સીએમની રેસમાંથી દૂર થયા બાદ વસુંધરા રાજેએ કહી દીધી આ વાત…
જયપુરઃ રાજસ્થાનમાં ભાજપની નવી સરકારમાં મુખ્ય પ્રધાન, નાયબ મુખ્ય પ્રધાન અને વિધાન સભાના સ્પીકરની પસંદગી કરવી લેવામાં આવી છે અને હવે પહેલી વખત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની પ્રતિક્રિયા સામે આવી છે.
વસુંધરા રાજેએ ભજનલાલ શર્માને મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવામાં આવતા શુભેચ્છાઓ પાઠવી છે આ સાથે સાથે જ તેમણે નાયબ મુખ્ય પ્રધાન પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારી તેમ જ વિધાનસભાના સ્પીકર તરીકે વરણી થતાં વાસુદેવ દેવનાનીને પણ શુભેચ્છાઓ પાઠવી હતી. એટલું જ નહીં પણ તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે પીએમ નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ભજનલાલ શર્મા રાજ્યને નવી નવી ઊંચાઈઓ પર લઈ જશે.
વસુંધરા રાજાએ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટમાં જણાવ્યું હતું કે સાંગાનેરના વિધાન સભ્ય ભજનલાલ શર્માની રાજસ્થાનના મુખ્ય પ્રધાન તરીકે વરણી થતાં ખૂબ ખૂબ અભિનંદન. આદરણીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ તમે રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશો એવી શુભેચ્છા. આ સાથે પ્રેમચંદ બૈરવા અને દિયા કુમારીને નાયબ મુખ્ય પ્રધાન બનવા માટે અભિનંદન. વરિષ્ઠ વિધાનસભ્ય વાસુદેવ દેવનાનીને વિધાન સભાના અધ્યક્ષ બનાવવામાં આવતા તેમને પણ હાર્દિક શુભેચ્છાઓ.
ઉલ્લેખનીય છે કે છેલ્લાં બે દાયકામાં પહેલી વખત ભાજપ દ્વારા રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનના ચહેરા તરીકે કોઈ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે. આ પહેલાં વસુંધરા રાજે 2003થી 2008, 2013થી 2018 સુધી બે વખત મુખ્ય પ્રધાન રહી ચૂકી છે. આ વખતે પણ તેમને જ સીએમની રેસમાં આગળ માનવામાં આવી રહ્યા હતા.
પાર્ટી દ્વારા રાજ્યની કમાન જે ત્રણ નેતાઓના હાથમાં આપવામાં આવી છે તેઓ જયપુરથી છે. ભજનલાલ શર્મા બ્રાહ્મણ સમુદાયથી આવે છે, જ્યારે દિયા કુમારી રાજપૂત સમુદાયના છે અને બૈરવા દલિત સમુદાયમાંથી આવે છે. જ્યારે વિધાન સભાના ભાવિ અધ્યક્ષ દેવનાની સિંધી સમુદાયમાંથી આવે છે.