છત્તીસગઢના મુખ્ય પ્રધાનના શપથ ગ્રહણ પહેલા નક્સલવાદીઓનો નારાયણપુર વિસ્તારમાં મોટો હુમલો…
નારાયણપુર: આજે છત્તીસગઢના રાયપુરમાં શપથ ગ્રહણ વિધિ થવાની છે ત્યારે નારાયણપુર જિલ્લાના છોટાડોંગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાઈ ખીણ પાસે સોમવારે એટલે કે દસ ડિસેમ્બરના રોજ સવારે લગભગ 11:00ના સુમારે નક્સલીઓએ હુમલો કર્યો હતો. જેમાં પહેલા IED બ્લાસ્ટ કર્યો અને ત્યારબાદ તરત જ જવાનો પર ફાયરિંગ થયું હતું. જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.
જોકે આ નક્સલી હુમલામાં CAFની નવમી કોર્પ્સના કોન્સ્ટેબલ કમલેશ કુમાર શહીદ થયા હતા. આ ઉપરાતં આ હુમલામાં એક યુવાન કોન્સ્ટેબલ વિનય કુમાર ઘાયલ પણ થયો હતો. તેને પ્રાથમિક સારવાર બાદ નારાયણપુર જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ ફોર્સ અને ડીઆરજી ઉપરાંત આસપાસના વિસ્તારમાં આઈટીબીપીના જવાનોનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. પોલીસ દળો, ડીઆરજી અને આઈટીબીપી દ્વારા આસપાસના વિસ્તારની તપાસ કરવામાં આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે આજે છત્તીસગઢના નવા મુખ્ય પ્રધાન વિષ્ણુ દેવ સાંઈ બુધવારે સાંજે ચાર વાગે મુખ્ય પ્રધાન પદના શપથ લેવાના છે. આ ઉપરાંત તેમની સાથે ડેપ્યુટી સીએમ અરુણ સાઓ અને વિજય શર્મા પણ શપથ લેવાના છે. તેમજ સીએમ અને ડેપ્યુટી સીએમની સાથે કેટલાક અન્ય કેબિનેટ પ્રધાનો પણ રાયપુરના સાયન્સ કોલેજ મેદાનમાં શપથ લઈ શકે છે.
રાયપુરમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ માટે કડક સુરક્ષા અને હજારો પોલીસ જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. તો ત્યાના વિસ્તાર નારાયણપુરમાં નક્સલીઓએ મોટો હુમલો કર્યો હતો.