નેશનલ

ભજનલાલ શર્માએ શપથ લીધા પહેલા એવું કામ કર્યું કે વીડિયો થયો વાઈરલ

જયપુરઃ માતાપિતા અને સંતાનોના સંબંધો માટે શ્રેષ્ઠ દીકરા તરીકે દીકરા શ્રવણનું ઉદાહરણ વર્ષો સુધી આપવામાં આવ્યું છે, પણ તાજેતરમાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ શપથ લીધા પહેલા એવું કામ કર્યું કે લોકો ભજનલાલની કામગીરીથી ખુશ થઈ ગયા હતા.

ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ શુભ કાર્ય માટે માબાપના આશીર્વાદ લેવાની પ્રથા વર્ષોથી પ્રચલિત છે, પરંતુ રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાન તરીકે ભજનલાલ શર્માએ શપથવિધિના કાર્યક્રમમાં જતા પહેલા માતાપિતાના પગ ધોઈને આશીર્વાદ લીધા હતા. એમના પગ પણ સાફ કર્યાં હતા. મુખ્ય પ્રધાન અને તેમની પત્નીએ માતાપિતાના પગે લાગીને પણ માળા પણ પહેરાવી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (BJP) વિધાનસભ્ય દળના નેતા ભજનલાલ શર્માને રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપ્યા હતા અને રાજ્યના લોકોને ખાતરી આપી હતી કે નવી સરકાર તેમની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે સખત મહેનત કરશે.

પોતાના માતાપિતાના આશીર્વાદ લીધા પછી ભજનલાલ શર્મા શપથગ્રહણના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. રાજ્યપાલ કલરાજ મિશ્રએ જયપુરના ઐતિહાસિક આલ્બર્ટ હોલમાં શપથ લેવડાવ્યા હતા. એ વખતે નાયબ મુખ્ય પ્રધાન તરીકે દિયાકુમારી અને પ્રેમચંદ બૈરવાએ પણ શપથ લીધા હતા.

ચાર રાજ્ય (રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને તેલંગણા)ની વિધાનસભાની ચૂંટણીમાંથી ત્રણ રાજ્યમાં ભાજપને બહુમતી મળ્યા બાદ તમામ રાજ્યમાં તબક્કવાર નવા મુખ્ય પ્રધાનના ચહેરાની પસંદગી કરવામાં આવી હતી, જેમાં રાજસ્થાનમાં પહેલી વખત વિધાનસભ્ય બનેલા ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button