રામ મંદિરના પૂજારીનો ફેક વીડિયો વાયરલ કરવા બદલ કૉંગ્રેસી નેતાની ધરપકડ
અયોધ્યામાં નિમાર્ણ પામેલા ભગવાન રામના મંદિરમાં મુખ્ય પૂજારી તરીકે જેમની નિયુક્તિ થઈ છે તેવા મોહિત પાંડેયની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેમાં તેઓ એક મહિલા સાથે અંગત ક્ષણો માણતા જોવા મળે છે. આ પોસ્ટ કૉંગ્રેસના ગુજરાતના નેતા હિતેન્દ્ર પીઠડિયાએ પણ પોતાના ટ્વીટર હેન્ડલ પર મૂકી હતી અને શું આ રામ મંદિરના મુખ્ય પૂજારી છે, તેવી કેપ્શન લખી હતી.
કે ટીકા થયા બાદ તેમણે તસવીર હટાવી હતી. આ તસવીરો ખોટી હોવાનો અને તેમાં પંડિત જેવી દેખાતી વ્યક્તિ મોહિત ન હોવાની વાત બહાર આવી હતી અને મળતી માહિતી મુજબ અમદાવાદ સાયબર સેલએ હિતેન્દ્રની ધરપકડ કરી હતી. જોકે અમદવાદ પોલીસનો સીધો સંપર્ક થઈ શક્યો નથી.
ઉત્તર પ્રદેશના ભાજપ પ્રવક્તા પ્રશાંત ઉમરાવે ટ્વીટ કરી હતી કે પીઠડીયાની ગુજરાત પોલીસ દ્વારા ધરપકડ કરવામા આવી છે અને તેમના પર આઈપીસી ધારા 469, 509, 295એ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પીઠડિયાએ વાયરલ કરેલો વીડિયો ઘણા સમય પહેલા કોઈએ પોસ્ટ કર્યો હતો અને ઘણી પૉર્ન વેબસાઈટ પર જોવા મળ્યો હતો. આ વીડિયો કોઈ તેલુગુ પૂજારીનો હોવાનું પણ જાણવા મળ્યું છે.
મોહિત પાંડેય છેલ્લા બે દિવસથી ચર્ચામાં છે. દુધેશ્વરનાથ વેદ વિદ્યા મંદિરનો આ વિદ્યાર્થી 3000 ઉમેદવારમાંથી પસંદગી પામ્યો છે. કુલ 20 ઉમેદવારને પસંદ કરવામાં આવ્યા છે જેમને છ મહિનાની તાલીમ આપવામાં આવશે.