કલમ ૩૭૦નો વિવાદ પૂરો, હવે ચૂંટણી જરૂરી
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે પાંચ ઓગસ્ટ, ૨૦૧૯ના દિવસે જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ ૩૭૦ હટાવવાનો નિર્ણય લીધેલો. મોદી સરકારના કલમ ૩૭૦ હટાવવાના નિર્ણયને પડકારતી ઢગલાબંધ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં થયેલી. દેશના ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડના વડપણ હેઠળની બંઘારણીય બેંચે સોમવારે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાના મોદી સરકારના નિર્ણયને પડકારનારી અરજીઓનો નિકાલ કરીને મોદી સરકારના નિર્ણય પર મંજૂરીની મહોર મારી દીધી.
આ ચુકાદામાં બે બાબતો મહત્ત્વની છે. પહેલી એ કે, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજજો આપતી કલમ ૩૭૦ કાયમી નહોતી અને કામચલાઉ વ્યવસ્થા હતી તેથી કલમ ૩૭૦ને રદ કરવાનો ભારતના રાષ્ટ્રપતિને અધિકાર છે. આ ચુકાદો સંભળાવતાં ચીફ જસ્ટિસે સાફ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની બંધારણીય સભા વિખેરી નાંખવામાં આવી પછી આર્ટિકલ ૩૭૦ને રદ કરવાનો ભારતના રાષ્ટ્રપતિને બંધારણીય હક છે.
કલમ ૩૭૦ને હટાવવાનું જાહેરનામુ બહાર પાડવાનો રાષ્ટ્રપતિનો અધિકાર શક્તિ જમ્મુ અને કાશ્મીરની બંધારણીય સભાના ભંગ પછી પણ યથાવત્ રહે છે. કલમ ૩૭૦ની જોગવાઈઓને હટાવવાનો અધિકાર જમ્મુ કાશ્મીરને ભારતનું અભિન્ન અંગ બનાવવાનો છે તેથી રાષ્ટ્રપતિ દ્વારા ૩૭૦ કલમ હટાવવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે. રાષ્ટ્રપતિ પાસે પહેલેથી એ અધિકાર હતો કે તેઓ પોતાના વિવેકથી આર્ટિકલ ૩૭૦ને ખતમ કરી શકે છે. બંધારણીય સભા અસ્તિત્વમાં હોય કે ના હોય એ મુદ્દો જ મહત્ત્વનો નહોતો.
બીજી બાબત એ કે, જમ્મુ અને કાશ્મીરની કોઈ અલગ સોવરેનિટી (સંપ્રભુતા) નથી. સોવરેનિટી એટલે કોઈ પણ રાષ્ટ્રનો પોતાની સીમાની અંદર પોતાના કાયદા બનાવવાનો અને તેના અમલ માટેનો અધિકાર. રાષ્ટ્ર સોવરેનિટિના અધિકાર હેઠળ પોતાના નાગરિકોના અધિકાર નક્કી કરી શકે, રાષ્ટ્રધ્વજ સહિતનાં પ્રતીકો પણ નક્કી કરી શકે. રાષ્ટ્રની સીમાના રક્ષણનો અધિકાર પણ તેને મળે છે.
બંધારણીય બેંચે સાફ શબ્દોમાં કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે અને તેની કોઈ અલગ સોવરેનિટી નથી. મતલબ કે, અલગ રાજ્ય તરીકે તેનું અસ્તિત્વ નથી. ભારતના બંધારણની પ્રસ્તાવનામાં કાશ્મીરની સોવરેનિટીનો ઉલ્લેખ મળે છે અને ભારતીય બંધારણ આવતા કલમ ૩૭૦ જમ્મુ કાશ્મીરમાં લાગુ થઈ. બાકી જમ્મુ કાશ્મીરના બંધારણમાં પણ કાશ્મીરની સોવરેનિટીનો કોઈ ઉલ્લેખ નહોતો. જમ્મુ અને કાશ્મીરમાં ભારતના વિલય સાથે જ જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની ગયો હતું. જમ્મુ અને કાશ્મીરે ભારતમાં વિલય સાથે જ પોતાની સંપ્રભુતા ભારતને સોંપી દીધી હતી.
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડ ઉપરાંત જસ્ટિસ સંજય કિશન કૌલ, સંજીવ ખન્ના, બી. આર. ગવઈ અને સૂર્યકાંતે કેન્દ્ર સરકારે જમ્મુ અને કાશ્મીરમાં જલદી ચૂંટણી થાય તે માટે પગલાં ભરવાનો આદેશ આપીને ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૪ સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજવા તેમજ જમ્મુ અને કાશ્મીરને જલદી રાજ્યનો દરજ્જો મળે એ માટે પગલાં લેવા પણ આદેશ આપ્યો છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં વિભાજીત કરવાના નિર્ણય પર પણ મંજૂરીની મહોર મારી દીધી છે.
