અમેરિકાના મજબૂત જોબ ડેટાએ વૈશ્ર્વિક સોનાની તેજીને બ્રેક મારી
કોમોડિટી -રમેશ ગોહિલ
વીતેલા સપ્તાહના અંતે અમેરિકાના નવેમ્બર મહિનાના જોબ ડેટાની જાહેરાત પૂર્વે વૈશ્ર્વિક સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાતા રહ્યા હતા. સામાન્યપણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં વધઘટ કે સ્થિર રાખવા અંગેના નિર્ણયમાં રોજગારીનાં ડેટાને ધ્યાનમાં લેતી હોવાથી રોકાણકારોએ નવી લેવાલીમાં સાવચેતીનો અભિગમ અપનાવ્યો હતો. ગત નવેમ્બર મહિનામાં અમેરિકામાં ૧,૮૦,૦૦૦ની રોજગાર વૃદ્ધિ થવાની ધારણા બજાર વર્તુળો મૂકી રહ્યા હતા, પરંતુ જાહેર થયેલા ડેટામાં રોજગારીમાં ૧,૯૯,૦૦૦નો ઉમેરો થયો હોવાના અહેવાલ વહેતા થતાં ફેડરલ રિઝર્વ આગામી માર્ચ મહિનામાં વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવી શક્યતા ધૂંધળી બની જતાં ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું અને ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સપ્તાહના અંતે સોનાના ભાવમાં ૧.૪ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે સ્થાનિક બજારમાં આ કડાકાની અસર આવતીકાલે અર્થાત્ સોમવારે જોવા મળે તેમ જણાય છે.
દરમિયાન સ્થાનિક ઝવેરી બજારમાં ગત સપ્તાહે વૈશ્ર્વિક અહેવાલ તેમ જ ડૉલર સામે રૂપિયામાં થયેલી વધઘટ અનુસાર સોનાના ભાવ સાંકડી રેન્જમાં અથડાઈ ગયા હતા. ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત પહેલી ડિસેમ્બરનાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૨,૭૨૮ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૬૩,૮૦૫ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન નીચામાં રૂ. ૬૨,૧૪૪ અને ઉપરમાં રૂ. ખૂલતી જ રૂ. ૬૩,૮૦૫ની રેન્જમાં રહીને અંતે રૂ. ૬૨,૪૧૫ના મથાળે બંધ રહ્યા હતા. આમ સાપ્તાહિક ધોરણે ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૧૩ અથવા તો ૦.૪૯ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. એકંદરે ભાવમાં ઘટાડો થયો હોવા છતાં સમગ્ર સપ્તાહ દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૦,૦૦૦ની મનોવૈજ્ઞાનિક સપાટીની ઉપર જ રહ્યા હોવાથી લગ્નસરાનો સમયગાળો હોવા છતાં રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હતી. તેમ જ જ્વેલરોએ પણ ઊંચા મથાળેથી ખરીદી મોકૂફ રાખી હતી.
એકંદરે સપ્તાહ દરમિયાન રિટેલ સ્તરની માગ સૂકાઈ ગઈ હતી તેમ જ જ્વેલરો પણ નવી ખરીદીથી દૂર રહ્યા હતા, જ્યારે રોકાણકારોની ખરીદીને સ્થાને લગડી અને સિક્કાઓમાં વેચવાલી જોવા મળી હોવાનું સોનાના એક હોલસેલરે જણાવ્યું હતું. આમ માગ નિરસ રહેવાને કારણે સ્થાનિકમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૪ ડૉલર જેવા સાત મહિનાના ઊંચા ડિસ્કાઉન્ટે ભાવ ઑફર કરી રહ્યા હતા. નોંધનીય બાબત એ છે કે આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ નવ ડૉલર ડિસ્કાઉન્ટમાં ભાવ ઑફર કરી રહ્યા હતા. જોકે ગત સપ્તાહના અંતે વૈશ્ર્વિક બજારમાં કડાકો બોલાઈ ગયા બાદ સોમવારે સ્થાનિક સ્તરે ભાવમાં કેટલો ઘટાડો આવશે તેના પર બજાર વર્તુળોની મીટ છે.
સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે નીતિ ઘડવૈયાઓ યુઆનની સ્થિરતા પર વધુ ભાર મૂકી રહ્યા હોવાથી સોનાની આયાતના ક્વૉટાની જાહેરાતના અભાવે પુરવઠા સ્થિતિ ટાંચમાં રહી હતી. તેમ છતાં વિશ્ર્વ બજાર પાછળ સ્થાનિકમાં ભાવ ઊંચી સપાટીએ રહેવાથી માગ તળિયે બેસતાં ડીલરો સોનાના ભાવ ઔંસદીઠ ૧૨થી ૩૦ ડૉલર આસપાસનાં પ્રીમિયમમાં ઑફર કરી રહ્યા હતા. જોકે આગલા સપ્તાહના ઔંસદીઠ ૨૫થી ૩૫ ડૉલરના પ્રીમિયમની સરખામણીમાં ઘટાડો જોવા મળ્યો છે.
અમેરિકાનાં નવેમ્બર મહિનાના રોજગારીના ડેટાની જાહેરાત પૂર્વે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેવાથી સોનાના વૈશ્ર્વિક ભાવમાં ચાર સપ્તાહ પછી પહેલી વખત ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું, પરંતુ ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ તો ભાવમાં સાપ્તાહિક ધોરણે ૩.૪ ટકાનો કડાકો નોંધાઈ ગયો હતો, જ્યારે ડૉલરમાં સાપ્તાહિક ધોરણે ત્રણ સપ્તાહ પછી સુધારો નોંધાયો હતો. જોકે હવે ટ્રેડરો અને રોકાણકારોની નજર અમેરિકી ફેડરલ રિઝર્વની આગામી ૧૨-૧૩ ડિસેમ્બરની નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડવાઈઝર્સનાં વિશ્ર્લેષકે જણાવતાં ઉમેર્યું હતું કે અમેરિકાના જોબ ડેટા બજારની અપેક્ષા કરતાં સારા આવ્યા હોવાથી વર્તમાન સપ્તાહમાં વૈશ્ર્વિક સોનાના ભાવ માટે ઔંસદીઠ ૧૯૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી અને ૨૦૮૦ ડૉલરની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થશે, જ્યારે સ્થાનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૬૧,૦૦૦થી ૬૩,૭૦૦ની રેન્જમાં અથડાતા રહે તેવી શક્યતા નકારી ન શકાય.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગત સપ્તાહના અંતે અમેરિકાના જોબ ડેટાની જાહેરાત પશ્ર્ચાત્ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે ૧.૪ ટકા ગબડીને ઔંસદીઠ ૨૦૦૦.૪૯ ડૉલર અને વાયદામાં ભાવ ૧.૬ ટકા તૂટીને ૨૦૧૪.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અમેરિકા ખાતે ગત નવેમ્બર મહિનામાં રોજગાર વૃદ્ધિમાં સુધારો થવાની સાથે બેરોજગારીનો દર પણ ઘટીને ૩.૭ ટકાનો રહેતાં શ્રમ બજારની સ્થિતિ મજબૂત હોવાનો નિર્દેશ મળ્યો હતો. આ જાહેરાત પશ્ર્ચાત્ ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં પહેલી કપાત મે મહિનાથી શરૂ કરે તેવી ધારણા ટ્રેડરો મૂકી રહ્યા છે.