”તમે તો અહીં ઉભા રહેવાને પણ લાયક નથી..” ગુજરાત હાઇકોર્ટે આ કંપનીની કાઢી ઝાટકણી

અમદાવાદ: મોરબી ઝૂલતા પુલ અંગે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરાઇ હતી. આ સુનાવણીમાં રાજ્ય સરકારે એક્શન ટેકન રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે ઓરેવા કંપનીના આરોપીઓને સખત ફટકાર લગાવી હતી અને કહ્યું હતું કે અસરગ્રસ્તોને મદદ મળે તે હેતુથી જ તમને સાંભળવામાં આવી રહ્યા છે, બાકી SIT રિપોર્ટ બાદ તો તમે લોકો તો એક ક્ષણ માટે પણ અહીં ઉભા રહેવાને લાયક નથી.
“જ્યાં સુધી લોકોને વળતર આપવાની વાત છે ત્યાં સુધી તમને સાંભળવામાં આવશે.” તેવું કોર્ટે કહેતા રાજ્ય સરકારનો એક્શન ટેકન રિપોર્ટ એટલે કે દુર્ઘટના અંગે સરકાર દ્વારા લેવાયેલા પગલા અંગેના રિપોર્ટની વિગતો જોઇ હતી. હાઇકોર્ટ દ્વારા સરકારને ટકોર કરવામાં આવી છે કે ગુજરાતમાં જેટલા પણ જર્જરિત પુલ છે તે તમામ સરકારે પોતાને હસ્તગત કરવાના રહેશે અને તેની જાળવણીની જવાબદારી લેવાની રહેશે. જે જૂના અને જર્જરિત બ્રિજો છે એનું યોગ્ય રીતે સમારકામ કરવામાં આવે અને જે નગરપાલિકા અંતર્ગત બ્રિજો આવેલા છે એને સરકાર પોતાને હસ્તગત કરે તેવું કોર્ટે જણાવ્યું છે.
હાઇકોર્ટે સરકારને ટકોર કરી છે કે રાજ્યના આઇકોનિક બ્રીજની જાળવણી થાય તે જોવાની જવાબદારી સરકારની છે. જે ઉપયોગમાં લેવા યોગ્ય ન હોય તે બ્રીજની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, બ્રીજના સમારકામનું કામ કંપનીને સોંપતી વખતે સરકારે કંપનીની ક્ષમતાઓ, અનુભવ બાબતે અગાઉથી ચકાસણી કરવી જોઇએ. તેમજ નિપુણ આર્કિયોલોજીસ્ટનું પણ માર્ગદર્શન લેવું જોઇએ.
ઓરેવા કંપની તરફથી લડી રહેલા વકીલને સ્પષ્ટપણે કોર્ટે કહી દીધું હતું કે SIT રિપોર્ટ બાદ કોર્ટ તમને સાંભળવા માગતી નથી. રાજ્ય સરકારે વિગતો રજૂ કરી હતી આ કેસમાં મુખ્ય આરોપી જયસુખ પટેલ સહિત 4 લોકો જેલમાં બંધ છે અને 6 લોકોને કોર્ટે જામીનમુક્ત કર્યા છે. સરકાર હસ્તગતના રાજ્યમાં 1441 બ્રીજ છે જેમના સમારકામ માટે એક સંપૂર્ણ નીતિ બનાવવામાં આવી છે. દુર્ઘટના બાદ મોરબી નગરપાલિકાને સુપરસીડ કરવામાં આવી હતી, પાલિકાના ચીફ ઓફિસરના સસ્પેન્શનને વધારવામાં આવ્યું છે. મૃતકોના પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને સરકારે સહાય ચૂકવી દીધી છે તેવું સરકારે આજે જણાવ્યું હતું.
હવે કલેક્ટર દુર્ઘટનાના અસરગ્રસ્તોની હાલની માનસિક સ્થિતિ, જોઇતી મદદ, વિધવા બહેનોને નોકરી, નોકરી કરવા ન ઇચ્છતી હોય તેમને માસિક વળતર, વૃદ્ધોને વળતર આ બધી બાબતોનો રિપોર્ટ હાઇકોર્ટમાં રજૂ કરશે, અને આ તમામ ચૂકવણીઓની જવાબદારી ઓરેવા કંપનીની રહેશે તેવું હાઇકોર્ટે જણાવ્યું હતું.