24 ડિસેમ્બરે મરાઠા આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરીમાં વિશેષ અધિવેશનમાં મળશે: મુખ્ય પ્રધાન
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મંગળવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે 24 ડિસેમ્બરે મરાઠા સમાજને આરક્ષણ નહીં જ મળે, ફેબ્રુઆરી મહિનામાં વિશેષ અધિવેશન બોલાવીને તેમાં મરાઠા સમાજને આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે મરાઠા સમાજને ટકાઉ અને કાનૂની ચોકઠામાં બેસે એવું આરક્ષણ આપવાનો રાજ્ય સરકારનો પ્રયાસ છે. તે રીતે પ્રયાસો થઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં સ્ટેટ બેકવર્ડ કમિશનનો અહેવાલ મળ્યા બાદ મરાઠા આરક્ષણનો નિર્ણય લેવામાં આવશે. આને પગલે હવે મનોજ જરાંગેનું આંદોલન 24 ડિસેમ્બરથી ચાલુ થવાની શક્યતા જોવાઈ રહી છે.
મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ કહ્યું હતું કે 2004ના કાયદામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેને આધારે જ મરાઠા સમાજને કુણબીના પ્રમાણપત્રો આપવામાં આવી રહ્યા છે. કુણબી લખ્યું અને પ્રમાણપત્ર આપી દીધું એટલું સહેલું નથી. જાતી પ્રમાણપત્ર આપવા માટે જે તે ઉમેદવારની જવાબદારી જાતીના પુરાવા આપવાની હોય છે. આથી કોને ચિંતા કરવાની આવશ્યકતા નથી. જેઓ પાત્ર છે તે બધાને જાતી પ્રમાણપત્ર આપવામાં આવશે.
કુણબી પુરાવા ઉર્દુ, ફારસી, મોડી લીપીમાં આપવામાં આવ્યા છે. આથી દસ્તાવેજોની ઊંડી તપાસ કરીને પછી જ પ્રમાણપત્રો આપવામાં આવશે. તેલંગણા સરકાર પાસે અનેક દસ્તાવેજો છે. તેમની પાસે કેટલીક નોંધ ડિજિટલ સ્વરૂપમાં પણ છે. આથી તેલંગણા સરકારની આપણા કામમાં મદદ મળી શકશે. ત્યાં કોંગ્રેસની સરકાર છે એટલે અશોક ચવ્હાણ અને અન્ય કૉંગ્રેસી નેતાઓ મદદરૂપથઈ શકશે.
2019માં એસઈબીસી કાયદો કરીને મરાઠા સમાજને આરક્ષણ આપવામાં આવ્યું હતું. આ આરક્ષણ હાઈ કોર્ટમાં ટક્યું હતું, પરંતુ સુપ્રીમ કોર્ટમાં 2021માં તે ટકી શક્યું નહોતું. કેમ કે સુપ્રીમ કોર્ટમાં સંપૂર્ણ વિગતો રજૂ કરવામાં આવી નહોતી. તેમાંથી કેટલીક બાબતો જ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. મારે તે બધામાં જવું નથી. મરાઠા સમાજનું પછાતપણું સિદ્ધ થઈ શકે એવા પુરાવા તેમાં હતા, પરંતુ તે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા નહોતા. અદાલતી પ્રક્રિયાને જેટલી ગંભીરતાથી લેવાની આવશ્યકતા હતી, એટલી ગંભીરતાથી તેને લેવામાં આવી નહોતી.
અગાઉની સરકારના સમયમાં જે ખામીઓ રહી ગઈ તેને દૂર કરવા માટે સરકાર કામ કરી રહી છે અને તેને માટે સિનિયર એડવોકેટ હરિશ સાળવીની સાથે વકીલોની ફોજ ઊભી રાખવામાં આવશે.
રાજ્યના બેકવર્ડ કમિશનને નવેસરથી ઈમ્પેરિકલ ડેટા તૈયાર કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમને પુણેની કચેરીમાં વધારાની જગ્યા આપવામાં આવી છે. તેમના સર્વેક્ષણ પર મરાઠા સમાજનું પછાતપણું સિદ્ધ થવાનું છે. આથી તેમને આવશ્યક સુવિધા આપવામાં આવી છે. સરકારી યંત્રણાને પણ કમિશનને સહકાર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એકાદો સમાજ પછાત હોય તો તેમનું પછાતપણું સિદ્ધ કરવાનો અધિકાર રાજ્ય સરકારનો છે અને મરાઠા સમાજને ટકાઉ આરક્ષણ આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે, એમ મુખ્ય પ્રધાને કહ્યું હતું.
સ્ટેટ બેકવર્ડ કમિશનનો અહેવાલ એક મહિનામાં મળશે. તેની સમીક્ષા કરવામાં આવશે અને ત્યારપછી જ આરક્ષણ આપવાનો નિર્ણય લઈ શકાશે. ફેબ્રુઆરી મહિનામાં વિધાનમંડળનું વિશેષ અધિવેશન બોલાવીને આવશ્યકતા મુજબ મરાઠા આરક્ષણ આપવામાં આવશે. તેનાથી અન્ય કોઈપણ સમાજ પર અન્યાય ન થાય તેનું પણ ધ્યાન રાખવામાં આવશે એવી ખાતરી સરકાર આપે છે, એમ પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.
મનોજ જરાંગે-પાટીલને નમ્ર વિનંતી છે કે તેમણે સરકારનું વલણ ધ્યાનમાં લેવું, સરકાર તરીકે અમે પ્રામાણિક પ્રયાસો કરી રહ્યા છીએ. આવશ્યક બધી જ પ્રક્રિયા સરકાર કરી રહી છે, એમ પણ તેમણે કહ્યું હતું.