નિફ્ટીએ ત્રણ વર્ષનો રેકોર્ડ તોડયો, ૨૧૦૦૦ની સપાટી વેંત છેટે: અપટ્રેન્ડ અકબંધ, નવી પ્રતિકારક સપાટી ૨૧,૫૫૦ના સ્તરે
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા
મુંબઇ: નિફ્ટીએ પાછલા સપ્તાહે ત્રણ વર્ષનો રેકોર્ડ તોડીને રોકાણકારોની રાજીના રેડ કરી દીધાં છે. નિફ્ટીએ એક તબક્કે ૨૧૦૦૦ની સપાટી પાર કરી નાંખી હતી પરંતુ તે હજુ એક વેંત દૂર જ રહી છે. નિષ્ણાતો ભાખે છે કે શેરબજાર ટૂંકા ગાળામાં રેન્જ બાઉન્ડ જ રહેવાની શક્યતા છે.
રિઝર્વ બેન્કે ચાલુ નાણાકીય વર્ષ માટે આર્થિક વૃદ્ધિના અંદાજમાં વધારાની અને નીતિ દરો યથાવત રાખ્યા હોવાની જાહેરાત બાદ અન્ય રેટ સેન્સિટીવ શેરોની આગેવાનીએ ભારે લેવાલી શરૂ થઇ જતાં, બેન્ચમાર્ક સેન્સેક્સ અને નિફ્ટી શુક્રવારે તેમની નવી જીવનકાળની નવી ઊંચી સપાટીએ બંધ થયા હતા. જોકે, નિફ્ટી ફરી ૨૧,૦૦૦ની સપાટી સર કરવામાં નિષ્ફળ રહ્યો હતો. સેન્સેક્સ ૩૦૩.૯૧ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા વધીને ૬૯,૮૨૫.૬૦ની નવી ટોચે પહોંચ્યો હતો. ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ૬૯,૮૯૩.૮૦ના સર્વોચ્ચ સ્તરને સ્પર્શ્યો હતો. જ્યારે બ્રોડર ઈન્ડેક્સ નિફ્ટી પણ ૬૮.૨૫ પોઈન્ટ્સ અથવા ૦.૩૩ ટકા વધીને ૨૦,૯૬૯.૪૦ની નવી રેકોર્ડ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
તેજીનો આગલો તબક્કો શરૂ થાય તે પહેલાં બજાર વર્તમાન સ્તરની આસપાસ રહેવાની શક્યતા છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીએ સતત છઠ્ઠા સપ્તાહે ૩.૪૬ ટકાનો વધારો નોંધાવ્યો છે. જુલાઈ ૨૦૨૨ પછી આ સૌથી મોટો વધારો છે. આ પ્રક્રિયામાં નિફ્ટીએ ત્રણ વર્ષમાં સૌથી લાંબો સાપ્તાહિક વધારો નોંધાવ્યો છે. અગ્રણી સ્ટોક બ્રોકિંગ ફર્મના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, નજીકના ગાળામાં અપટ્રેન્ડ અકબંધ રહેશે. વર્તમાન કોન્સોલિડેશન અથવા થોડી નબળાઈને કારણે નિફ્ટી નજીકના ગાળામાં ફરીથી ઝડપથી વધી શકે છે. આગામી પ્રતિકાર સપાટી ૨૧,૫૫૦ની આસપાસ છે. જ્યારે તાત્કાલિક સપોર્ટ ૨૦,૮૫૦ના સ્તરે જોવા મળી રહ્યો છે
શેરબજારની તેજીમાં બેન્ક શેરોનો પણ મોટું યોગદાન રહેલું છે અને પરિણામે બેન્ચમાર્ક નિફ્ટી સાથે બેન્ક નિફ્ટી પણ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ ૨૦૨૨ પછીના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા સાથે બેન્ક નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. સપ્તાહના છેલ્લા સત્રમાં બેન્ક નિફ્ટી ૪૨૦.૬૦ પોઇન્ટના ઉછાળા સાથે ૪૭,૨૬૨ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સના નવ ટકા સામે બેન્ક નિફ્ટીમાં ૧૫ ટકાની તેજી જોવા મળી છે. રિઝર્વ બેન્કના નાણાકીય નીતિના પરિણામથી પ્રોત્સાહતિ થયેલા રોકાણકારોએ બેન્ક શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ આ અઠવાડિયે ૫ાંચ ટકાથી વધુ ઉછળ્યો છે અનેે જુલાઈ ૨૦૨૨ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે.
વ્યક્તિગત શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર આ અઠવાડિયે ૫ાંચ ટકાથી વધુ ઊછળ્યો હતો. આ સમયગાળામાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અનુક્રમે ૬ ટકા, ૯ ટકા, ૧૦ ટકા અને ૫ ટકા ઊછળ્યા હતા. અગાઉ શાસક પક્ષને ચારમાંથી ત્રણ રાજ્યની વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં વ્યાપક જીત બાદ પાંચ ડિસેમ્બરે બેંક નિફ્ટીએ ૪૬,૪૮૪.૪૫ પોઇન્ટના સર્વકાલીન ઉચ્ચ સ્તર હાંસલ કર્યું હતું.
