“મોટો માણસ બનાવી દઇશ..” છત્તીસગઢના પ્રથમ આદિવાસી મુખ્યમંત્રીને અમિત શાહે શું કહ્યું?
રાયપુર: છત્તીસગઢમાં મુખ્યમંત્રીના નામની જાહેરાત થઇ ચુકી છે. રાજ્યની આદિવાસી વસ્તીનો મુખ્ય ચહેરો ગણાતા વિષ્ણુદેવ સાય છત્તીસગઢમાં શાસનની ધુરા સંભાળશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગયા મહિને કુનકુરી મતવિસ્તારમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે મતદારોને વિષ્ણુ દેવ સાયને ધારાસભ્ય તરીકે ચૂંટવા વિનંતી કરી હતી અને વચન આપ્યું હતું કે જો પક્ષ રાજ્યમાં સત્તા પર આવશે તો સાઈને ‘મોટા માણસ’ બનાવવામાં આવશે.
વિષ્ણુ દેવ સાયએ તેમની રાજકીય સફર એક ગામના સરપંચ તરીકે શરૂ કરી હતી. તેમણે પાર્ટીમાં મહત્વપૂર્ણ સંગઠનાત્મક હોદ્દા પ્રાપ્ત કર્યા અને કેન્દ્રીય મંત્રી અને લોકસભા સાંસદ પણ બન્યા.
રાજ્યની વસ્તીમાં આદિવાસીઓની સંખ્યા લગભગ 32 ટકા છે અને વિષ્ણુ દેવ સાય, કે જેઓ સુરગુજાના જશપુર જિલ્લામાંથી આવે છે, તે ભાજપની કાર્ય યોજનામાં સંપૂર્ણ રીતે બંધ બેસે છે. આદિવાસી એ OBC પછી રાજ્યમાં બીજું સૌથી પ્રભાવશાળી સામાજિક જૂથ છે.
છત્તીસગઢમાં ઐતિહાસિક જીત મેળવતા ભાજપે સુરગુજા અને બસ્તર વિભાગના આદિવાસી પ્રભુત્વવાળા વિસ્તારોમાં અત્યાર સુધીનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભાજપે સુરગુજાની તમામ 14 બેઠકો અને બસ્તર વિભાગની 12માંથી 8 બેઠકો કબજે કરી લીધી છે. આના પરથી કહી સકાય કે આદિવાસી પ્રજાનું ભાજપે હૃદય જીતી લીધું છે, આથી જ મુખ્યમંત્રીની પસંદગી કરતી વખતે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ આદિવાસી કાર્ડ રમ્યું છે.
છત્તીસગઢ આદિવાસી બાહુલ્ય ધરાવતો પ્રદેશ હોવાને કારણે હંમેશાથી ત્યાં સ્થાનિક અને આદિવાસી મુખ્યમંત્રીની માંગ રહી છે. રાજકારણમાં વિષ્ણુદેવ સાયને રમણ સિંહની છાવણીમાં માનવામાં આવે છે. સાયને RSSની નજીકના હોવાનું પણ કહેવાય છે. તેમને લગભગ 35 વર્ષનો રાજકીય અનુભવ છે અને પ્રદેશ પ્રમુખ તરીકે સંગઠન ચલાવવાનો પણ અનુભવ છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ મુજબ વિષ્ણુદેવ સાયની સંપત્તિ 2.98 કરોડ રૂપિયા છે. આમાં તેમની ખેતી, જમીન અને મકાનો પણ સામેલ છે. ખેતી પણ આવકનું સાધન છે. તેમને 2 પુત્રી અને એક પુત્ર છે.
વિષ્ણુદેવ સાયનું પ્રાથમિક શિક્ષણ કુનકુરીમાં જ થયું હતું. તેમણે 12 ધોરણ સુધી અભ્યાસ કર્યો, પરંતુ પછી તેમણે શાળા છોડી દીધી. પિતાને ખેતીમાં મદદ કરનાર સાયે 25 વર્ષની ઉંમરે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના પરિવારના અન્ય લોકો શરૂઆતથી જ જનસંઘ સાથે જોડાયેલા હતા. તેમના પિતા તપકારા બેઠકથી ધારાસભ્ય પણ બન્યા હતા.
વર્ષ 2000માં અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યા બાદ છત્તીસગઢમાં ભાજપે વિષ્ણુદેવ સાયને 2003 અને 2008ની વિધાનસભા ચૂંટણીઓમાં મેદાનમાં ઉતાર્યા હતા પણ તેઓ હારી ગયા હતા. 2006 થી 2010 અને ફરીથી જાન્યુઆરી-ઓગસ્ટ 2014 સુધી ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકે કામ કર્યું. 2018માં રાજ્યમાં ભાજપની હાર પછી તેમને ફરીથી 2020માં છત્તીસગઢમાં પાર્ટીનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.
2022માં વિધાનસભા ચૂંટણીના એક વર્ષ પહેલા OBC નેતા અરુણ સાવને તેમના સ્થાને પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
આ વર્ષે નવેમ્બરમાં ચૂંટણી પહેલા, સાયને જુલાઈમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં તેમણે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય યુ ડી મિંજને 25,541 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી.