મઉમાં દીવાલ ધરાશાયી થતા 19 લોકો ઘાયલ અને છ લોકોના મૃત્યુ…
લખનઉ: યુપીના મઉમાં આઠ ડિસેમ્બરના રોજ એક મોટી દુર્ઘટના બની હતી. ઘોસી રોડવેઝ પાસે દીવાલ ધરાશાયી થતાં ચાર મહિલાઓ અને બે બાળકના મોત થયાં હતાં તેમ જ 19થી વધારે લોકો ઘાયલ થયા હતા. માહિતી મળતાં જિલ્લા મેજિસ્ટ્રેટ સહિત તમામ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
કોતવાલી વિસ્તારના માદાપુર સમસપુર સ્થિત જૂના મકાનની દીવાલ અચાનક ધરાશાયી થઈ ગઈ. જ્યારે આ દીવાલ ધરાશાયી થઇ તે સમયે હલ્દીની વિધિ ચાલી રહી હતી. દીવાલ ધરાશાયી થતાં બે ડઝનથી વધુ લોકો ફસાયા હતા. આ અકસ્માતમાં ચાર મહિલા અને બે બાળકના મોત થયા છે, જ્યારે 19 લોકો ઘાયલ થયા છે.
આ દીવાલ લગભગ 10 ફૂટ ઊંચી અને 15 ફૂટ લાંબી હતી જ્યારે અહી રહેતા બ્રિજેશ ગુપ્તાના પુત્રના લગ્નનો વરઘોડો નવ ડિસેમ્બરના રોજ નીકળવાનો હતો અને તેના માટે જ આજે હલ્દી વિધિ ચાલી રહી હતી.
દીવાલની બીજી બાજુમાં ઘણા મોટા પ્રમાણમાં રેતીનો ઢગલો કરવામાં આવ્યો હતો જેના કારણે દીવાલ અચાનક ધરાશાયી થઇ ગઇ હતી. અને ત્યાં ઊભેલા તમામ લોકો તેના નીચે આવી ગયા હતા. દીવાલ ઘણી મોટી હોવાના કારણે જેસીબી મંગાવીને કાટમાળ ખસેડવામાં આવ્યો હતો. અને ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.