એક તરફ એફઆઇઆઇનો રોકાણ પ્રવાહ ફરી શરૂ થઇ રહ્યો છે તો બીજી તરફ નવેમ્બરમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડના ફ્લોમાં ઘટાડો નોંધાયો હતો. સ્મોલ, મિડિયમ, લાર્જ અને મલ્ટિ-કેપ ફંડ્સમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું છે. મેનેજ્ડ ઇક્વિટી સ્કીમ્સમાં ચોખ્ખું રોકાણ પાછલા મહિનાની સરખામણીએ ૨૨.૧૫ ટકા ઘટીને રૂ. ૧૫,૫૩૬.૪ કરોડ થયું છે. નવેમ્બરમાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એસઆઈપીનું યોગદાન રૂ. ૧૭,૭૦૩ કરોડ રહ્યું છે, જે ઓક્ટોબરમાં રૂ. ૧૬,૯૨૮ કરોડના સ્તરે હતું. એક ટોચના ચાર્ટિસ્ટ અનુસાર શુક્રવારે દૈનિક ચાર્ટ પર નિફ્ટીએ લગભગ હાઈ વેવ બોટમ પેટર્ન બનાવ્યું હતું. નિફ્ટી હવે નજીકના ગાળા માટે ૨૦,૮૫૦-૨૧,૦૫૦ના ઝોનમાં રહી શકે છે. અર્થતંત્ર મજબૂત છે, જે નાણાકીય વર્ષ ૨૫ માં આવક વૃદ્ધિના વર્તમાન વલણને જાળવી રાખવામાં સક્ષમ છે, એમ તેમણે જણાવ્યું હતું.
પાવર ડિમાન્ડ, હાઉસિંગ ડિમાન્ડ, ક્રેડિટ ગ્રોથ અને ગ્રામીણ ડિમાન્ડ જેવા મુખ્ય સંકેતકો મજબૂત અર્થતંત્ર દર્શાવે છે જે બજારને ઉત્સાહિત રાખી શકે છે. બેંકિંગ સેકટરના શેરોમાં તાજેતરમાં ખૂબ ઉછાળા આવ્યા હોવાથી જેના વેલ્યુએશન્સ ઊંચી સપાટીએ પહોંચ્યા હોય એ શેરોમાં પ્રોફિટ બુકિંગ આવી શકે છે. ક્રૂડ ઓઈલમાં ઘટાડો પેઇન્ટ, ટાયર અને એવિએશન માટે સકારાત્મક છે.
દરમિયાન, રવિ મોસમની વાવણીમાં ઘટાડો અને જળાશયોના સ્તરમાં ઘટાડો અનાજના ભાવમાં વધારો લાવી શકે છે અને તેની અસર એફએમસીજી શેરો પર દેખાઈ હતી અને આ શેરો ગબડ્યા હતા. જોકે, નિષ્ણાતો માને છે કે, આરબીઆઈએ આર્થિક વૃદ્ધિની આગાહી વધારીને અને ખાદ્ય ફુગાવા પર ચિંતા વ્યક્ત કરીને સંતુલિત અભિગમ અપનાવ્યો હતો, જેને કારણે ટૂંકા ગાળામાં બજારને પુશ મળી શકે છે.
રિઝર્વ બેન્કની છ સભ્યોની મોનેટરી પોલિસી કમિટીએ શુક્રવારે બેન્ચમાર્ક રિપોઝિશન (રેપો) રેટને ૬.૫ ટકા પર રાખવાનો નિર્ણય કર્યો હતો. દેશની સેન્ટ્રલ બૅન્કે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં અપેક્ષા કરતાં વધુ મજબૂત ૭.૬ ટકા વૃદ્ધિ પછી, વિશ્ર્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે ભારતની સ્થિતિ જાળવી રાખીને, આર્થિક વૃદ્ધિ માટેનું અનુમાન ૬.૫ ટકાથી વધારીને ૭ ટકા જાહેર કર્યું છે. એકંદરે યુએસ બોન્ડ યીલ્ડમાં સતત ઘટાડો, ભારતનો જીડીપી વૃદ્ધિ દર, ક્રૂડના ભાવમાં ઘટાડો અને રાજકીય સ્થિરતા જેવા સાનુકૂળ પરિબળો બજારને ટેકો આપી રહ્યાં છે. એક્સચેન્જ ડેટા અનુસાર એફઆઇઆઇએ શુક્રવારના સત્રમાં રૂ. ૩,૬૩૨.૩૦ કરોડના શેરની લેવાલી નોંધાવી છે. ગુરુવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૧૫૬૪ કરોડના શેરનું વેચાણ કર્યું હતું.