આમચી મુંબઈમહારાષ્ટ્ર
બીકેસીમાં બિલ્ડિંગમાં પાવર ટ્રાન્સફોર્મરમાં આગ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: બાંદ્રા-કુર્લા-કૉમ્પલેક્સ (બીકેસી)માં ૧૦ માળની કમર્શિયલ બિલ્ડિંગમાં ગુરુવારે સવારના આગ ફાટી નીકળી હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થવાના કે જાનહાનિનો બનાવ બન્યો નહોતો.
ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા મુજબ બીકેસીમાં ૧૦ માળનો ઈન્સ્પાયર ટાવર નામનો કમર્શિયલ ટાવર આવેલો છે. ગુરુવારે સવારના ૧૧ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના પરિસરમાં રહેલા પાવર ટ્રાન્સ્ફોર્મરમાં આગ ફાટી નીકળી હતી.
ઘટના સ્થળે ફાયરબ્રિગેડના પાંચ ફાયર ઍન્જિન અને અન્ય વાહનો પહોંચી ગયા હતા અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. દોઢ કલાકની જહેમત બાદ ૧૨.૩૦ વાગે આગ પર નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. પરંતુ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.