પાકિસ્તાની ગુપ્તચરને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પૂરી પાડનારો પકડાયો
નેવલ ડોક્યાર્ડમાં કામ કરનારા આરોપીના ત્રણ સાથીની શોધ ચલાવાઈ રહી છે
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: પાકિસ્તાની ગુપ્તચર સંસ્થાના અધિકારીને ભારતની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી કથિત રીતે પૂરી પાડવામાં આવી હોવાની માહિતી સામે આવતાં એન્ટી ટેરરિઝમ સ્ક્વોડે (એટીએસ) યુવકની ધરપકડ કરી હતી. ફેસબુક અને વ્હૉટ્સઍપ મારફત સંપર્કમાં રહેલા પાકિસ્તાની ગુપ્તચર પાસેથી મળેલાં નાણાંના બદલામાં યુવકે માહિતી આપી હોવાનું કહેવાય છે. આરોપીના ત્રણ સાથી ફરાર હોવાથી પોલીસ તેમની શોધ ચલાવી રહી છે.
એટીએસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સ્થળોની ગુપ્ત અને સંવેદનશીલ માહિતી પાકિસ્તાની ગુપ્તચરને પૂરી પાડવામાં આવી રહી હોવાની માહિતી અધિકારીને મળી હતી. એટીએસે શંકાસ્પદ યુવકની ગતિવિધિ પર નજર રાખી હતી. તેનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની પણ તપાસ કરવામાં આવી હતી.
તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે એપ્રિલ-મેથી ઑક્ટોબર, 2023 દરમિયાન આરોપીની ઓળખાણ ફેસબુક મારફત ગુપ્તચર સાથે થઈ હતી. ફેસબુક અને વ્હૉટ્સઍપ પર ચૅટિંગ કરીને યુવકે ગુપ્ત અને સંવેદનશીલ માહિતી આપી હતી. આના બદલામાં તેને ઑનલાઈન નાણાં મળ્યાં હોવાનું જણાયું હતું.
પૂરતી વિગતો હાથ લાગ્યા પછી પોલીસે શકમંદને તાબામાં લીધો હતો. પૂછપરછમાં યુવકના ત્રણ સાથીનાં નામ સામે આવ્યાં હતાં. એટીએસે આ મામલે ચાર જણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.