સુપ્રીમ કોર્ટના ચુકાદા સાથે એક વિવાદનો અંત આવ્યો છે. આમ તો મોદી સરકારે કલમ ૩૭૦ નાબૂદ કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો ત્યારે જ આ વિવાદ પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું પણ રાજકીય કારણોસર આ વિવાદને ચગાવાયો હતો. જેમનાં રાજકીય હિતો કલમ ૩૭૦ના અસ્તિત્વ સાથે જોડાયેલાં હતાં તેમણે જમ્મુ અને કાશ્મીરનાં લોકોને અન્યાય થયો હોવાનો વાહિયાત મુદ્દો ઊભો કરીને સુપ્રીમ કોર્ટમાં અરજીઓ કરાવી હતી. એ સારું થયું કેમ કે તેના કારણે બંધારણીય રીતે પણ મોદી સરકારના નિર્ણય પર મંજૂરીની મહોર મારી દેવાઈ. બાકી આ મુદ્દો લટકતો હોત ને તેના પર રાજકારણ રમાયા કરતું હોત.
સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મોદી સરકારે કલમ ૩૭૦ને બાજુ પર મૂકીને આગળ વધવાની જરૂર છે. કલમ ૩૭૦ હવે ભૂતકાળ છે ત્યારે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય પર નજર માંડવાની જરૂર છે. જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા બેઠકોનું નવું સીમાંકન થઈ ગયું છે. મોદી સરકારે કાશ્મીર વિધાનસભામાં વિસ્થાપિત પંડિતો માટે બે બેઠક અનામત રાખવાનો ખરડો પણ પસાર કરી દીધો છે ત્યારે હવે જમ્મુ અને કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજજો આપીને ચૂંટણી જરૂરી છે.
બંધારણની કલમ ૩૭૦ અને કલમ ૩૫-એ નાબૂદ કરી દેવાઈ એ વાતને પાંચ વર્ષ પૂરાં થવા આવ્યાં છે ત્યારે જમ્મુ અને કાશ્મીરમાં રાજકીય પ્રક્રિયા ફરી શરૂ થવી જ જોઈએ. ભારત લોકશાહી દેશ છે ને લોકશાહી દેશમાં ચૂંટાયેલી સરકારના બદલે લેફ્ટનન્ટ ગવર્નર કે લશ્કર રાજ કરે શરમજનક કહેવાય. મોદી સરકારે આ સ્થિતીનો ઉકેલ શોધવા વહેલી ચૂંટણી કરાવવી જરૂરી છે.
મોદી સરકાર લોકસભાની સાથે જ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી જાહેર કરી દે તો તેના કારણ સમગ્ર વિશ્વમાં બે મેસેજ જશે. પહેલો મેસેજ એ કે, જમ્મુ અને કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે અને બીજો એ કે, જમ્મુ અને કાશ્મીરની પ્રજા ભારતની સાથે છે. મોદી સરકાર સતત કહ્યા કરે કે, સ્થિતિ સામાન્ય થશે ને યોગ્ય સમય આવશે એટલે કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજજો આપી દેવાશે ને ચૂંટણી પણ કરાવી દેવાશે. ચૂંટણી જાહેર કરાય તેનો મતલબ એ જ થયો ને કે, કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય છે. આ ચૂંટણીમાં ૫૦ ટકાથી વધારે મતદાન થાય તેનો મતલબ એ થયો કે કાશ્મીરીઓને બંધારણની કલમ ૩૭૦ નાબૂદ થઈ તેનાથી કોઈ ફરક પડ્યો નથી. કાશ્મીરીઓ ભારત સાથે જ છે. કાશ્મીરના મોટા ભાગના પ્રાદેશિક પક્ષોનું રાજકારણ મુસ્લિમ મત બૅન્ક આધારિત છે તેથી એ લોકો કાશ્મીરના મુદ્દાને હિંદુ-મુસ્લિમનો રંગ આપે છે પણ ચૂંટણી થાય તે તેમને પણ જવાબ મળી જાય.
જમ્મુ અને કાશ્મીરમાં એક મોટો મુદ્દો કાશ્મીરી પંડિતો સહિતના હિંદુઓના વિસ્થાપનનો છે. કાશ્મીરમાં ૧૯૯૦ના દાયકામાં આતંકવાદ વકર્યો પછી હિંદુઓને પહેરેલાં લૂગડે કાશ્મીર ખીણ છોડવાની ફરજ પડાઈ હતી. આ હિંદુઓમાં પંડિતો વધારે હતા. આતંકવાદના કારણે લાખો હિંદુઓ બેઘર થઈ ગયા. જમ્મુ અને દિલ્હીની નિરાશ્રિત છાવણીઓમાં આ હિંદુઓ સાવ દયનિય દશામાં જીવે છે. તેમને પાછા કાશ્મીરમાં વસાવવા ચૂંટણીઓ જરૂરી છે, સરકાર જરૂરી છે.