જન્મે જ કાળા હોય એ ન્હાવાથી ધોળા ન થાય!
કચ્છી ચોવક – કિશોર વ્યાસ
ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે: કાગડા કાળા જ રહે! એ ધોળા ન થાય! ધોળીયાઓના દેશમાં પણ કાગડા કાળા જ જોવા મળે! કારણ કે, એ તેનો જન્મજાત સંસ્કાર પણ (સારા કે ખરાબ) બદલાતા નથી! કચ્છીમાં તેના માટે પણ એક અતિ પ્રચલિત ચોવક છે કે, “જાય કારાવેં સે, નાય અચ્છા ન થીયેં. લો શબ્દાર્થ જોઈ લઈએ: ‘જાય’ એટલે જન્મથી ‘કારા’ એટલે કાળા, ‘વેં’નો અર્થ થાય હોય અને ‘સે’ એટલે તે… ‘નાય’નો અર્થ છે સ્નાન કરવાથી અને ‘અચ્છા’ એટલે ધોળા, ‘ન થીયેં’ એટલે ન થાય. હવે ચોવકનો અર્થ પણ સ્પષ્ટ થઈ ગયો. જે જન્મે જ કાળા હોય તે ન્હાય તો પણ ધોળા ન થાય! શું આટલું કહેવા જ આ ચોવક રચાઈ હશે? ના, ચોવકને કહેવું એમ છે કે, “જે સંસ્કાર જન્મથી મળ્યા છે, તે બદલી નથી શકાતા! પછી એ સારા હોય કે ખરાબ!
બીજી પણ એક કહેવત ગુજરાતી ભાષામાં પ્રયોજાતી જોવા મળે છે કે, ‘જે થાય એ સારા માટે.’ પરિસ્થિતિ કે પરિણામનો આ રીતે સ્વીકાર કરી લેવો મુશ્કેલ હોય છે, પણ એ વિકલ્પહીન છે. કચ્છીમાં એ જ વાત ચોવક આ રીતે કહે છે: “જિકીં થીયે સો ખાસેલા ‘જિકીં’ એટલે જે, ‘થીયે’નો અર્થ છે, થાય અને ‘ખાસેલા’ એટલે સારા માટે. ઈશ્ર્વર જે સ્થિતિ આપે તેનો એ રીતે સ્વીકાર કરી લેવો.
જોકે હંમેશાં એ સાચું જ હોય તેવું માનવાને કોઈ કારણ ન હોવા છતાં, આપણે ‘બહુમત’ હંમેશાં સાચો હોવાનું જ માનીએ છીએ! એવું જ એક ચોવક પણ કહે છે કે, “જિજા ચેં તીં કરીજે મતલબ કે મોટાભાગના લોકો જે કહે તેમ કરવું! એનો અર્થ એવો થયો કે, ઘણા જણા જે કહે એ સાચું હોય છે! અહીં ‘જિજા’ શબ્દનો પ્રયોગ થયો છે, જેનો અર્થ છે: ઘણા. ‘ચેં’ એટલે કહે અને ‘તીં’ એટલે તેમ, ‘કરીજે’નો અર્થ થાય છે કરવું!
એટલે જ બીજી ચોવકમાં કહેવાયું છે કે: “જિજે -જીનાં થીયે ઉ ન કરીજે સીધો અર્થ તો એ જ થાય છે કે, બહુમતી લોકો કહે તેમ કરવું. જો તેમની કોઈ કાર્ય માટે ના થતી હોય તો તે કામ ન કરવું જોઈએ. હવે ‘જિજે’નો અર્થ આપ સૌને અભિપ્રેત છે. ‘નાં થીયે’ એટલે કે, ના પાડે, ‘ઉ’ એટલે ‘તે’ (કામ) ‘ન કરીજે’નો અર્થ થાય છે, ન કરવું!
સંસ્કૃતમાં એક કહેવત આવે છે ‘અતિ સર્વત્ર વર્જયતે,’ મતલબ કે કોઈ પણ બાબતનો અતિરેક કે અતિશયતા નુકસાનકારક સાબિત થાય છે. કોઈ પણ વાતની અતિશયતા નકામી છે. એજ ભાવાર્થ સાથે એક ચોવક છે: “જિજો ઓપાડો થોડેલા ‘જિજો’નો અર્થ થાય છે: વધારે. ‘ઓપાડો’નો મૂળ અર્થ થાય છે, અહંકાર પરંતુ અહીં ચોવકમાં અતિશયના અર્થમાં મૂકવામાં આવ્યો છે. ‘થોડેલા’ એટલે અલ્પ સમય માટે. ન ટકે તેવું. વધારે અહંકાર પણ આખરે ઓસરી જાય છે, વધારે ઉધામા પણ આખરે શાંત થઈ જાય છે. અતિરેક ક્યારેય ટકતો નથી. તેનાં ફળ કે પરિણામ પણ સારાં હોતાં નથી!
આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએં કે, ત્યાં? ઓહો! ત્યાં તો મારા ઘણા સગા-સંબંધી છે, ખાવા-પીવા કે રહેવાની કોઈ ચિંતા નથી. પણ ચોવક કહે છે: સાવધાન! “જિજે સગેં જો મેમાણ ભૂખ મરે! ‘સગેંજો’ એટલે સગાંના અને ‘મેમાણ’ એટલે મહેમાન. એ બધાને એમ જ હોય કે, એ ત્યાં જ રહેશે, એ ત્યાં જ જમશે! એમ કરતાં ના તો કોઈ આવવાનું કહે કે, ના કોઈ જમવાનું આમંત્રણ આપે! હોટલમાં રહેવું પડે અને ધાબા પર જમવું પડે!