
રાંચી: ઝારખંડના ચાઇબાસામાં આવેલ ગોઇલકેરા-પોસૈતા રેલવે સ્ટેશનની વચ્ચે કારો બ્રીજ પાસે રેલવે ટ્રેક પર બોમ્બ બ્લાસ્ટ થયો હોવાની જાણકારી મળી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર માઓવાદીઓએ બોમ્બ વિસ્ફોટ કરીને ગોઇલકેરા-પૌસૈતાની વચ્ચેનો રેલવે ટ્રેક ઉડાવી દીધો છે. જેને કારણે હાવડા-મુંબઇ લાઇન પર રેલ સેવા ખોરવાઇ છે. ઘણી ટ્રેન રોકાઇ ગઇ છે.
આ અંગે મળતી વધુ વિગતો મુજબ 22મી ડિસેમ્બર 2023 એટલે કે આજે ભાકપા (માઓવાદી) એ ભારત બંધનું એલાન કર્યુ છે. પોતાની શક્તી દર્શાવવા માઓવાદીઓએ ટ્રેન ટ્રેક ઉડાવી દીધો છે. કહેવાઇ રહ્યું છે કે માઓવાદીઓએ ગુરુવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ બોમ્બ વિસ્ફોટ કર્યો હતો. રેલવે ટ્રેક પર બોમ્બ વિસ્ફોટ થયો છે એ વાતની જાણ થતાં શાલીમાર-કુર્લા એક્સપ્રેસને ગોઇલકેરા સ્ટેશન પર જ રોકવામાં આવી હતી.
માઓવાદીઓએ પુરાવા તરીકે રેલવે ટ્રેક પર બેનર અને પોસ્ટર પણ ફેંક્યા છે. બીજી લાઇન પરથી પસાર થઇ રહેલ એક માલગાડીના ડ્રાઇવર અને ગાર્ડને રેલવે ટ્રેક પર બોમ્બ વિસ્ફોટ થયો હોવાની જાણકારી સૌથી પહેલાં થઇ હતી. ત્યાર બાદ તેમણે આ અંગેની સૂચના નજીકના રેલવે સ્ટેશનને આપી હતી. આ અંગેની જાણકારી મળતાં જ રેલવે પ્રશાસને ટ્રેનીની અવર-જવર બંધ કરી દીધી. આ અંગેની જાણ થતાં રેલવેના આધિકારીઓ તપાસ અર્થે ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં.