વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમમાં થઈ મોટી ભૂલ, આ પાર્ટીની ટીકા થવાની શક્યતા
મુંબઈ: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિકસિત ભારત સંકલ્પ યાત્રા માટે ભિવંડીના એક ગામમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. વિકસિત ભારત સંકલ્પ યાત્રાના સ્ટેજ નજીક રાખવામા આવેલા બેનરમાં રાષ્ટ્રીય ધ્વજને ઊંધો પ્રિન્ટ કરવામાં આવ્યો હતો. ભિવંડી ખાતે યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં ભાજપના અનેક મોટા પ્રધાનો પણ સામેલ હતા. આ કાર્યક્રમમાં ભાજપના કાર્યકરો દ્વારા કથિત એક એવી ભૂલ જાણવા મળી છે કે તેની લોકોને જાણ થયા પછી હવે આ મુદ્દે ભાજપની ટીકા થવાની શક્યતા છે.
ભાજપ દ્વારા ૨૦૨૪ની લોકસભા ચૂંટણી પહેલા સરકાર દ્વારા બનાવવામાં આવેલી વિવિધ યોજનાનો લાભ નાગરિકો સુધી પહોચ્યો છે કે નહીં તે જાણવા દેશભરમાં આ યાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમ વર્ચ્યુઅલ જોડાઈ તેને સંબોધિત કરવાના હતા.
આ કાર્યક્રમ માટે સવારથી તૈયારીઓ ચાલતી હતી અને એક મોટા સ્ટેજ પર તેના પર સ્ક્રીન અને બે મોટા બેનર પણ મૂકવામાં આવ્યા હતા. જોકે, આ બેનરો પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રિય પ્રધાન કપિલ પાટિલ અને પાલક પ્રધાન શંભુરાજ દેસાઇની તસવીરો હતી. કાર્યક્રમના આ બેનર પર જિલ્લા પરિષદ થાણે, પંચાયત સમિતિ ભિવંડી અને કાલ્હેર ગ્રામ પંચાયતના સહયોગથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા એવું મોટા અક્ષરે લખવામાં આવ્યું હતું.
ભાજપ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમના મોટા નેતાઓની ઉપસ્થિતિ હોવા છતાં બેનર પર તિરંગો ઊંધો પ્રિન્ટ જોવા મળતા એ મુદ્દે ટીકા થવાની શક્યતા છે તેમ જ કાર્યક્રમ શરૂ થતાં પહેલા આ ભૂલની જાણ કોઈને નહીં થવાથી અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે.