જયપુર: રાજસ્થાનમાં વડા પ્રધાન પદનું સૂકાન કોને સોંપાશે આ વાતને લઇને મનોમંથન અને બેઠકો ચાલી રહી છે. દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજે બુધવારે મોડી રાતે દિલ્હી પહોંચી ગયા છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ વસુંધરા રાજેએ ભાજપના અધ્યક્ષ જે.પી. નડ્ડાને મળવા માટે સમય માંગ્યો છે, તેઓ આજે એટલે કે ગુરવારે સવારે જે.પી. નડ્ડાને મળી શકે છે. જોકે એરપોર્ટ પર વસુંધરા રાજેએ તેમના દિલ્હી પ્રવાસને કૌંટુમ્બીક પ્રવાસ ગણાવી પોતે તેમની પુત્રવધુને મળવા આવ્યા છે એમ જણાવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં બે વાર મુખ્ય પ્રધાન રહી ચૂકેલા વસુંધરા રાજે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ જીત બાદ મુખ્ય પ્રધાન પદના દાવેદારોમાંથી એક છે. વસુંધરા રાજે તેમના નિવાસ સ્થાને નવા ચૂંટાયેલા 60થી વધુ વિધાનસભ્યો સાથે બેઠક યોજ્યા બાદ દિલ્હી પહોંચ્યા છે.
આ પહેલાં વસુંધરા રાજે શક્તિ પ્રદર્શનના મૂડમાં દેખાઇ રહ્યાં હતાં. 20થી વધુ વિધાનસભ્યો સાથે તેમણે ડિનર મિટીંગ યોજી હતી. ત્યાર બાદ વસુંધરા જૂથે દાવો કર્યો હતો કે તેમને 68 વિધાનસભ્યોનો ટેકો છે. ઉપરાંત કેટલાંક અપક્ષ વિધાનસભ્યો પણ તેમની સાથે હોવાનો દાવો તેમણે કર્યો હતો.
રાજસ્થાનમાં મુખ્ય પ્રધાનની રેસમાં ભાજપમાંથી અનેક ચહેરાઓ છે. જેમાં વસુંધરા રાજે ઉપરાંત પહેલું નામ બાલકનાથનું છે. તેઓ તિજારાથી વિધાનસભ્ય છે. આ યાદીમાં બીજુ નામ જયપુરના રાજ ઘરાનાના રાજકુમારી દીયા કુમારીનું છે. આ બંને લોકસભાના સભ્ય છે પણ પક્ષે તેમને વિધાનસભા લડવા કહ્યું હતું. ત્યારે હવે રાજસ્થાનના મુખ્ય પ્રધાનનો તાજ કોના શીરે ચડશે તે તો આવનારો સમય જ બતાવશે.
Taboola Feed