આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામેની વન-ડે મેચમાં ભારતને સિરીઝ જીતવાની તક
ગકબેરહા (દક્ષિણ આફ્રિકા): અહીં દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ મેચની શ્રેણીની બીજી વનડે મેચ આવતીકાલે રમશે. ભારતીય ટીમનો પ્રયાસ મેચ જીતીને સીરિઝ જીતવાનો રહેશે. બીજી મેચમાં ટીમ ઇન્ડિયા તરફથી રજત પાટીદાર અથવા બેટ્સમેન રિંકુ સિંહને ડેબ્યૂની તક મળી શકે છે.
અર્શદીપ સિંહ અને અવેશ ખાન જેવા યુવા ફાસ્ટ બોલરોના શાનદાર પ્રદર્શનના કારણે ભારતીય ટીમને સીરિઝની પ્રથમ મેચમાં આઠ વિકેટે જીત મળી હતી. કેપ્ટન કેએલ રાહુલના નેતૃત્વમાં ભારતીય ટીમને 2022માં વન-ડે શ્રેણીમાં 0-3થી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો, તેથી તેઓ આ મેચ જીતીને અગાઉની નિષ્ફળતાને પાછળ છોડવા માંગશે.
અનુભવી બેટ્સમેન શ્રેયસ અય્યર પહેલી વન-ડે બાદ ટેસ્ટ ટીમ સાથે જોડાઇ ગયો છે જેનાથી મિડલ ઓર્ડરમાં એક જગ્યા ખાલી પડી છે. રિંકુ તાજેતરના સમયમાં તેની બેટિંગથી ખૂબ પ્રભાવિત કરી રહ્યો છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે ટી20 મેચોમાં પોતાની ટેકનિકની છાપ છોડી છે. દક્ષિણ આફ્રિકાની બાઉન્સ પીચ પર પણ તેણે સારી બેટિંગ કરી હતી.
જો કે, હાલમાં ટીમમાં તેની ભૂમિકા ફિનિશરની છે, તેથી ચોથા ક્રમના બેટ્સમેન ઐય્યરના બદલે પ્લેઇંગ ઇલેવનમાં રિંકુનો દાવો મજબૂત છે. અગિયારમાં સ્થાન માટે પાટીદારનો દાવો વધુ મજબૂત છે, કારણ કે તે સ્થાનિક મેચોમાં મધ્યપ્રદેશ માટે સમાન ક્રમમાં બેટિંગ કરે છે. રજત પાટીદાર 2022માં પણ ભારતીય વનડે ટીમમાં સ્થાન મેળવવામાં પરંતુ તેને પ્લેઈંગ ઈલેવનમાં તક મળી નહોતી.
ટીમે આ શ્રેણીમાં મેચ ફિનિશરની ભૂમિકા અનુભવી સંજૂ સેમસનને આપી છે જે રાહુલ બાદ છઠ્ઠા સ્થાને બેટિંગ કરશે. લિસ્ટ-એ ક્રિકેટમાં રિંકુની એવરેજ 50ની આસપાસ છે, તેથી ટીમ મેનેજમેન્ટ બંનેના નામ પર ગંભીરતાથી વિચાર કરશે.
પાટીદાર અને રિંકુ બંનેને આ મેચમાં ડેબ્યૂ કરવાની તક મળી શકે છે, પરંતુ આ માટે તિલક વર્મા કે સેમસનને બહાર રહેવું પડશે જેની શક્યતા ઓછી જણાય છે. પહેલા મેચમાં તિલકને માત્ર ત્રણ બોલ રમવાની તક મળી હતી જ્યારે સેમસનને બેટિંગ કરવાની તક મળી ન હતી.