તમે વાપરો છો એ ઘી અસલી છે કે નકલી?, આ રીતે કરો પરખ…
આજકાલ બજારમાં એટલી બધી ભેળસેળવાળી વસ્તુઓ હાજર છે કે નહીં પૂછો વાત અને આ અસલી નકલીની ભરમાર વચ્ચે આપણે હંમેશા અટવાતા અને મૂંઝાતા રહી જઈએ છીએ. આવી જ એક વસ્તુ છે આપણા બધાના રસોડામાં જોવા મળતું શુદ્ધ ચોખ્ખું ઘી. આજે અમે અહીં કેટલીક એવી ટિપ્સ જણાવવા જઈ રહ્યા છીએ કે જેની મદદથી તમે તમારા રસોડામાં રહેલું ઘી અસલી છે કે નકલી?
શુદ્ધ ઘી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે, પણ એની સાથે સાથે બોડીને ફિટ રાખવા માટે પણ એ ખૂબ જરૂરી છે. પરંતુ તેમ છતાં બજારમાં આજે એટલા મોટા પ્રમાણમાં બનાવટી ઘી મળી રહ્યું છે કે અસલી ઘીની પરખ કરવાનું ભૂલી જવાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે તમે સાવ સરળતાથી ઉપલબ્ધ પાણીની મદદથી ઘી અસલી છે કે નકલી એની ઓળખ કરી શકો છો. આવો જોઈએ કઈ રીતે-
જી હા, ચોંકી ઉઠ્યાને પણ આ હકીકત છે અને તમે પાણીની મદદથી જ ઘીમાં બનાવટ કરવામાં આવી છે કે નહીં તે સરળતાથી જાણી શકો છો. આ માટે તમારે માત્ર એટલું જ કરવાનું રહેશે કે એક વાટકીમાં પાણી લો અને હવે તેમાં બે-ત્રણ ટીપા દેસી ઘી નાખો. જો ઘી નાખતા જ પાણીમાં નીચે બેસી જાય તો સમજી જાવ કે આ ઘી નકલી છે અને જો પાણીમાં ઘી ઉપર તરે તો સમજી જાવ કે તમારા રસોડામાં રહેલું ઘી એકદમ શુદ્ધ છે.
ઘી શુદ્ધ છે કે ભેળસેળયુક્ત એ જાણવાનો બીજો એક ઉપાય એવો પણ છે કે ઘીને હથેળીમાં રાખીને પણ તેની પરખ કરી શકો છો. આ માટે તમારે કરવાનું માત્ર એટલું જ છે કે માત્ર 5-6 મિનિટ દેશી ઘી તમારી હથેળી પર મૂકી રાખો અને જો તેમાંથી 5થી 10 મિનિટ પછી સરસ મજાની સુગંધ આવવા લાગે તો સમજી જાવ કે આ ઘી એકદમ શુદ્ધ છે. પણ જો એને બદલે ઘીમાંખી અલગ કોઈ ખુશ્બુ આવે તો સમજી જાવ કે તમે વાપરો છો એ ઘીમાં ભેળસેળ કરવામાં આવી છે.
લાસ્ટ બટ મોસ્ટ ઈમ્પોર્ટન્ટ થિંગ એટલે ઘીને ઉકાળીને પણ તેની પરખ કરી શકાય છે. બેથી ત્રણ ચમચી દેશી ઘીને એક નાનકડાં વાસણમાં ઉકાળો અને ત્યાર બાદ તેને 24 કલાક માટે અલગ રાખી મૂકો. જો આ ઉકાળેલાં ઘીમાંથી સુંદર મીઠી મહેક આવે અને તે દાણાદાર થઈ જાય તો 100 ટકા એ ઘી શુદ્ધ છે.