પુરુષ

કેવી આગવી છે અવનવા શબ્દોની લીલા?

દર વર્ષે સાંપ્રત ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેટલીક ખ્યાતનામ અંગ્રેજી ડિક્ષનેરી ‘વર્ડ ઑફ ધ યર ’ તરીકે એક વિશેષ શબ્દ પર પસંદગી ઊતારે છે. આ વર્ષ-૨૦૨૩ માટે ‘ઑથેન્ટિક’ શબ્દ ચૂંટાયો છે. કેવી રીતે થાય છે આવા શબ્દોની પસંદગી અને કેવા કેવા શબ્દો વચ્ચે થાય છે આની સ્પર્ધા?

ક્લોઝ અપ -ભરત ઘેલાણી

-તો જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એક નવો અંગ્રેજી શબ્દ આવી ગયો છે આમ તો એ શબ્દ કંઈ રાતોરાત શોધાયો નથી. એ સાવ નવો પણ નથી. માત્ર એને આ વર્ષના ‘શબ્દ’ તરીકે નવાજવામાં આવ્યો છે.

જેમ રમતગમત- સ્પોર્ટસના ખેલાડીને કોઈ એક ચોક્કસ વર્ષ માટે પસંદ કરીને સ્પોર્ટસમેન ઑફ ધ યર’નો ઈલકાબ આપવામાં આવે છે તેમ અહીં પણ કોઈ ચોક્કસ શબ્દની વરણી કરવામાં આવે છે.

આપણે ત્યાં જેમ સિનેજગતના ફિલ્મફેર’ કે આઈફા’ કે પછી વિશ્ર્વ ફિલ્મજગતમાં ઑસ્કર’ જેવાં અવાર્ડસની આતુરતાપૂર્વક રાહ જોવાય છે તેમ દેશ-વિદેશના ભાષાપ્રેમીઓ પણ ‘વર્ડ ઑફ ધ યર’ શબ્દની પ્રતીક્ષા કરે છે.

આ વર્ષના આવા એક અંગ્રેજી શબ્દની ગયા અઠવાડિયે જ વરણી થઈ ગઈ છે અને એ શબ્દ છે ‘ઑથેન્ટિક’ (ઈવિંયક્ષશિંભ ) આનો અર્થ થાય છે : પ્રમાણભૂત-અસલ-અધિકૃત કે પછી વિશ્વાસપાત્ર કહી શકાય એવું..

આ વર્ષે -૨૦૨૩મા ‘ઑથેન્ટિક’ શબ્દની પસંદગી શા માટે થઈ એ આપણે આગળ જતા સમજીશું,પણ દર વર્ષે આવા શબ્દની વરણી શા માટે થાય છે- કઈ રીત થાય છે એ આપણે સર્વપ્રથમ જાણી લેવું જોઈએ ..

આપણી પેલી જાણીતી ઉક્તિ છેને કે ‘નદી તો વહેતી સારી’ અને સાધુ તો ચલતા ભલા..’એવું જ ભાષાનું છે જેમ ખાબોચિયાનું પાણી ગંધાય જાય તેમ લખાણ કે બોલવાના શબ્દો સીમિત થઈ જાય તો લાંબાં ગાળે એ ભાષા મૃતપ્રાય બની જાય છે, જેમ કે આપણી દેવભાષા સસ્કૃત એટલે જ ભાષા-લિપિને જીવંત રાખવા પલટાતા યુગ સાથે ભાષામાં નવા નવા શબ્દ ઉમેરવા પડે
આવા નવા શબ્દને ઉમેરીને એને સામાન્ય પ્રજા અપનાવી લે એની કામગીરી ભાષાશાસ્ત્રી બજાવે છે. જોકે,આવી કામગીરી એકાદ એક મહિનો કે એકાદ વર્ષમાં પૂરી ન થાય .એના માટે ભાષા-નિષ્ણાતોના સમુહે સતત સંશોધન કરતા રહેવા પડે…દરેક ભાષાના શબ્દ્કોષમાં તબક્કાવાર નવા શબ્દ ઉમેરવા પડે.વર્ષોથી દર ડિસેમ્બરમાં નવા શબ્દ કે શબ્દપ્રયોગ ઉમેરવાની ક્રિયા-પ્રક્રિયા અંગ્રેજીની જાણીતી ડિક્ષનેરીઓ કરે છે. આવી પસંદગી અગાઉ બ્રિટનની ઑક્સફર્ડ કે ‘કેમ્બ્ર્રિજ’ વિશ્ર્વવિદ્યાલયના ભાષાપંડિતો પોતાની રીતે સંશોધન કરી- સમીક્ષા કર્યા પછી વિશ્વવિદ્યાલયની ડિક્ષનેરીમાં નવા શબ્દો ઉમેરાતા. આ પ્રક્રિયા પછી એને ભાષાજ્ગતમાં માન્યતા મળતી.

