ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

લોસ એન્જલસમાં સેના મોકલવા બદલ ટ્રમ્પ વહીવટીતંત્ર પર કેસ, કેલિફોર્નિયા સરકારે કહ્યું ટ્રમ્પે હદ વટાવી

કેલિફોર્નિયા : અમેરિકાના લોસ એન્જલસમાં ઈમિગ્રેશન પોલિસી વિરુદ્ધ થયેલા વિરોધ પ્રદર્શનનો મુદ્દો ઉગ્ર બની રહ્યો છે. જેમાં રોડ પર ઉતરેલા લોકોને કાબૂમાં કરવામાં પોલીસ નિષ્ફળ રહી હતી. જેની બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગવર્નરની મંજૂરી વિના લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કર્યા હતા. જેની બાદ હવે કેલિફોર્નિયાએ ટ્રમ્પ વહીવટીતંત્ર સામે દાવો દાખલ કર્યો છે. આ દાવો ગવર્નરની મંજૂરી વિના લોસ એન્જલસમાં 2,000 નેશનલ ગાર્ડ સૈનિકો તૈનાત કરવાના નિર્ણય સામે દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના અધિકારીઓએ આ પગલાને ગેરકાયદે ગણાવ્યું છે અને કહ્યું છે કે આ પહેલાથી જ તણાવપૂર્ણ વાતાવરણને વધુ ખરાબ કરી શકે છે.

કોઈ હુમલો કે બળવો થયો નથી

કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોન્ટાએ સોમવારે આ મુકદ્દમા વિશે માહિતી આપતા કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની મર્યાદા ઓળંગી છે. તેમણે ગવર્નર ગેવિન ન્યૂસમની સંમતિ વિના સૈનિકો તૈનાત કર્યા છે.બોન્ટાએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે, હું સ્પષ્ટ કરવા માંગુ છું કે, કોઈ હુમલો કે બળવો થયો નથી. રાષ્ટ્રપતિ જાણી જોઈને જમીન પર અરાજકતા અને કટોકટી ઉભી કરી રહ્યા છે, જેથી તેઓ પોતાના રાજકીય હિતો પ્રાપ્ત કરી શકે.

આ કેસમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે ટ્રમ્પે ફેડરલ કાયદાનો દુરુપયોગ કર્યો છે. જે રાષ્ટ્રપતિને ફક્ત ખાસ પરિસ્થિતિઓમાં જ સૈનિકો મોકલવાની મંજૂરી આપે છે. જેમાં વિદેશી હુમલો અથવા યુએસ સરકાર સામે મોટા બળવાનો સમાવેશે થાય છે. જ્યારે કેલિફોર્નિયા સરકારે કહ્યું કે હાલમાં આવી કોઈ પરિસ્થિતિ નથી.

ઇમિગ્રેશન મુદ્દે ધરપકડ બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા

આ તૈનાતી ત્યારે કરવામાં આવી છે જ્યારે લોસ એન્જલસમાં ઇમિગ્રેશન મુદ્દે ધરપકડ બાદ હિંસક વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. પરંતુ ગવર્નર ન્યૂસમ અને અન્ય ડેમોક્રેટ નેતાઓ કહે છે કે રાજ્ય સરકાર આ પરિસ્થિતિઓને પોતાની રીતે સંભાળી શકે છે અને ફેડરલ સરકાર દ્વારા દખલગીરીની કોઈ જરૂર નથી.

ગવર્નર ન્યૂસમએ ટ્રમ્પ વહીવટીતંત્રને પત્ર લખ્યો

ગવર્નર ન્યૂસમએ પણ આ નિર્ણયનો સખત વિરોધ કર્યો છે. તેમણે ટ્રમ્પ વહીવટીતંત્રને સૈનિકોને દૂર કરવાની માંગ કરતો સત્તાવાર પત્ર મોકલ્યો છે. આ પત્ર સંરક્ષણ સચિવ પીટ હેગસેથને લખવામાં આવ્યો છે. ન્યૂસમએ પત્રમાં લખ્યું છે કે, ‘લોસ એન્જલસમાં નેશનલ ગાર્ડ્સ તૈનાત કરવાની કોઈ જરૂર નથી. આટલા લાંબા સમય સુધી ગેરકાયદે રીતે સૈનિકો મોકલવા એ રાજ્યની સાર્વભૌમત્વનું ગંભીર ઉલ્લંઘન છે. એવું લાગે છે કે પરિસ્થિતિને વધુ ખરાબ કરવા માટે આ પગલું જાણી જોઈને લેવામાં આવ્યું છે.

પેન્ટાગોનનું કડક વલણ

આ વિરોધ છતાં ટ્રમ્પ વહીવટીતંત્રે પીછેહઠ કરવાનો કોઈ સંકેત આપ્યો નથી. પેન્ટાગોને કહ્યું છે કે જરૂર પડ્યે વધુ સૈનિકો મોકલવામાં આવશે. રવિવારે યુએસ નોર્ધન કમાન્ડે કહ્યું કે દક્ષિણ કેલિફોર્નિયામાં તૈનાત લગભગ 500 મરીનને લોસ એન્જલસ મોકલવા માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો….ટ્રમ્પે ગવર્નરની મંજુરી વગર સેના ઉતારી; અમેરિકામાં સત્તાનું સંતુલન ખોરવાયું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button