નવી સંસદને કોની લાગી નજર ?
૧૩ ડિસેમ્બર,૨૦૦૧ના એ ગોઝારા દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એ જૂની સંસદ હતી. બરાબર બાવીસ વર્ષ બાદ હવે નવી બનેલી સંસદ પર હુમલો થયો છે
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા
૧૩ ડિસેમ્બર,૨૦૦૧ના એ ગોઝારા દિવસે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો એ જૂની સંસદ હતી. બરાબર બાવીસ વર્ષ બાદ હવે નવી બનેલી સંસદ પર હુમલો થયો છે. નવ જાત શિશુને નજર ન લાગે એ માટે તેના કપાળ પર મેશનું કાળું ટપકું લગાડવામાં આવે છે, પરંતુ આ નવી નવેલી સંસદ પર તોફાની પ્રદર્શનકારીઓએ હુમલો કરી તેને માથે હમેશને માટે કાળી ટીલી લગાડી દીધી. સંસદમાં ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં પ્રદર્શનકારીઓ સંસદની અંદર કલરફુલ હંગામો મચાવવામાં સફળ થયા એટલે સુરક્ષા વ્યવસ્થાને હજી વધુ સઘન બનાવવી જોઈએ અને બનાવાશે જ, પરંતુ અહીં મુદ્દો એ છે કે સંસદ પર કોણે નજર બગાડી ?
સંસદ પર હુમલો કરનાર ચારમાંથી બે શખસ સાગર શર્મા અને મનોરંજન સંસદની વિઝિટર્સ ગેલેરીમાંથી કુદી પડ્યા અને પોતાના બૂટમાં છુપાવેલ સ્મોક સ્ટિક કાઢી પીળો ધુમાડો ફેલાવ્યો. સાથે સૂત્રોચ્ચાર કર્યો.
આ જ સમયે સંસદની બહાર પણ નીલમ વર્મા
નામની મહિલા અને અમોલ શિંદે નામના યુવાને સ્મોક સ્ટિક સળગાવી હોબાળો મચાવ્યો. એક જ સમયે બે અલગ સ્થળે હોબાળો મચાવ્યો જેથી સુરક્ષા અધિકારીઓ
મૂંઝવણમાં મુકાય. વધુ તકલીફ થાય.
હજી એક પાંચમો શખસ લલિત ઝા જે આ ચારેના મોબાઇલ લઇને ભાગી ગયો હતો એ પણ આ લખાય છે ત્યારે પકડાઈ ચૂક્યો છે. અને હવે છઠો શખસ વિશાલ શર્મા જેના ગુરુગ્રામ સ્થિત ઘરે આ લોકો ઘટનાને અંજામ આપવા રોકાયા હતા. એની પણ પૂછપરછ થઈ રહી છે.
પ્રથમ નજરે સંસદ પર નજર રાખનાર અને નજર બગાડનાર આ છ લોકોનું નામ આવે એ સ્વાભાવિક છે, પરંતુ તેમનો ઈતિહાસ જોઈએ તો વાચકોને ખ્યાલ આવશે જ કે કયા મોટા માથા કે પક્ષો પણ આ ઘટનામાં સીધી કે આડકતરી રીતે સંડોવાયેલા હોઈ શકે. આ લોકો ભલે ભાજપના સાંસદની ભલામણના આધારે સંસદમાં ઘૂસ્યા હોય પણ તેમનો ભૂતકાળ કંઈક અલગ જ દિશાનિર્દેશ કરે છે.
નીલમ વર્મા એમ. એ. એમ. ફિલ ભણેલ મહિલા છે જે હજી પણ પોતાની જાતને સ્ટુડન્ટ ગણાવે છે, પણ ખરેખર તો એ આંદોલન જીવી છે. અગાઉ હરિયાણામાં કિસાન આંદોલન વેળાએ ભાષણ કરતી એક વીડિયોમાં નજરે પડે છે. તો દિલ્હીમાં પહેલવાનોના આંદોલનમાં પણ ભાગ લીધો હતો. આ ઉપરાંત હરિયાણામાં એ લોકોને સત્તા પરિવર્તન માટે અપીલ કરે છે એ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે જેમાં તે કૉંગ્રેસને મત આપવાની અપીલ પણ કરે છે. આ એક પોલિટિકલ સંકેત છે. વળી ૪ર વર્ષની વયે પોતે બેરોજગાર હોવાનું કહેતી નીલમ ભણીને બહાર પડી ત્યારે તો ૨૪-૨૫ વર્ષની હશે. એ વખતે તો કૉંગ્રેસની સરકાર હતી. તો પછી એ વખતે એણે બેરોજગારીનો પ્રશ્ર્ન કેમ નહીં ઉઠાવ્યો હોય? કેટલાક લોકો આપજીવી હોય. કેટલાક બાપજીવી હોય પણ નીલમ આંદોલન જીવી છે એ આજે છડેચોક ચર્ચાઇ રહ્યું છે.
