વેપાર

ડૉલર સામે રૂપિયામાં ત્રણ પૈસાનો સુધારો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આવતીકાલથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે રોકાણકારોએ સાવચેતીનો અભિગમ અપનાવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને સત્રના અંતે ગત શુક્રવારના બંધ સામે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૩૭ની સપાટીએ બંધ રહ્યો હતો. એકંદરે આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ રહ્યું હોવા છતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારો અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની લેવાલી જળવાઈ રહી હોવાના અહેવાલોને કારણે રૂપિયામાં સુધારાને ટેકો મળ્યો હોવાનું આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના ૮૩.૪૦ના બંધ સામે સાધારણ સુધારા સાથે ૮૩.૩૯ના મથાળે ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૩૯ અને ઉપરમાં ૮૩.૩૭ની રેન્જમાં અથડાઈને અંતે ત્રણ પૈસાના સુધારા સાથે ૮૩.૩૭ના મથાળે બંધ રહ્યો હતો.

આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે ૦.૦૪ ટકા વધીને ૧૦૩.૬૭ આસપાસ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ આગલા બંધ સામે ૦.૪૧ ટકા વધીને બેરલદીઠ ૭૫.૫૩ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૧૦૨.૯૩ પૉઈન્ટનો અને ૨૭.૭૦ પૉઈન્ટનો સુધારો આવ્યો હોવાથી તેમ જ ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૩૬૩૨.૩૦ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું બજારનાં સાધનોએ જણાવ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button