૩૩.૧ ડિગ્રી અને લઘુતમ ૨૧.૯ ડિગ્રી અને ભેજનું પ્રમાણ ૭૨ ટકા નોંધાયું હતું.