આમચી મુંબઈમહારાષ્ટ્ર

તમે ગુજરાતના મુખ્ય પ્રધાન છો કે દેશના વડા પ્રધાન: ઉદ્ધવ ઠાકરેની મોદી પર ટીકા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગુજરાતમાં સુરત ડાયમંડ બૂર્સ ચાલુ થયું તેનો ફટકો મુંબઈના હીરા ઉદ્યોગને લાગ્યો છે. વડા પ્રધાન દેશની આર્થિક રાજધાની મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં સ્થળાંતરિત કરવાના માર્ગ પર આગળ વધી રહ્યા છે. તેઓ પોતાના ભાષણમાં પણ એવા નિવેદનો કરી રહ્યા છે કે ગુજરાત મજબૂત થશે તો દેશ મજબૂત થશે. તેઓ ફક્ત ગુજરાતના જ છે કે? એવો સવાલ ઉપસ્થિત કરતાં શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ સોમવારે વડા પ્રધાનને એવો ટોણો માર્યો હતો કે તમે દેશના વડા પ્રધાન છો, ગુજરાતના મુખ્ય પ્રધાન નથી.

શિવસેના (યુબીટી)ની સાથે અન્ય વિપક્ષે મળીને ધારાવીના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના વિરોધમાં મોર્ચો કાઢ્યો હતો. તેની સત્તાધારી પક્ષો દ્વારા ટીકા કરવામાં આવી હતી. આ બાબતે જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ સોમવારે વિધાનભવન પરિસરમાં કહ્યું હતું કે ટીકા કરી રહેલા લોકો અદાણીના ચમચા છે. અદાણીને સવાલ કર્યો અને ચમચા વાગવા લાગ્યા, એવો ટોણો તેમણે લગાવ્યો હતો.

ધારાવી પ્રોજેક્ટના વિરોધમાં કાઢવામાં આવેલા મોરચામાં સહભાગી કાર્યકર્તાઓ ધારાવીના નહોતા. આ મોરચો સેટલમેન્ટ મોરચો હતો એવી ટીકા રાજ ઠાકરેએ કરી હતી તેનો જવાબ આપતાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે અમે મુંબઈમાંથી નહીં, ચંદ્ર પરથી માણસો બોલાવ્યા હતા. આ મોર્ચામાં ફક્ત ભાજપ જ નહોતી. તેઓ હોત તો સેટલમેન્ટ થઈ જાત. મુંબઈ વેચવા માટે કેટલાક લોકો અદાણીની ચમચાગીરી કરી રહ્યા હોવાની ટીકા તેમણે કરી હતી.

તેમણે એમ પણ કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનની બેઠક માટે હું દિલ્હી જવાનો છું. ત્યાં જઈશ ત્યારે મને બેઠકના એજેન્ડા વિશે જાણકારી મળશે.

સલીમ કુત્તા અંગે વિધાનસભ્ય નિતેશ રાણેએ વિધાનસભામાં મુદ્દો ઉપસ્થિત કરવામાં આવતા જ એસઆઈટી તપાસનો આદેશ આપી દેવામાં આવ્યો, પરંતુ અમારી પાસે આ જ કાર્યક્રમમાં ગિરીશ મહાજન નાચી રહ્યા હોવાના પુરાવા છે. આ પૂરાવા સભાગૃહમાં આપ્યા બાદ પણ સરકાર અમને બોલવા દેતી નથી. અમારી પાસે રહેલા પુરાવાને આધારે આ પ્રકરણે પણ એસઆઈટી નિયુક્ત કરવામાં આવવી જોઈએ, એમ પણ ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button