હાશકારો! પરેલ ટીટી ફ્લાયઓવરનું સમારકામ પૂરું
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં મહત્ત્વનો ગણાતો પરેલ ટીટી ફ્લાયઓવર પર રહેલા ખાડાઓને કારણે તેના પર પ્રવાસ કરવું મુશ્કેલ બની ગયું હતું. પરંતુ મુખ્ય પ્રધાનના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ફ્લાયઓવરના પુષ્ઠભાગનું સમારકામ પૂરું કર્યું છે. તેથી વાહનચાલકોને ફ્લાયઓવર પર વાહન ચલાવવું હવે વધુ સરળ રહેવાનું છે.
પરેલ ટીટી ફ્લાયઓવરના સમારકામના એક ભાગરૂપે પુલ પરના રસ્તા પર ફરી ડામર નાખવાનું કામ પૂરૂં કરવામાં આવ્યું છે. મુખ્ય પ્રધાને થોડા મહિના પહેલા આ પુલનું ઈન્સ્પેકશન કર્યું હતું, એ દરમિયાન તેમણે પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવાનો નિર્દેશ આપ્યો હતો. તે મુજબ પાલિકાએ સમારકામ પૂરું કરી નાંખ્યું છે.
વાહનચાલકોને દિવસના સમયે અડચણ થાય નહીં તે માટે રાતના સમયે પાલિકાના પુલ વિભાગ દ્વારા આ સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામ ગયા અઠવાડિયે હાથમાં લઈને તેને અઠવાડિયાની અંદર જ પૂરું કરી નાખવામાં આવ્યું છે.