હોલિડે પૅકેજને બહાને છેતરપિંડી કરનારો અમદાવાદમાં ઝડપાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આકર્ષક હોલિડે પૅકેજની લાલચે રૂપિયા પડાવી કથિત છેતરપિંડી કરનારાને પોલીસે ગુજરાતના અમદાવાદ શહેરમાંથી પકડી પાડ્યો હતો.
ડી. બી. માર્ગ પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ જૈનિથ ઉર્ફે અંકિત ઉર્ફે ગોપાલ પ્રવીણભાઈ પોપટ (35) તરીકે થઈ હતી. પોલીસ કસ્ટડીમાં રહેલા આરોપીની પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે.
ગ્રાન્ટ રોડ પરિસરમાં રહેતા ફરિયાદીએ આ મામલે 10 નવેમ્બરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ હૉસ્પિટાલિટી ક્ષેત્ર સાથે સંકળાયેલી એક કંપનીનું સબસ્ક્રિપ્શન લીધું હતું. આ કંપની વિવિધ સ્થળની ટુર અને હોટેલ બુકિંગનું આયોજન કરે છે. ફરિયાદીને નવેમ્બરમાં કુટુંબ સાથે કેરળ ફરવા જવાનું હોવાથી તેમણે કંપનીના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર સંપર્ક સાધ્યો હતો.
કંપનીનો ફોન રિસીવ કરનારી વ્યક્તિએ ફરિયાદીને બીજો મોબાઈલ નંબર આપીને તેના પર સંપર્ક કરવાનું કહ્યું હતું. ફરિયાદીને કેરળ માટે વિમાન ટિકિટ, હોટેલ બુકિંગ, ભોજન અને ટ્રાવેલિંગ વગેરે માટે 1.15 લાખ રૂપિયાના પૅકેજની ઑફર અપાઈ હતી. 2થી 7 નવેમ્બર દરમિયાન ફરિયાદીએ ગૂગલ પેથી આ રકમ ચૂકવી હતી. જોકે રૂપિયા લીધા પછી આરોપીએ ઉડાઉ જવાબ આપ્યા હતા.
પોતે છેતરાયો હોવાની જાણ થતાં ફરિયાદીએ ડી. બી. માર્ગ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરતાં સુરતના કામરેજ ખાતે રહેતા પોપટની સંડોવણી સામે આવી હતી. ટેક્નિકલ બાબતોનો અભ્યાસ કરતાં પોપટ અમદાવાદમાં હોવાની માહિતી મળી હતી.