દર વર્ષે સરેરાશ ૪૦૦૦ જેટલાં નવા શબ્દો અંગ્રેજી શબ્કોષમાં ઉમેરાતા હોય છે. ઑક્સફર્ડે યુનિવર્સિટી’ પાસે એના શબ્દકોષ-ડિક્ષનેરી માટે અત્યારે ૧૯ અબજથી વધુ શબ્દભંડોર છે,જેમાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. એમાંથી ભાષાનિષ્ણાતો જે-તે વર્ષે વધુ ચલણમાં આવેલા ચુનંદા શબ્દોમાંથી એકને ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે પસંદ કરે છે. અગાઉ શબ્દની વરણી કરતાં પહેલાં વાચકોની પસંદગી ભાગ્યે જ ધ્યાનમાં લેવાતી કે એનાં માટે સર્વે થતા. જો કે, ગયા વર્ષથી પહેલી વાર ‘ઑક્સફર્ડ’ દ્વારા વાચકોને પણ એમની પસદંગી વ્યકત કરવા કહ્યું. હવે તો ઓનલાઈનની સુવિધા હોવાથી આવાં સર્વે બહુ ઝડપથી થાય છે ને વિશાળ વાચક-વર્ગને આવરી શકાય છે. આજના ડિજિટલ યુગમાં ઓનલાઈન ન્યૂઝ- વ્યૂઝનું વાંચન વધ્યું છે. પરિણામે હવે ‘ઑક્સફર્ડ કે કેમ્બ્રિજ’ ડિક્ષનેરીની સાથોસાથ અન્ય ઓનલાઈન ડિક્ષનેરીવાળા પણ નવા ને વિભિન્ન શબ્દો વાચક સમક્ષ મૂકતા થઈ ગયા છે, જેને વાચકો વધાવે પણ છે.

ઉદાહરણરુપે વાત કરીએ તો છેક ૧૮૩૧થી સક્રિય એવી મરિયમ – વેબસ્ટર’ પ્રકાશક કંપનીની હવે એની ઓનલાઈન ડિક્ષનેરી માટે ખાસ્સી લોકપ્રિય છે.અમેરિકાની મરિયમ -વેબસ્ટર ડોટકોમ’ ઓનલાઈન સાઈટ દ્વારા પણ કેટલાક નવા શબ્દો આ વર્ષે સૂચવવામાં આવ્યા છે.

ગયા વર્ષે ગેસલાઈટિંગ’ શબ્દ પર અસંખ્ય લોકોની પસંદગી ઊતરી હતી. આમ તો આ ‘ગેસલાઈટિંગ’ શબ્દ લોકોથી સાવ અજાણ્યો પણ નથી.ગેસલાઈટિંગ’ એટલે સર્જવામાં આવતી એક એવી ભ્રામકસ્થિતિ,જે હકીકતથી સાવ વિપરિત હોય છતાં સામેવાળાને એ વાત સાચી લાગવા માંડે. બીજા શબ્દોમાં એમ પણ કહી શકાય કે કોઈને આડે રસ્તે દોરી જવાનું વ્યવસ્થિત ષડયંત્ર એટલે ‘ગેસલાઈટિંગ’..

આ પ્રકારની કથાવસ્તુ સાથે ‘હોલીવૂડમાં ઑસ્કર’ વિજેતા ફિલ્મ ‘ગેસલાઈટિંગ’ ઉલ્લેખનીય છે.

