બંગાળના મુખ્ય પ્રધાન કેન્દ્ર પર વરસ્યા, બંગાળનું ફંડ આપો નહિ તો….
કોલકત્તા; પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ દસ ડિસેમ્બરના રોજ કેન્દ્રની ટીકા કરતા કહ્યું હતું કે કેન્દ્ર રાજ્યનું ફંડ રિલીઝ કરો કે પછી તમે ઓફિસ ખાલી કરી દો. તેમણે ભાજપની આગેવાની હેઠળની મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સીએમએ દાવો કર્યો હતો કે કેન્દ્રએ પશ્ચિમ બંગાળને 1.15 લાખ કરોડ રૂપિયા આપવાના બાકી છે. તેમણે કહ્યું હતું કે ભાજપની આગેવાની હેઠળની એનડીએ સરકારે હવે રાજ્યનું ફંડ આપી દેવું જોઇએ.
મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ અલીપુરદ્વારમાં એક જનસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે બંગાળ માટે 1.15 લાખ કરોડ રૂપિયાનું ફંડ માંગવામાં આવશે. અને જો નહિ આપે તો અમે સૂત્રોચ્ચાર કરીશું કે કાં તો ગરીબોના પૈસા આપો. અથવા ખુરશી છોડી દો.
તેમને પણ જણાવ્યું હતું કે રાજ્ય માટે ફંડ માંગતી વખતે તેમણે વડા પ્રધાન સાથે મુલાકાતનો સમય પણ માંગ્યો છે. આ ઉપરાતં તે સમયે મુખ્ય પ્રધાને 93 કરોડથી વધુના 70 પ્રોજેક્ટની પણ જાહેરાત કરી હતી. મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું કેટલાક સાંસદો સાથે દિલ્હીમાં રહીશ. બાકી રકમની માંગણી કરવા માટે મેં 18 ડિસેમ્બરથી 20 ડિસેમ્બરની વચ્ચે પીએમ સાથે મુલાકાતનો સમય માંગ્યો છે.
મુખ્ય પ્રધાને દાવો કર્યો કે જો પશ્ચિમ બંગાળનું બાકી ભંડોળ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવશે તો રાજ્ય સરકાર તેની સામાજિક કલ્યાણ યોજનાઓ હેઠળ વધુ લોકોને સામેલ કરી શકશે. આ ઉપરાંત તેમણે એ વાત પર ભાર મૂકતા કહ્યું હતું કે હું હંમેશા મારા વચનો નિભાવું છું, પણ ભાજપ નથી નિભાવતું. ભાજપે તમને તમામ બંધ ચાના બગીચાઓને ફરીથી ખોલવાનું વચન આપ્યું હતું. પરંતુ હજુ સુધી તે ખુલ્યા નથી. સીએમ મમતાએ કહ્યું કે પશ્ચિમ બંગાળનું ફંડ ઘણા અલગ અલગ ખાતામાં લેવાનું બાકી છે જેમાં મનરેગા, આવાસ યોજના અને GST જેવી યોજનાઓનો સમાવેશ થાય છે.