સાઉથ આફ્રિકાના ઝડપી બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ કયાર્ં લગ્ન
ડરબન: દક્ષિણ આફ્રિકાના યુવા ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીએ ભારત સામે ૧૦ ડિસેમ્બરથી શરૂ થનારી ટી-૨૦ શ્રેણી પહેલા લગ્ન કરી લીધા છે. તેણે તેની ગર્લફ્રેન્ડ હન્ના હેથોર્ન સાથે લગ્ન કર્યાં હતા. કોએત્ઝીએ તાજેતરમાં રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેના પછી આઈપીએલ ૨૦૨૪ની હરાજીમાં તેનું નસીબ ચમકી શકે છે. ૨૩ વર્ષની કોએત્ઝીએ પોતાનો પહેલો વર્લ્ડ કપ રમીને બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર તે પાંચમો બોલર હતો. આફ્રિકાના ઝડપી બોલરે ૮ મેચમાં ૧૯.૮૦ની એવરેજથી ૨૦ વિકેટ લીધી હતી. કોએત્ઝીનું વર્લ્ડ કપ પ્રદર્શન તેને આઈપીએલ ૨૦૨૪ની હરાજીમાં સારી રકમ અપાવી શકે છે. આઇપીએલ ૨૦૨૪ માટે તેણે તેની બેઝ પ્રાઈસ ૨ કરોડ રૂપિયા રાખી છે. કોએત્ઝી આફ્રિકા માટે ત્રણેય ફોર્મેટ રમે છે. તેણે ૨૦૨૩માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. અત્યાર સુધી તે ૨ ટેસ્ટ, ૧૪ વન-ડે અને ૩ ટી-૨૦ ઈન્ટરનેશનલ મેચ રમી ચૂક્યો છે.