કાશ્મીર સમસ્યા માટે નહેરુ સાઈડ વિલન, મેઈન વિલન હરિસિંહ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ
નરેન્દ્ર મોદી સરકારે જમ્મુ અને કાશ્મીરને લગતાં બે મહત્ત્વનાં બિલ લોકસભામાં પસાર કરી દીધા. લોકસભામાં મોદી સરકાર પાસે સ્પષ્ટ બહુમતી છે તેથી જમ્મુ અને કાશ્મીર અનામત (સુધારા) બિલ ૨૦૨૩ તથા જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન (સુધારા) બિલ ૨૦૨૩ બંને પસાર થશે એ નક્કી જ હતું પણ આ બિલ પર ચર્ચા વખતે કેન્દ્રીય પ્રધાન અમિત શાહે જવાહરલાલ નહેરુને ટાંક્યા તેમાં ડખો થઈ ગયો છે ને સ્પષ્ટ રીતે કહીએ તો કૉંગ્રેસને મરચાં લાગી ગયાં છે.
અમિત શાહે જવાહરલાલ નહેરુને ટાંકીને કહ્યું કે, જવાહરલાલ નહેરુએ જમ્મુ અને કાશ્મીરના બીજા વડા પ્રધાન (૧૯૬૫ સુધી જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટાયેલી સરકારના વડાને વડા પ્રધાન કહેવામાં આવતા હતા) શેખ અબ્દુલ્લાને લખેલા પત્રમાં કબૂલેલું કે, જમ્મુ અને કાશ્મીર મુદ્દાને યુનાઈટેડ નેશન્સમાં લઈ જઈને આપણે ભૂલ કરી છે એવું તેમને દૂરનું વિચારતાં લાગે છે. અમિત શાહના કહેવા પ્રમાણે નહેરુએ બે મહાન ભૂલ (બ્લન્ડર) કરેલાં. પહેલું બ્લન્ડર પાકિસ્તાને આક્રમણ કર્યું પછી ભારત પાકિસ્તાનીઓને પાછા ખદેડી રહ્યું હતું ત્યારે યુદ્ધવિરામનો સ્વીકાર હતો. બીજી મોટી ભૂલ કાશ્મીર મુદ્દાને યુએનમાં લઈ જવો હતી.
અમિત શાહે જવાહરલાલ નહેરુને ટાંકતી વખતે નહેરુએ શેખ અબ્દુલ્લાને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને આ પત્ર નહેરુ મ્યુઝિયમમાં ઉપલબ્ધ હોવાની પણ સ્પષ્ટતા કરી. શાહની વાત સાંભળીને પર કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ હોબાળો મચાવી દીધો પણ શાહ પોતાની વાત પર અડી રહ્યા. શાહે સાફ શબ્દોમાં કહ્યું કે, મેં એ જ કહ્યું છે જે નહેરુએ પોતે શેખ અબ્દુલ્લાને કહ્યું હતું.
શાહે એમ પણ કહ્યું કે, કાશ્મીરમાં ભારતીય સેના જીતી રહી હતી ત્યારે પાકિસ્તાન દ્વારા પ્રસ્તાવિત યુદ્ધવિરામ સ્વીકારવાની બિલકુલ જરૂર નહોતી પણ નહેરુએ યુદ્ધવિરામ સ્વીકારવાની મૂર્ખામી કરી નાંખી. નહેરુની ભૂલ ગણો તો ભૂલ ને મૂર્ખામી ગણો તો મૂર્ખામી, પણ તેને કારણે ભારતનું ત્રીજા ભાગનું કાશ્મીર પાકિસ્તાને પચાવી પાડેલું કાશ્મીર (પીઓકે) બની ગયું.
અમિત શાહની વાતથી ગિન્નાઈને કૉંગ્રેસે હોહા કરી મૂકી ને પછી નાનાં છોકરાં ઝઘડે ત્યારે અમારે નથી રમવું એમ કહીને જતાં રહે એ રીતે વોકઆઉટ કરીને બહાર જતા રહ્યા. અમિત શાહની વાત ખોટી હોય તો કૉંગ્રેસે તેનો પ્રતિકાર કરવાની જરૂર હતી. શાહની વાત કઈ રીતે ખોટી છે તેના પુરાવા આપવાની જરૂર હતી પણ તેના બદલે કૉંગ્રેસે તો સાવ હથિયાર હેઠાં મૂકીને નાગાઈ કરી નાંખી.
કૉંગ્રેસીઓ કરતાં તો નેશનલ કોન્ફરન્સના ડૉ. ફારુક અબ્દુલ્લા વધારે ડેમોક્રેટિક કહેવાય કે, શાહની વાતનો પ્રતિકાર કર્યો અને પોતાની રીતે શાહ કેમ ખોટા છે એ સાબિત કરવાની મથામણ પણ કરી. ડૉ. અબ્દુલ્લાના કહેવા પ્રમાણે લોર્ડ માઉન્ટબેટન અને સરદાર પટેલે પણ જમ્મુ અને કાશ્મીરનો મુદ્દો યુનાઈટેડ નેશન્સમાં ચર્ચાવો જોઈએ તેની તરફેણ કરેલી તેથી એકલા નહેરુ પર દોષનો ટોપલો ઢોળી ના શકાય. એ વખતે ભારતીય લશ્કરને પૂંચ અને રાજૌરીને બચાવવા માટે મોકલવું પડ્યું હતું કેમકે બીજો રસ્તો નહોતો. ભારતીય લશ્કરને પૂંચ અને રાજૌરીના મોકલાયાં હોત તો પૂંચ અને રાજૌરી પાકિસ્તાનમાં જતાં રહ્યાં હોત.
