આમચી મુંબઈ

હવે આ પ્રવાસીને પણ બેસ્ટમાં મળી ફ્રી પ્રવાસ કરવાની પરવાનગી….

મુંબઈ: બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય અને ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) દ્વારા અગિયાર ડિસેમ્બરથી ઓટીઝમથી પીડિત વ્યક્તિઓને પણ હવે દરેક એસી અને નોન એસી બસોમાં મોફત પ્રવાસની સાથે સાથે બસોના આગળના દરવાજાથી પણ ચડવાની મંજૂરી આપતો આદેશ જાહેર કરવામાં આવ્યો છે.

મુંબઈની બેસ્ટ બસોમાં અપંગ વ્યક્તિ, સિનિયર સિટીઝન અને મહિલા પ્રવાસીઓ માટે આરક્ષિત સીટો રાખવામા આવી છે અને માત્ર ગર્ભવતી મહિલા અને નાના બાળક સાથે પ્રવાસ કરતી મહિલાઓને જ બસના આગળના દરવાજાથી ચડવાની મંજૂરી આપવામાં આવી હતી. બેસ્ટ દ્વારા ૪૦ ટકા અથવા તેનાથી વધુ શરીરે અપંગ વ્યક્તિઓને મોફત પ્રવાસની સુવિધા આપવામાં આવી છે. બેસ્ટની આ નવી યોજનામાં અપંગ વ્યક્તિઓની જેમ ઓટીઝમથી પીડિત પ્રવાસીઓને પણ મોફત પ્રવાસની સુવિધા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.

ઓટીઝમથી પીડિત પ્રવાસીઓને આ લાભ મળે તે માટે બેસ્ટ દ્વારા અમુક ગાઈડલાઈનો જારી કરવામાં આવી છે. આ ગાઈડલાઈનો મુજબ ઓટીઝમ વ્યક્તિએ બેસ્ટના અધિકારીઓ પાસેથી તેમની આ સ્થિતિ વિશે પ્રમાણપત્ર લેવું ફરજિયાત રહેશે. ઓટીઝમ વ્યક્તિને મળેલા આ પ્રમાણપત્ર સ્માર્ટ કાર્ડ અને મોબાઇલ એપ પર પણ ઉપલબદ્ધ કરવામાં આવશે. પ્રમાણપત્રની મુદત એક વર્ષ રાખવામા આવી છે જેથી તેનો ગેરુપયોગ ન થાય.

ઓટીઝમ વ્યક્તિઓને દર વર્ષે આ પાસનું બસ ડેપોમાં નવીકરણ કરાવવું પડશે. બેસ્ટની એક રિપોર્ટ મુજબ લગભગ ૧૯ હજાર જેટલા અપંગ પ્રવાસીઓને મફત મુસાફરીની સુવિધા આપવામાં આવી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button