રાજનાથ સિંહે આપેલી વસુંધરા રાજેને આપેલી ચિઠ્ઠીનું ઘૂંટાતું રહસ્ય…
જયપુરઃ રાજસ્થાનના નવા મુખ્ય પ્રધાનના નામની જાહેરાત થઇ ગઇ છે. નવ દિવસ સુધી મંથન કર્યા બાદ ભાજપે ભજનલાલ શર્માને રાજસ્થાનની કમાન સોંપતા રાજસ્થાનના મુખ્ય પ્રધાન અંગેના સસ્પેન્સનો અંત આવ્યો છે. ભજનલાલ શર્મા ભરતપુરના છે. ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મંજુરીની મહોર મારવામાં આવી હતી. આ બેઠક દરમિયાન રાજનાથ સિંહે વસુંધરા રાજેને હાથમાં એક નાની ચિઠ્ઠી આપી હતી.
જેમાં એવું માનવામાં આવી રહ્યું છે કે રાજસ્થાનના આગામી સીએમનું નામ છુપાયેલું હતું. ભજનલાલના નામનો પ્રસ્તાવ પૂર્વ સીએમ વસુંધરા રાજેએ જ કર્યો હતો. ભજનલાલ શર્મા ભાજપના પ્રદેશ મહાસચિવ હતા અને સાંગાનેરથી ધારાસભ્ય છે. જ્યારે, દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવાને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે અને વાસુદેવ દેવનાની વિધાનસભાના અધ્યક્ષ હશે.
આ પહેલા મંગળવારે સાંજે 4 વાગે ભાજપ ધારાસભ્ય દળની બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં રાજ્યના નવા મુખ્ય પ્રધાનની પસંદગી કરવામાં આવી હતી. આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય નિરીક્ષક, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને બે સહ-નિરીક્ષકો વિનોદ તાવડે અને સરોજ પાંડે હાજર હતા. આ પહેલા કેન્દ્રીય પ્રધાન રાજનાથ સિંહ પ્રહલાદ જોશી અને બે સહ-નિરીક્ષકો વિનોદ તાવડે અને સરોજ પાંડે સાથે વિશેષ વિમાન દ્વારા જયપુર પહોંચ્યા હતા. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેએ તેમનું એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.
રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે પાસે મુખ્ય પ્રધાનના નામની જાહેરાત કરાવીને હાલ પૂરતી તો તેમની બોલતી બંધ કરી છે. જોકે, વસુંધરા રાજેનો આક્રમક સ્વભાવ જોતા કેટલા સમય સુધી ઘીના ઠામમાં ઘી પડી રહેશે એ તો સમય જ કહેશે.