પીએમ મોદીની ઈમોજીવાળી એ પોસ્ટ થઈ વાઈરલ… તમે પણ ના જોઈ હોય તો જોઈ લો…

નવી દિલ્હીઃ ઝારખંડના કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના ઘરે પાડવામાં આવેલા દરોડા દરમિયાન 220 કરોડ રૂપિયાથી વધુની રોકડ મળી આવતા હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સોશિયલ મીડિયા પર લાફિંગ ઈમોજી પોસ્ટ કરીને હુમલો કર્યો છે.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ લાફિંગ ઈમોજી સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીડિયા રિપોર્ટ શેર કરતાં લખ્યું હતું કે દેશવાસીઓએ આ ચલણી નોટોના બંડલા ઢગલાને ખાસે જોવા જોઈએ અને ત્યાર બાદ તેમના નેતાઓના ”પ્રામાણિક” ભાષણો સાંભળવા જોઈએ… જનતા પાસેથી જે લૂંટ્યું છે એની પાઈ પાઈ ચૂકવવી પડશે એ મોદીની ગેરેન્ટી છે.
આ પોસ્ટની સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચોકડી અને ડોલરના ઈમોજી પણ પોસ્ટ કર્યા છે.
અત્યાર સુધીની વડા પ્રધાન મોદીની પોસ્ટ જોવામાં આવે તો કેઓ પોતાના હેન્ડલ પરથી કરવામાં આવેલી પોસ્ટમાં કોઈ પણ પ્રકારની ઈમોજીનો ઉપયોગ કરતાં નથી. પરંતુ આજે તેમણે પોતાની પોસ્ટમાં જે રીતે ઈમોજીનો ઉપયોગ કર્યો છે એણે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પીએમ મોદીએ શેર કરેલાં સમાચારમાં નોટોથી ભરેલી શેલ્ફનો ફોટો સ્પષ્ટ જોઈ શકાય છે.
દરમિયાન, એક સ્થાનિક સમાચાર એજન્સીના અહેવાલ અનુસાર ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેક્સ ચોરીના આરોપ હેઠળ ઓડિશા સ્થિત દારૂ ઉત્પાદક બલદેવ સાહુ અને ગ્રૂપ ઓફ કંપનીઝ સામે શુક્રવારે ત્રીજા દિવસે દરોડા પાડવામાં આવ્યા હતા અને આ દરોડા દરમિયાન રોકડથી ભરેલી 156 બેગ મળી આવી હતી. હજી સુધી નોટોની ગણતરી ચાલુ છે. આ દરોડામાં 220 કરોડ રૂપિયાની રિકવરી કરવામાં આવી છે.
દેશની સૌથી મોટી દારૂ બનાવતી અને વેચાણ કરતી કંપનીઓમાંથી એક ‘બલદેવ સાહુ એન્ડ ગ્રુપ ઓફ કંપનીઝ’ની બોલાંગીર ઓફિસ પર દરોડા દરમિયાન ગુરુવારે લગભગ 200 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરવામાં આવી હતી. આ અંગે ભૂતપૂર્વ ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના કમિશનર શરત ચંદ્ર દાસે જણાવ્યું હતું કે ઓડિશામાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આ અત્યાર સુધીની સૌથી મોટી રોકડ જપ્તી હોઈ શકે છે.