ડૉ. અબ્દુલ્લાની વાત કંઈક અંશે સાચી છે કેમ કે જમ્મુ અને કાશ્મીરને યુનાઈટેડ નેશન્સમાં લઈ જવાનો નિર્ણય નહેરુનો એકલાનો હોય તો પણ તેની સામે બીજા બધા ચૂપ રહ્યા હતા. સુબ્રમણ્યમ સ્વામીએ થોડાંક વરસો પહેલાં દાવો કરેલો કે, નહેરુએ દેશની કેબિનેટની મંજૂરી વિના જ યુનાઈટેડ નેશન્સને જમ્મુ અને કાશ્મીર મુદ્દે દખલગીરી કરવા માટે પત્ર લખેલો. મોદી સરકારે યુનાઈટેડ નેશન્સમાંથી આ અરજી પાછી ખેંચી લેવી જોઈએ.
સ્વામીની પિન નહેરુ-ગાંધી ખાનદાન પર ચોંટેલી છે તેથી તેમના વિશે એ ગમે તે બોલે છે. એ સંજોગોમાં આ વાત કેટલી સાચી એ સવાલ છે પણ માનો કે, સ્વામીની વાત સાચી હોય તો સવાલ એ છે કે, કોઈએ તેનો વિરોધ કેમ નહોતો કર્યો? ભાજપના સ્થાપક શ્યામાપ્રસાદ મુખરજી અને સરદાર વલ્લભભાઈ પટેલ બંને સરકારમાં હતા પણ કોઈએ જાહેરમાં તેનો વિરોધ નહોતો કર્યો. એ વખતે પણ લોકશાહી હતી, રાજાશાહી નહોતી ને નહેરુ દેશના વડા પ્રધાન હતા, રાજા નહોતા.
લોકશાહીમાં જે પણ નિર્ણય લેવાય તેના માટે જવાબદાર આખી સરકાર ગણાય તો નહેરુ પર એકલા પર દોષારોપણ કેમ? નહેરુ સરકારના બધા લોકો જવાબદાર ગણાય. એ લોકોએ દેશના હિતના બદલે સરકારમાં રહેવાને વધારે મહત્ત્વ આપ્યું , ચૂપ રહ્યા તો નહેરુના પાપમાં બધા ભાગીદાર ગણાય.
ફારુક અબ્દુલ્લા એ રીતે સાચા છે પણ તેના કારણે જમ્મુ અને કાશ્મીરમાં કરેલી ભૂલની જવાબદારીમાંથી નહેરુ છટકી ના શકે. નહેરુએ ભારતીય લશ્કરને છૂટો દોર આપીને આખું કાશ્મીર ભારતના કબજામાં ના આવે ત્યાં સુધી યુદ્ધવિરામ સ્વીકારવાની જરૂર નહોતી. નહેરુની મૂર્ખામી ભારતને ભારે પડી જ છે. નહેરુએ આક્રમકતા બતાવીને પાકિસ્તાનના આક્રમણનો જવાબ આક્રમણથી આપવાની જરૂર હતી પણ નહેરુ એ ના કરી શક્યા. કૉંગ્રેસે આ વાત સ્વીકારવી જોઈએ.
જમ્મુ અને કાશ્મીર મુદ્દે સૌથી હાસ્યાસ્પદ વાત એ છે કે, ખરેખર જેણે આ સમસ્યા પેદા કરી તેને આ દેશમાં કોઈ દોષિત જ નથી ગણતું. નહેરુ, શેખ અબ્દુલ્લા કે સરદાર પટેલ વગેરે તો પછી પિક્ચરમાં આવ્યા. પાકિસ્તાને જમ્મુ અને કાશ્મીર પર આક્રમણ કર્યું ત્યારે એ લોકોની ભૂમિકા રહી પણ પાકિસ્તાને આક્રમણ કેમ કર્યું એ વિચારવાની જરૂર છે. પાકિસ્તાને આક્રમણ કર્યું કેમ કે કાશ્મીરના હિંદુ મહારાજા હરિસિંહને ભારતમાં ભળવું નહોતું.
મહારાજા હરિસિંહને જમ્મુ અને કાશ્મીરને ભારત અને પાકિસ્તાનથી અલગ દેશ બનાવવાની ખંજવાળ હતી તેથી એ બંનેમાંથી કોઈમાં ના ભળ્યા તેમાં પાકિસ્તાને આક્રમણ કરી દીધું. હરિસિંહ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારતમાં ભળી ગયા હોત તો કોઈ સમસ્યા જ નહોતી થવાની. પાકિસ્તાનની આક્રમણ કરવાની હિંમત જ નહોતી ચાલવાની પણ હરિસિંહે પાકિસ્તાનને કારણ આપ્યું.
કાશ્મીર સમસ્યા એક હિંદુ રાજાની સત્તાલાલસાના કારણે પેદા થયેલી સમસ્યા છે. હરિસિંહ કાશ્મીર સમસ્યાના અસલી વિલન છે, નહેરુ તો સાઈડ વિલન છે.