૨૦૨૨માં તો ગેસલાઈટિંગ’ શબ્દ ૮ કરોડથી વધુ વાર ઓનલાઈન વપરાયો એટલે મરિયમ -વેબસ્ટર ડોટકોમ’ દ્વારા એ વર્ડ ઑફ ધ યર’નું બહુમાન પામ્યો હતો.. આ બધા વચ્ચે, ઑક્સફર્ડ’ તરફથી ત્રણ શબ્દ સૂચવીને લોકોને ૨૦૨૨ માટે એમની પસંદગીનું વોટિંગ કરવા કહ્યું. ઑક્સફર્ડ’ની પસંદગીના ત્રણ શબ્દ ( કે શબ્દપ્રયોગ) હતા: મેટાવર્સ’- ગોબલિન મોડ’ અને આઈસ્ટેન્ડવિધ’ ત્રણ લાખથી વધુ લોકોએ એ પસંદગીમાં ભાગ લીધો. ઑક્સફર્ડ’ની પસંદગીના પેલા ત્રણ શબ્દના ઉપયોગ પાછળના અર્થ જાણવા જેવા છે.

ઈન્ટરનેટના જાણકારો માટે મેટાવર્સ’ શબ્દ અજાણ્યો નથી. મેટાવર્સ’ એટલે કમ્પ્યુટર દ્વારા તૈયાર થયેલી એક વર્ચ્યુલ- એક એવી આભાસી દુનિયા,જે વાસ્તવિક જગતથી વધુ ઉત્તેજક છેજ્યારે આઈસ્ટેન્ડવિધ’ એટલે કોઈની વાતને સમર્થન આપવું એ… આ શબ્દ સોશિયલ મીડિયા પર વધુ વપરાય છે.આ સ્પર્ધામાં ત્રીજો શબ્દ હતો: ‘ગોબલિન મોડ’ ગોબલિન મોડ’નો અર્થ છે: સોસાયટી-સમાજે તમારા પાસેથી જે આશા રાખી હોય એને કશી લાજ્- શરમ રાખ્યા વગર નકારીને તમારું ધાર્યું કરવું..’

મોટાભાગના લોકો તથા ભાષાશાસ્ત્રીઓની એવી ધારણા હતી કે આજના ડિજિટલ યુગમાં આભાસી દુનિયાનાં દર્શન કરાવતી પ્રક્રિયા ‘મેટાવર્સ’ શબ્દ પ્રથમ પસંદગી પામશે,પરંતુ બધાના આશ્ચર્ય વચ્ચે ઑક્સફર્ડ’ સંચાલિત ગત વર્ષનો વર્ડ ઑફ ધ યર’ જાહેર થયો: ગોબલિન મોડ’! શબ્દ પસંદગીના આ ઓનલાઈન પોલમાં ૩ લાખ ૪૨ હજાર લોકોએ ભાગ લીધો,જેમાંથી ૯૩ % લોકોએ ગોબલિન મોડ’ શબ્દ પર પ્રથમ પસંદગી ઊતારી હતી..! એની સરખામણીએ જે અચૂક વિજેતા બનશે એવી ધારણા હતી એ શબ્દ મેટાવર્સ’ બીજા સ્થાને આવ્યો.એને પોલમાં માંડ ૪ % જ વોટ મળ્યા હતા!

