સ્પોર્ટસ

IND VS ENG Test: પહેલા દિવસે ભારતીય મહિલા ટીમે ઈતિહાસ બનાવ્યો

ટીમ ઈન્ડિયાનો ધમાકેદાર પ્રારંભ, 7 વિકેટે 410 રન

મુંબઈઃ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં આજે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે એકમાત્ર ટેસ્ટ મેચનો પ્રારંભ થયો હતો. 400થી વધુ રન કરીને ભારતીય મહિલા ટીમે નવો ઈતિહાસ બનાવ્યો છે. ટોસ જીતીને ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને પહેલા દિવસના અંતે 7 વિકેટ ગુમાવીને 410 રન કરી લીધા હતા. દિવસના અંતે દીપ્તિ શર્મા 60 રન અને પૂજા વસ્ત્રાકર 4 રન કરીને રમી રહ્યા હતા.

ભારતની શરૂઆત કંઈ ખાસ રહી ન હતી અને 47 રનમાં બંન્ને ઓપનર આઉટ થઈ ગયા હતા. સ્મૃતિ મંધાના (17) અને શેફાલી વર્મા (19) ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. ત્રીજી વિકેટ માટે જેમિમાહ રોડ્રિગ્ઝ અને શુભા સતીશે 146 બોલમાં 115 રનની ભાગીદારી કરી હતી. આ પછી કેપ્ટન હરમનપ્રીત કૌર (49) અને યાસ્તિકા ભાટિયાએ પાંચમી વિકેટ માટે 146 બોલમાં 116 રનની ભાગીદારી કરી હતી.

મહિલા ટેસ્ટ મેચના એક જ દિવસમાં 400થી વધુ રન કરનારી ભારતીય મહિલા ટીમ ઇતિહાસમાં બીજી ટીમ બની છે. આ પહેલા ઈંગ્લેન્ડે પણ એકવાર આવું કર્યું હતું. ટોપ ઓર્ડર બેટ્સમેન શુભાએ તેની પ્રથમ મેચમાં જ શાનદાર બેટિંગ કરી હતી. 90.79ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરતા તેણે 76 બોલમાં 69 રન ફટકાર્યા હતા.

આ સિવાય શુભા સતીશ મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારી બીજી ભારતીય મહિલા બેટ્સમેન બની હતી. શુભા ઉપરાંત પોતાની ડેબ્યૂ ટેસ્ટ મેચ રમી રહેલી રોડ્રિગ્ઝે પણ પ્રથમ દાવમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. તેણે 99 બોલમાં 68 રન કર્યા હતા.

વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયાએ સારી બેટિંગ કરી હતી. તેણે 88 બોલમાં 66 રન કર્યા હતા. આ ઇનિંગમાં તેણે 10 ફોર અને 1 સિક્સ પણ ફટકારી હતી. આ તેની મહિલા ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની પ્રથમ અડધી સદી હતી.
અનુભવી ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ પણ પ્રથમ દાવમાં પોતાની અડધી સદી પૂરી કરીને ટીમને મોટા સ્કોર તરફ લઇ ગઇ હતી. તેણે 95 બોલમાં અણનમ 60 રન કર્યા હતા. આ ઇનિંગમાં તેણે 9 ફોર અને 1 સિક્સર ફટકારી હતી. ઇગ્લેન્ડ તરફથી લૌરેન બેલે બે વિકેટ ઝડપી હતી. કેટ ક્રોસ, નતાલી રૂથ સાયવર-બ્રન્ટ, ચાર્લી ડીન, સોફી એક્લેસ્ટોને એક-એક વિકેટ ઝડપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button