ઈડીએ અરવિંદ કેજરીવાલને ફરી મોકલી નોટિસ, જાણો કેમ?

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલને ફરી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ પૂછપરછ માટે નોટિસ મોકલી છે. દિલ્હી લીકર કેસમાં મની લોન્ડરિંગ સંબંધમાં 21મી ડિસેમ્બરે હાજર રહેવાનું સમન્સ પાઠવ્યું છે.
આ અગાઉ બીજી નવેમ્બરે અરવિંદ કેજરીવાલની પૂછપરછ માટે ઈડીએ નોટિસ મોકલી હતી, પરંતુ નોટિસને ગેરકાયદે હોઈ પરત ખેંચી લેવાની માગણી કરી હતી. કેજરીવાલ એ વખતે મધ્ય પ્રદેશની વિધાનસભાની ચૂંટણીને લઈ રોડ શોમાં સામેલ થયા હતા.
ઈડીએ પોતાની ચાર્જશીટમાં ઘણી વખત અરવિંદ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યો છે. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં ઈડીએ જણાવ્યું છે કે દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22 ખાસ કરીને આપ(આમ આદમી પાર્ટી)ના ટોચના નેતાઓ દ્વારા ગેરકાયદે પૈસા કમાવવા બનાવી હતી. ઉપરાંત, ઈડીએ દાવો કર્યો હતો કે ગેરકાયદે અને ગુનાહિત પ્રવૃત્તિઓને સરળ બનાવવા માટે આ નીતિ જાણી જોઈને છટકબારીઓ સાથે બનાવી હતી.
તપાસ એજન્સીએ ચાર્જશીટમાં સીએમના ઘરે આરોપીઓ સાથેની મીટિંગથી લઈને વીડિયો કોલ સુધીની ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. અરવિંદ કેજરીવાલને સમન્સ એ વખતે મોકલવામાં આવ્યું છે, જ્યારે તેઓ વિપશ્યના કેન્દ્ર જવાના હતા.
આ મુદ્દે અધિકારીઓને જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દસ દિવસના વિપશ્યના ધ્યાન કાર્યક્રમમાં જશે.
અધિકારીઓએ કહ્યું હતું કે કેજરીવાલ દિલ્હી વિધાનસભાનું શિયાળુ સત્ર પૂરું થયા પછી આવતીકાલે પાટનગર દિલ્હીમાં રવાના થશે. કેજરીવાલ લાંબા સમયથી વિપશ્યના કરે છે અને એના માટે ખાસ કરીને બેંગલુરુ અને જયપુર સહિત અન્ય શહેરોમાં પણ જઈ ચૂક્યા છે.