અન્ય એક મનોરંજન નામના ઘરેથી જે પુસ્તકો મળ્યાં છે તેનાથી એવું લાગે છે કે ડાબેરી વિચારધારાથી પૂરેપૂરો પ્રભાવિત છે. એટલું જ નહીં તેણે જ સાગર શર્માને પોતાના માર્કસ વાદી – સામ્યવાદી વિચારોથી પ્રભાવિત કર્યો હશે તેવું ચર્ચાઇ રહ્યું છે. સંસદની અંદર હુમલો કરનાર આ બે જણ હતા.
બીજી બાજુ આ હુમલાનો માસ્ટરમાઈન્ડ જે હમણાં જ પક્ડાયો છે તે લલિત ઝા પણ કોલકતા પશ્ચિમ બંગાળની અનેક ગતિવિધિઓ સાથે સંકળાયેલો છે એટલે તૃણમૂલ કૉંગ્રેસની સંડોવણીની પણ શક્યતા સોશિયલ મીડિયા પર ચર્ચાઈ રહી છે. જોકે ખરી હકીકત તો સઘન પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.
પણ એટલું જરૂર છે કે આ લોકો વર્ષ દોઢ વર્ષ અગાઉ ભગતસિંહની વિચારધારા સાથે સંમત એવી વેબસાઇટના માધ્યમ દ્વારા મળ્યા હતા. અને સંસદની પૂરેપૂરી રેકી કર્યા બાદ જ ઠંડે કલેજે ઘૂસણખોરી કરી હતી. તેઓ નાદાન યુવાનો છે અને બેરોજગારી કે કિસાન અને મણિપુરના મુદ્દે ઉશ્કેરાટમાં આવીને આવું કૃત્ય કરી બેઠા છે તેવું બિલકુલ લાગતું નથી. ગુરુગ્રામમાં તેમને ઘરમાં રાખનાર વિક્કી શર્મા પણ નશેડી છે અને વિદેશથી તેને આર્થિક સહાય મળ્યા કરે છે તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. વિદેશની વાત નીકળી છે તો પરદેશમાં રહીને ભારતમાં ખાલિસ્તાની મુવમેન્ટ ચલાવનાર પન્નુએ તો સંસદ પર હુમલો કરવાની ધમકી અગાઉ આપી જ હતી.
આ બધા પરિબળો ધ્યાનમાં રાખીએ તો ઉપરોક્ત છ આરોપીઓ માત્ર પ્યાદા જ હોય અને રમત રમનારા કોઈ અન્ય જ હોય એ બહાર આવવાની શક્યતા છે.
એ જે હોય તે આ શખસો પર યુએપીએ (અનલોફૂલ એક્ટિવિટિઝ પ્રિવેન્શન એકટ) હેઠળ કેસ ચાલી રહ્યો છે તે મુજબ જે લોકો દેશની સંપ્રભુતા અને એકતા સામે ભય ઊભો કરે છે તે ક્લમ હેઠળ મુકદમો ચાલશે અને તેમની પર આ આરોપ પુરવાર થયો તો જન્મટીપની સજા પણ થઈ શકે. થોડાં વર્ષો અગાઉ કાશ્મીરમા જવાનો પર ૫થ્થરબાજી કરનારને નાદાન ગણાવાતા હતા એ જ રીતે સંસદમાં ઘૂસણખોરી કરનાર આ યુવાનોને પણ નાદાન દર્શાવવાનું અમુક વર્ગ તરફથી શરૂ થઈ ગયું છે તે પણ સૂચક છે અને આ ઘટના પાછળ દોરીસંચાર કરનારા અન્યો પણ હોઈ શકે એ વિચારને પુષ્ટિ મળે છે. એ જે હોય તે સંસદમાં ઘૂસીને અંધાધૂંધી ફેલાવનાર આ શખસો સામે કડક કાર્યવાહી થશે એ નિશ્ર્ચિત છે અને થવી પણ જોઈએ જેથી એક કડક દાખલો બેસે. ભવિષ્યમાં આવા ‘નાદાનો’ દેશની ગરિમાસમી લોકશાહીના મંદિરને ન અભડાવે.
ભાજપ વિરોધી એજન્ડા?
