રશિયન મહિલાનો મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલો યુવક પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઍરપોર્ટ જવા માટે કૅબની રાહ જોતી ઊભેલી રશિયન મહિલાના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થયેલા આરોપીને પોલીસે પકડી પાડ્યો હતો.
સાકીનાકા પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ અજય પાંડુ સાબળે (20) તરીકે થઈ હતી. તેની પાસેથી રશિયન મહિલાનો અંદાજે 70 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ હસ્તગત કરાયો હતો.
પોલીસ ફરિયાદ અનુસાર ઘટના 12 ડિસેમ્બરની મધરાતે સાકીનાકામાં 90 ફૂટ રોડ પરના એક બૅન્ક્વેટ હૉલ પાસે બની હતી. ફરિયાદી નીના ગેમનેકો (37)એ ઍરપોર્ટ જવા માટે કૅબ બુક કરાવી હતી. ગેમનેકો કૅબની રાહ જોતી ઊભી હતી ત્યારે આરોપી તેના હાથમાંથી મોબાઈલ ફોન ઝૂંટવી ફરાર થઈ ગયો હતો.
આ પ્રકરણે સાકીનાકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. વિદેશી નાગરિકનો મોબાઈલ ચોરનારા આરોપીની ઓળખ મેળવવા ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ તપાસવામાં આવ્યાં હતાં. ફૂટેજને આધારે આરોપીને ઓળખી કાઢી સાકીનાકાના અશોક નગર ખાતેથી જ તેને તાબામાં લેવાયો હતો. આરોપી આવા પ્રકારના અન્ય ગુનાઓમાં સંડોવાયેલો છે કે કેમ તેની તપાસ પોલીસ કરી રહી છે.