પહેલી ટેસ્ટના બીજા દિવસે મુશ્કેલીમાં પાકિસ્તાન, જાણો કેમ?
પર્થઃ ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. શુક્રવારે આ ટેસ્ટના બીજા દિવસે કાંગારૂઓનો પ્રથમ દાવ 487 રનમાં સમેટાઈ ગયો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 164 રન અને મિશેલ માર્શે 90 રન કર્યા હતા. આ ટેસ્ટમાં પાકિસ્તાન તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરનાર આમિર જમાલે છ વિકેટ ઝડપી હતી.
બીજા દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને તેની પ્રથમ ઇનિંગમાં બે વિકેટ ગુમાવીને 132 રન કર્યા હતા. હાલમાં ખુર્રમ શહઝાદ સાત રન અને ઈમામ ઉલ હક 38 રન ક્રિઝ પર છે. પાકિસ્તાનની ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 355 રન પાછળ છે.
ઈમામે અબ્દુલ્લા શફીક સાથે પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી કરી હતી.
શફીક 121 બોલમાં 42 રન કરી આઉટ થયો હતો. તે નાથન લિયોનનો શિકાર બન્યો હતો. આ સાથે જ પાકિસ્તાનને બીજો ઝટકો કેપ્ટન શાન મસૂદના રૂપમાં લાગ્યો હતો. તે 43 બોલમાં 30 રન કરીને આઉટ થયો હતો. મસૂદ સ્ટાર્કની ઓવરમાં વિકેટકીપર કેરીને કેચ આપી બેઠકો હતો.
પહેલા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ પાંચ વિકેટ ગુમાવીને 346 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે 141 રન ઉમેર્યા હતા અને પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. આજે એલેક્સ કેરી 34, સ્ટાર્ક 12, મિશેલ માર્શ 90, પેટ કમિન્સ 9, નાથન લિયોન 5, રન કરી આઉટ થયા હતા. ઓસ્ટ્રેલિયાનો પ્રથમ દાવ 487 રન પર સમાપ્ત થયો હતો.