
નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારની તેજીમાં બેન્ક શેરોનો પણ મોટું યોગદાન રહેલું છે અને પરિણામે બેન્ચમાર્ક નિફ્ટી સાથે બેન્ક નિફ્ટી પણ નવી વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. જુલાઈ ૨૦૨૨ પછીના સૌથી મોટા સાપ્તાહિક ઉછાળા સાથે બેન્ક નિફ્ટી નવી ઓલટાઇમ હાઇ સપાટીએ પહોંચ્યો છે. સપ્તાહના છેલ્લા સત્રમાં બેન્ક નિફ્ટી ૪૨૦.૬૦ પોઇન્ટના ઉછાળા સાથે ૪૭,૨૬૨ પોઇન્ટની નવી વિક્રમી સપાટીએ પહોંચ્યો છે.
આ વર્ષે અત્યાર સુધીમાં બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સના નવ ટકા સામે બેન્ક નિફ્ટીમાં ૧૫ ટકાની તેજી જોવા મળી છે. રિઝર્વ બેન્કના નાણાકીય નીતિના પરિણામથી પ્રોત્સાહતિ થયેલા રોકાણકારોએ બેન્ક શેરોમાં સારી લેવાલી જોવા મળી હતી. બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ આ અઠવાડિયે ૫ાંચ ટકાથી વધુ ઉછળ્યો છે અનેે જુલાઈ ૨૦૨૨ પછીનો સૌથી મોટો સાપ્તાહિક ઉછાળો નોંધાવ્યો છે.
વ્યક્તિગત શેરોમાં આઇસીઆઇસીઆઇ બેન્કનો શેર આ અઠવાડિયે ૫ાંચ ટકાથી વધુ ઊછળ્યો હતો. આ સમયગાળામાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક, બેંક ઓફ બરોડા અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અનુક્રમે ૬ ટકા, ૯ ટકા, ૧૦ ટકા અને ૫ ટકા ઊછળ્યા હતા.
અગાઉ શાસક પક્ષને ચારમાંથી ત્રણ રાજ્યની વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં વ્યાપક જીત બાદ પાંચ ડિસેમ્બરે બેંક નિફ્ટીએ ૪૬,૪૮૪.૪૫ પોઇન્ટના સર્વકાલીન ઉચ્ચ સ્તર હાંસલ કર્યું હતું. આ પછી આજે આઠમી ડિસેમ્બરે સવારે જ, રિઝર્વ બેન્ક દ્વારા સતત પાંચમી વખત રેપો રેટ ૬.૫ ટકા પર યથાવત રાખ્યાની જાહેરાત બાદ બેંકિંગ શેરોમાં ઉછાળાને વેગ મળતા તે વધુ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત કરતાં, આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે પીએમસીએ સર્વસંમતિથી રેપો રેટને ૬.૫ ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લીધો છેે.