આમચી મુંબઈ

વિદેશમાં સ્થાયી કરવા અને નોકરી અપાવવાને બહાને લૂંટ ચલાવનારી ટોળકી પકડાઈ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: વિદેશમાં સ્થાયી કરવા અને નોકરી અપાવવાની લાલચે મુંબઈ બોલાવ્યા બાદ અનેક લોકોને લૂંટનારી ટોળકીને સાકીનાકા પોલીસે પકડી પાડી હતી. ધરપકડ કરાયેલાઓમાં ત્રણ ટ્રાવેલ એજન્ટનો સમાવેશ થતો હોઈ આ ટોળકી પુણેનું હોવાનું પોલીસે જણાવ્યું હતું.


સાકીનાકા પોલીસે ત્રણ ટ્રાવેલ એજન્ટ હિમાંશુ ગુપ્તા (23), સૌરભ ખરાત (25) અને રાજીવ ઉર્ફે કરણ વર્મા (24) સહિત પ્રતીક શિંદે (20), દિનેશ સાતપુતે (30), વિશાલ થોરાત (31), અનિલ શેટે (31) અને મહેશ ગરુડ (21)ની ધરપકડ કરી હતી. કોર્ટે આરોપીઓને 14 ડિસેમ્બર સુધીની પોલીસ કસ્ટડી ફટકારી હતી.


પંજાબમાં રહેતા અભિષેક કુમાર (24) અને તેના ભાઈ હિમાંશુ કુમારને ઈટલીમાં સ્થાયી થવામાં મદદરૂપ બનવાને બહાને પુણેની ટોળકીએ મુંબઈ બોલાવ્યા હતા. 6 ડિસેમ્બરની સાંજે બન્ને ભાઈનું સાકીનાકાની હોટેલમાંથી કથિત અપહરણ કરવામાં આવ્યું હતું. કારમાં બન્નેને નવી મુંબઈની દિશામાં લઈ જવાયા હતા. લોખંડના સળિયાથી ફટકારી બન્ને ભાઈના મોબાઈલ ફોન, સોનાની બે ચેન, 11,600 અમેરિકન ડૉલર્સ, 100 યુરો સહિતની મતા લૂંટવામાં આવી હતી. બાદમાં બન્નેને નવી મુંબઈમાં કારમાંથી ઉતારી મૂકી આરોપી ફરાર થઈ ગયા હતા.


સીસીટીવી કૅમેરાનાં ફૂટેજ અને મોબાઈલ લૉકેશનને આધારે પોલીસે આરોપીઓને પકડી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પંજાબ, દિલ્હી, યુપીમાં રહેતા યુવાનોને વિદેશમાં નોકરીની લાલચ આપતા હતા. એ સિવાય વિદેશમાં સ્થાયી થવામાં મદદરૂપ થવાને બહાને તેમની પાસેથી 15થી 20 લાખ રૂપિયા પડાવતા હતા. મુંબઈમાં ઍરપોર્ટ નજીકની હોટેલમાં ઉતારો આપ્યા પછી તેમને ઈમિગ્રેશન અધિકારીને મળવા નવી મુંબઈ કે અન્ય સ્થળો લઈ જવામાં આવતા.


તાજેતરમાં જ આરોપીઓએ કુર્લા અને અંધેરીમાં પણ આ રીતે વિદેશી જવા ઇચ્છુકોને છેતર્યા હતા. આરોપીએ આ રીતે અનેક લોકોને લૂંટ્યા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત