નહિ જ્ઞાનેન સદૃશ્યમ્ પવિત્રમિહ વિદ્યતે
મનન-ચિંતન -હેમંત વાળા
શિવ સૂત્રમાં જ્ઞાનને બંધનકર્તા જણાવાયું છે, જ્યારે ગીતામાં એમ કહેવાયું છે કે આ લોકમાં જ્ઞાન સમાન પવિત્ર બીજું કંઈ નથી. કોઈકને આમાં વિરોધાભાસ જણાશે તો કોઈક આ બંને કથનોને સમગ્રતામાં સમજી જ્ઞાનના માર્ગ પર આગળ વધશે.
એક રીતે જોતા જ્ઞાન એ નિસરણી સમાન છે. તેના દ્વારા ઉચ્ચ શિખરો પ્રાપ્ત થઈ શકે. પણ જ્યારે વ્યક્તિ નિસરણીમાં જ મોહિત થઈ જાય તો તે નિસરણી ચોક્કસ રીતે બંધનકર્તા બને. આ બાબત કોઇ પણ માધ્યમને લાગુ પડે. જ્યારે રસ્તાને જ અંતિમ મુકામ માની લેવામાં આવે ત્યારે તે રસ્તો ઇચ્છિત સ્થાને પહોંચાડવાને બદલે પોતાની આંટીઘૂંટીમાં જ અને ક્યાંક પોતાની રસિકતામાં જ વ્યક્તિને ફસાવેલ રાખે. જ્ઞાન તો પવિત્ર જ છે. જ્ઞાન થકી જ કપિલ મુનિ જેવા દાર્શનિકે માનવજાતને સાંખ્ય દર્શનના સિદ્ધાંતોની સમજૂતી આપી છે. વેદ-ઉપનિષદ એ જ્ઞાનના ભંડાર સમા છે.
પ્રાચીન ઋષિમુનિઓએ આ જ્ઞાનની પરંપરા જ આગળ વધાવી આજ સુધી તે પહોંચે તેવી વ્યવસ્થા સર્જી છે.
તો સાથે જ્ઞાન બંધનકર્તા પણ બની શકે. જો જ્ઞાનને જ્ઞાનનું જ ભારણ હોય, જો જ્ઞાન શ્રદ્ધા પ્રગટાવતું ન હોય, જો જ્ઞાન એ તર્કથી – તર્ક દ્વારા સામેની વ્યક્તિને બુદ્ધિમત્ત્ાાના સ્તરે પરાસ્ત કરવા માટે જ વપરાતું હોય, જો તેનો ઉપયોગ અર્થોપાર્જન માટે થતો હોય, જો જ્ઞાનથી મુક્તિના બદલે સિદ્ધિને વધારે મહત્તવ અપાતું હોય અને જો જ્ઞાન પ્રેય અને શ્રેય વચ્ચેનો તફાવત સમજાવવા અસમર્થ રહેતું હોય, તો તે જ્ઞાન ચોક્કસ બંધનકરતા છે. આવા જ્ઞાનને જ્ઞાન કહેવું પણ જોઈએ કે કેમ એ પણ એક પ્રશ્ર્ન છે.
મુક્તિ અપાવે તે જ્ઞાન. સારા-નરસાનો વિવેક આપે તે જ્ઞાન. સંયમની સાથે બુદ્ધિને જે સાચી દિશામાં દોરે અને પુરુષાર્થને ધર્મ કે મોક્ષના માર્ગે લઈ જાય તે જ્ઞાન. ગીતા – બ્રહ્મસૂત્ર – સાંખ્ય દર્શન – શિવ સૂત્ર – ઉપનિષદો જેવા ગ્રંથો પ્રત્યે વિશ્ર્વાસ અને શ્રદ્ધા જન્માવે તે જ્ઞાન. જેનાથી સૃષ્ટિના સર્જન અને તેના સર્જક બંને પ્રત્યે સદાય હકારાત્મકતા જન્મે તે જ્ઞાન. ક્યાંક તે ભક્તિ કે સાધના તરફ વ્યક્તિને વાળે તે જ્ઞાન. અર્જુનને શ્રીકૃષ્ણ દ્વારા કે શ્રીરામને વશિષ્ઠ દ્વારા કે સતીને શિવજી દ્વારા કહેવાયેલી બાબતો તે જ્ઞાન. ભર્તૃહરિના વૈરાગ્ય શતકમાં કે વેદવ્યાસજીનાં પુરાણોમાં કે શંકરાચાર્યનાં પુસ્તકોમાં સચવાયેલું તે જ્ઞાન. જો જ્ઞાન પરમને મળવાનું માધ્યમ હોય તો તે ક્યારે બંધનકર્તા ન હોઈ શકે. જ્ઞાન બંધન કરતા ત્યારે જ થાય જ્યારે જ્ઞાન દ્વારા હાંસલ કરવાના લક્ષ્યને ચૂકી માનવી જ્ઞાનને જ લક્ષ માની લે, અથવા જ્ઞાનનો ઉપયોગ આજીવિકા માટે કરે, અથવા જ્ઞાન એ આડંબર સમાન હોય, અથવા ચાર્વાક દર્શનની જેમ તે સનાતનના સિદ્ધાંતોથી ભિન્ન બાબતો જણાવતું હોય,
અથવા જે માત્ર અનાત્માલક્ષી બાબતો પર કેન્દ્રિત થયેલું હોય – તે જ્ઞાન અથવા તો તે જાણકારી બંધન કરતા હોય. આવા જ્ઞાનને તો જ્ઞાન પણ ન કહેવાય.
સાંપ્રત સમયમાં જ્ઞાન અને જાણકારીનો જે તફાવત છે તે સમાજ સમજી શકતો નથી. આજે માહિતી અથવા જાણકારીને જ ન્યાય જ્ઞાન સમજી લેવાય છે. આજે વ્યક્તિ ઘણી બધી બાબતો જાણીને બેઠો હોય તો પણ તેને જ્ઞાનીની ઉપાધિ આપવામાં આવે છે. જ્ઞાની એટલે એવી વ્યક્તિ કે જેણે સ્વયં સત્યની અનુભૂતિ કરી છે. જ્ઞાનીએ પરમની સાધનામાં ઉચ્ચતર સ્થાન પ્રાપ્ત કરેલું હોય છે અને તે આ પરમને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજી ચૂક્યો હોય છે. સંસારના આ સર્જન તથા તે સર્જક વચ્ચેનું સમીકરણ તેને ખબર હોય છે – અને આ બે વચ્ચે તેનું સ્થાન ક્યાં છે તે માટે પણ તે સંપૂર્ણ માહિતીગાર હોય છે. જ્ઞાની ભક્તિની ચરમસીમાએ જઈ શકે છે – તે પૂર્ણ કર્મયોગી બની શકે છે – તે અષ્ટાંગ યોગને પણ સાધી શકે છે – તે બધામાં એક સાથે પ્રવૃત્ત પણ રહી શકે છે અને નિવૃત્ત પણ. જો આ બધાનો ભાર તે માથે લઈને ફરતો થઈ જાય તો જ્ઞાન મુક્તિદાતા નહીં પણ બંધનકર્તા બની રહે. જ્ઞાન મુક્તિ અપાવે છે કે બંધનમાં બાંધે છે તે બાબત જ્ઞાન પર નહીં પણ તેને ધારણ કરતા વ્યક્તિ પર આધાર રાખે છે. તેથી જ જ્ઞાન એક સાથે બંધનકર્તા પણ છે અને બંધનમાંથી મુક્તિ અપાવનાર પણ.
શિવજીએ જે પરિપ્રેક્ષ્યમાં શિવસૂત્રમાં જ્ઞાનની વાત કરી છે તે જ વાત એક રીતે જોતા શ્રીકૃષ્ણએ ગીતામાં કહી છે. શિવજી અને શ્રીકૃષ્ણ જ્ઞાનને જેટલું યથાર્થતામાં સમજતા હશે તેટલું કોઈ નહીં સમજી શક્યું હોય. પ્રશ્ર્ સંદર્ભ, પરિસ્થિતિ, ગ્રાહક અને ગ્રાહકપણાંનો છે. જે વ્યક્તિ સમગ્રતામાં આ વાતને સમજી ન શકે તેને આવો વિરોધાભાસ દેખાય. તનતની સંસ્કૃતિમાં દર્શાવાય ચાર માર્ગોમાં પરમ જ્ઞાન એ એક માર્ગનું ચરમબિંદુ છે.