હવે કૉંગ્રેસએ બનાવી નવી કમિટીઃ પાંચ વરિષ્ઠ નેતાને સોંપી જવાબદારી
નવી દિલ્હીઃ છેલ્લી બે ટર્મથી લોકસભાની ચૂંટણીમાં અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં સતત હારનો સમાનો કરી રહેલી કૉંગ્રેસને ફરી બેઠી કરવાનું કામ સહેલું નથી. કૉંગ્રેસ પાસે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ટક્કર મારી શકે તેવું નેતૃત્વ નથી અને પક્ષ પૂરી રણનીતિથી મેદાનમાં ઉતરી શકતો નથી. પાંચ રાજયોની ચૂંટણીના પરિણામોએ કૉંગ્રેસના મનોબળને વધારે ધક્કો માર્યો છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણી પહેલા ફરી ઊભા થવા કૉંગ્રેસ નવા પ્રયોગો કરતું રહે છે. એક તો તમણે ડૉનેટ ફોર દેશ નામનો ફંડ એકઠું કરવાનો કાર્યક્રમ હાથ ધર્યો છે ત્યારે બીજી બાજુ પાંચ સભ્યની નેશનલ અલાયન્સ કમિટી બનાવી છે.
ઈન્ડિયા એલાયન્સની બેઠક પહેલા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગેએ રાષ્ટ્રીય ગઠબંધન સમિતિની રચના કરી છે. જેમાં પાંચ વરિષ્ઠ નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સમિતિમાં રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ, સલમાન ખુર્શીદ, મુકુલ વાસનિક અને મોહન પ્રકાશનો સમાવેશ કરવામાં આવ્યો છે. મુકુલ વાસનિકને સમિતિના સંયોજક બનાવવામાં આવ્યા છે.
રાજ્સથાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસની હાર છતાં પણ તેના પૂર્વ મુખ્ય પ્રધાનોને સામેલ કરવામાં આવ્યા છે. ભાજપએ અહીં મોટી જીત હાંસલ કરી છે. જોકે તેમ છતાં બન્ને નેતાઓને કૉંગ્રેસએ રાષ્ટ્રીય કમિટીમાં સ્થાન આપ્યું છે.
આજે ઈન્ડિયા ગઠબંધનની બેઠક પહેલા કૉંગ્રેસએ બેઠક યોજી હતી. તેમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પાંચમાંથી માત્ર એક જ રાજ્યમાં સત્તા મળતા ગઠબંધનમાં પણ કૉંગ્રેસ માટે વર્ચસ્વ જમાવી રાખવું શક્ય નથી. પ્રાદેશિક પક્ષો પોતપોતાના રાજ્યોમાં કદાવર હોવાથી કૉંગ્રેસ રાષ્ટ્રીય પક્ષ હોવા છતાં નબળી પડી રહી છે. આ બધા વચ્ચે પક્ષમાં જોમ ભરે અને પક્ષન ફરી બેઠો કરે તેવા નેતૃત્વની જરૂર છે.