આમચી મુંબઈમહારાષ્ટ્ર

એટીએસે પિસ્તોલ અને 28 કારતૂસ સાથે યુવકને ભંડારામાં પકડી પાડ્યો

નાગપુર: મહારાષ્ટ્ર એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) ભંડારા જિલ્લામાંથી યુવકની ધરપકડ કરી તેની પાસેથી એક પિસ્તોલ, બે મૅગેઝિન અને 28 કારતૂસ જપ્ત કરી હતી.

એટીએસના નાગપુર યુનિટના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે બુધવારે પવની તહેસીલના ભુયાર ગામ સ્થિત એક ઘર પર સર્ચ હાથ ધરી હતી. ઘરમાંથી ઈમ્પોર્ટેડ પિસ્તોલ અને કારતૂસો મળી આવી હતી. આ પ્રકરણે શુભમ શંભરકર (22)ની ધરપકડ કરવામાં આવી હતી.

અધિકારીના જણાવ્યા મુજબ શંભરકર શસ્ત્રો વેચવાને ઇરાદે લાવ્યો હોવાનું તપાસમાં જણાયું હતું. ગેરકાયદે શરાબના વેચાણમાં પણ તે સંડોવાયેલો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્રકરણે પવની પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને આર્મ્સ ઍક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

એટીએસના અધિકારીએ જણાવ્યું હતું કે શંભરકરના કાકા રેલવે પરિસરમાં ચોરીના કેસોમાં સંડોવાયેલા હતા. આરોપીએ પિસ્તોલ અને કારતૂસો ક્યાંથી પ્રાપ્ત કરી તેની માહિતી મેળવવા માટે તેના કૉલ ડેટા રેકોર્ડની તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક નાગરિકોમાં પોતાની ધાક જમાવવા માટે શંભરકર પિસ્તોલનો ઉપયોગ કરતો હોવાનો દાવો પણ પોલીસે કર્યો હતો. (પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button