હવે આ વર્ષના શ્રેષ્ઠ શબ્દની વાત કરીએ તો મરિયમ -વેબસ્ટર ડોટકોમ’ દ્વારા ૨૦૨૩ના વર્ડ ઓફ ધ યર’તરીકે
‘ઑથેન્ટિક’ શબ્દ પસંદગી પામ્યો છે. ઑથેન્ટિક’ (ઈવિંયક્ષશિંભ ) એટલે અધિકૃત- પ્રમાણભૂત..
આ શબ્દની પસંદગી એક રીતે રસપ્રદ છે, કારણ કે આજે આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સ’ (કૃત્રિમ બુદ્ધિમતા) ના યુગમાં વધતા જતાં ફેક ન્યુઝ – સાયબર ક્રાઈમની વચ્ચે ‘ડીપફેક’ની ગેરકાનૂની પ્રવૃતિએ માથાના દુખાવા જેવો ઉપાડો લીધો છે. કોઈ પણ ભળતી વ્યક્તિના ચહેરા -કાયા પર જાણીતી વ્યક્તિના ચહેરા-કાયા ચીટકાવી દઈને એને અશ્ર્લિલ રીતે સોશિયલ મીડિયા પર વાઈરલ કરવામાં આવે છે. ચહેરા-મહોરાના આવા ‘ડિજિટલ ઑપરીશન’ને લીધે સાચા-ખોટાના ભેદ પારખવા મુશ્કેલ બની ગયા છે ત્યારે લોકોને ઑથેન્ટિક કહી શકાય તેવા અધિકૃત- પ્રમાણભૂત પુરાવા જોઈએ છે. આવી પ્રમાણિત સાબિતી માટે આ વર્ષે સૌથી વધુ વપરાઈ રહેલા ‘ઑથેન્ટિક’ શબ્દ પર વાચકો તથા ભાષાશાસ્ત્રીઓની પ્રથમ પસંદગી ઉતરી છે. આમ તો ‘મરિયમ – વેબસ્ટર’ ઓનલાઈન ડિક્ષનેરી પાસે અધધધ કહી શકાય એટલા પાંચ લાખ શબ્દો આવેલા. એમાંથી ‘ઑથેન્ટિક’ અલગ તરી આવ્યો.

‘ઑથેન્ટિક’ સાથે સ્પર્ધામાં ઊતરેલા બીજા શબ્દો હતા : ‘રીઝ’ ( રોમેન્ટિક દેખાવ) – ‘ઈન્ડિક્ટ્’ (દોષારોપણ-આરોપ ) – ‘ઈમપોલ્ડ’ (આંતરિક વિસ્ફોટ), ઈત્યાદિ.
બીજી તરફ, ચાર દિવસ પહેલાં જ- આ સોમવારે ‘ઑક્સફર્ડ’ દ્વારા ૨૦૨૩ના ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે : ‘રીઝ’ (આકર્ષક- રોમેન્ટિક દેખાવ) શબ્દ જાહેર થયો છે..!
મજાની વાત એ છે કે આવી સ્પર્ધામાં આપણી ભાષાના શબ્દો પણ ઘણી વાર આંતરરાષ્ટ્રીય શબ્દકોષમાં સ્થાન પામે છે.

આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અવનવા શબ્દોના પ્રાસ-ઝુમખા ઘડવામાં બડા માહેર છે.એમની શબ્દસૂઝ સહજ તેમજ સચોટ હોય છે. ૨૦૨૧માં વડાપ્રધાને એક નવા જ શબ્દ વહેતો કર્યો હતો. એ હતો : ‘આત્મનિર્ભર’ કોવિડ-વેક્સિનના સંદર્ભમાં એ શબ્દ દેશ-વિદેશમાં એવો લોકપ્રિય બન્યો કે ૨૦૨૧માં ‘બ્રિટિશ ઑકસફર્ડ’ ડિક્ષનેરીમાં હિન્દી ‘વર્ડ ઑફ ધ યર’ તરીકે ‘આત્મનિર્ભર’ પસંદગી પામ્યો હતો.

‘આત્મનિર્ભર’ની જેમ આપણા અન્ય શબ્દો પણ અંગ્રેજામાં જાણીતા થયા છે, જેમકે
સંવિધાન-આધાર-નારીશક્તિ-ચટની-પાયજામા-જંગલ-ઠગ- લૂટ- ચૂડી (બંગડી)-ખાટ’ ,ઈત્યાદિ
બાય ધ વે, આવો જ આપણો અન્ય એક લોક્પ્રિય શબ્દ છે,જે અંગ્રેજી ડિક્ષનેરી તેમ જ અન્ય ભાષાઓમાં જમાવટ કરે છે.
એ શબ્દ છે ‘જુગાડ’!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button