બિલ્ડરને બ્લૅકમેઈલ કરી ખંડણી વસૂલવા પ્રકરણે મહિલા સહિત ત્રણ પકડાયાં
પાલઘર: બ્લેકમેઈલિંગ અને ખંડણી વસૂલવામાં સંડોવાયેલી આંતરરાજ્ય ટોળકીનો પર્દાફાશ કરી પોલીસે મહિલા સહિત ત્રણની ધરપકડ કરી હતી. વસઈના એક બિલ્ડરને બ્લૅકમેઈલ કરીને આરોપીઓએ એક કરોડ રૂપિયાની ખંડણી માગી હોવાનું પોલીસે જણાવ્યું હતું.
બિલ્ડરે નોંધાવેલી ફરિયાદને આધારે વાલિવ પોલીસે આ પ્રકરણે ગુનો નોંધ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ નાફિઝ હમીદ શેખ (39), મનીષ સેઠ (48) અને સાહિબા બક્ષી ઉર્ફે નીતુ પાંડે (29)ની ધરપકડ કરવામાં આવી હતી.
વાલિવ પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જયરાજ રણવરેએ જણાવ્યું હતું કે મહિલા વસઈમાં બિલ્ડરની રૂમમાં ભાડેથી રહેતી હતી. બે વર્ષ અગાઉ મહિલાએ બિલ્ડર પર આક્ષેપ કર્યો હતો કે તેના કારણે તે ગર્ભવતી બની છે. એક કરોડ રૂપિયા ન ચૂકવે તો બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી મહિલાએ આપી હતી.
મહિલા અને તેના બે સાથીએ બિલ્ડર પાસેથી સમયાંતરે 19.70 લાખ રૂપિયા વસૂલ્યા હતા. આ કેસમાં સંડોવાયેલા અન્ય એક આરોપીએ બિલ્ડરને અંધેરી પૂર્વના એક પ્લૉટ સંબંધી લાલચ આપી 24 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ જ રીતે બાદમાં અન્ય કારણો રજૂ કરી આરોપીઓએ વધુ 17.80 લાખ રૂપિયા લીધા હોવાનું ફરિયાદમાં જણાવાયું હતું.
આ પ્રકરણે ગુનો નોંધી પોલીસે આરોપીનાં લૉકેશન ટ્રેસ કર્યાં હતાં. આરોપી સેઠ સુરતનો વતની છે, જ્યારે શેખ ભિવંડી અને પાંડે રાજસ્થાનના શ્રીગંગા નગરનો હોવાનું પોલીસે જણાવ્યું હતું. (પીટીઆઈ)