ઘૂસણખોરીની આ ઘટના પાછળ હાલમાં સત્તા પર સ્થિર ભારતીય જનતા પક્ષ અને નરેન્દ્ર મોદીને બદનામ કરવાનો પૂરેપૂરો કારસો રચાયો હોય તેવી પણ શક્યતા છે. હુમલાખોરોએ કર્ણાટકના મૈસૂર ખાતેના ભાજપી સાંસદ પ્રતાપસિંમ્હાની ભલામણને આધારે સંસદમાં મુલાકાતી તરીકે એન્ટ્રી મેળવી હતી. આ સાંસદ કટ્ટર હિન્દુત્વવાદી છે. તેમને અને ભાજપને બદનામ કરવા જ તેમની પાસે હુમલાખોરોએ એ વિનંતી કરી હશે કે કોઈ ઓળખીતા દ્વારા કરાવી હશે જેથી ઘટના બન્યા બાદ પહેલી નજરે ભાજપને બદનામ કરી શકાય. કૉંગ્રેસે આ વાતનો ફાયદો લીધો પણ ખરો. તેમના કાર્યકર્તાઓએ પ્રતાપ સિમ્હાની ઓફિસને ઘેરો ઘાલ્યો હતો અને વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કર્યા હતાં. હવે કૉંગ્રેસને જણાવવાનું કે જેમણે લોકસભામાં ભય ફેલાવતી દેશવિરોધી કાર્યવાહી કરી તે છ જણાના ઘરે જઈને ઘેરો કેમ ન ઘાલ્યો? ભાજપાના સાંસદ તો નિમિત્ત બન્યા, પરંતુ ખરા કર્તા-હર્તા હુમલાખોર શખસો વિરુદ્ધ કેમ તેમના કોઈ નિવેદન આપતા નથી?
સાંસદ બન્યા પછી કોઈ ઓળખાણ લઈને આવે અને મુલાકાતીઓ માટેના પાસની માગણી કરે તો આપવા પણ પડે. નહીં તો તેમના જ મત વિસ્તારમાં તેમનું નામ વગોવાઈ જાય. મુલાકાતીઓ કોઈ પણ જાતના સામાન કે શસ્ત્ર વગર જ સંસદમાં પ્રવેશી શકતા હોય ત્યારે તેમને વિઝિટિર્સ પાસ આપવામાં કશો જ વાંધો નહીં તેવું દરેક સાંસદોના મનમાં હોય છે.
જોકે હવે પાડાના વાંકે પખાલીને ડામ મળશે. નવી લોકસભાને અંદરથી જોવા અનેક નિર્દોષ અને જિજ્ઞાસુ પ્રજાજનો માટે હાલ તુરત તો દરવાજા બંધ થઈ ગયા છે. આરોપીઓ સ્મોક સ્ટિક સાથે પ્રવેશી શક્યા તેની પાછળ પણ કારણ છે.
સ્મોક સ્ટિક મેટલ ડિટેક્ટરમાં ન પકડી શકાય
આરોપીઓએ ધુમાડો છોડતી આ લાકડી એક તો જૂતામાં છુપાવી રાખી હતી અને બીજું આ સ્ટિક પ્લાસ્ટિક અને કાગળના પૂંઠામાથી બનતી હોય છે. તેની અંદર પોટેશિયમ નાઇટ્રેટ , સોડિયમ અને સુગર જેવાં દ્રવ્યો હોય છે જેને ટ્રિગર કરતા એ રંગબેરંગી ધુમાડા છોડવા માંડે છે, આ ધુમાડાથી ખાંસી કે આંખોની બળતરા થોડી વાર માટે થઈ શકે, પરંતુ એ નુકસાનકારક હોતી નથી. મેટલનો વપરાશ ન થયો હોવાથી મેટલ ડિટેક્ટર કામ ન લાગે. દિવાળી અને હોળીમાં આ પ્રકારના નિર્દોષ ફટાકડા વપરાય જ છે ઘણી રમતગમતો અને લશ્કરી કાર્યવાહીમાં પણ આવા રંગીન ધુમાડા છોડતી સ્ટિકના વિવિધ ઉપયોગ થાય છે.
ઘણા સાંસદ પ્લાસ્ટિક અને કાગળની ફાઇલ સાથે પ્રવેશે છે એ જ રીતે આરોપીઓ પ્લાસ્ટિક અને કાગળની બનેલી સ્મોક સ્ટિક લઇને બેરોકટોક સંસદની અંદર ઘૂસી ગયા. હવે બોધપાઠ એટલો મળ્યો કે દરેક વ્યક્તિના પગરખા ઉતારીને તપાસવાનો નિયમ તાત્કાલિક ધોરણે અમલમાં મુકાઇ ગયો.
સંસદમાં સુરક્ષા ચૂક
હાથી પકડાય પણ કીડી પસાર થઈ ગઈ
વિરોધીઓ જેવો ઊહાપોહ કરે છે તેટલી મોટી સુરક્ષા ચૂક આ નથી. સંસદમાં આજે પણ મેટલ ગન કે વિસ્ફોટક બોમ્બ સાથે કોઈ ન પ્રવેશી શકે એવી જડબેસલાક વ્યવસ્થા છે. પણ કાગળ- પ્લાસ્ટિકને સૂંઘી શકે તેવી કોઈ વ્યવસ્થા નથી અને જરૂર પણ નથી, જો આમ થાય તો જરૂરી ફાઈલો પણ અંદર નહીં પહોંચે’. હાલ તુરત તો પગરખા તપાસીને અંદર પ્રવેશ આપવાનું જ સલાહભર્યું છે.