એકસ્ટ્રા અફેર

ભાજપ વિરોધી મોરચામાં પાછા ડખા શરૂ થઈ ગયા

એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ

કૉંગ્રેસ સહિતના વિપક્ષોએ ભાજપ સામે લડવા માટે મોટા ઉપાડે ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્કલુઝીવ એલાયન્સ (INDIA) એટલે કે ઈન્ડિયા (I.N.D.I.A.) મોરચાની જાહેરાત કરેલી. એ વખતે જ ભાજપના નેતા તેની મજાક ઉડાવતા હતા કે, આ સંઘ કાશીએ નહીં પહોંચે ને આ વાત સાચી પડતી જણાઈ રહી છે. તેલંગણા, મિઝોરમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ એ પાંચ રાજ્યોની ચૂંટણી હતી ત્યારે કૉંગ્રેસ બહુ વ્યસ્ત હતી ને ઈન્ડિયા (I.N.D.I.A.) મોરચા માટે તેની પાસે સમય નહોતો. કૉંગ્રેસ એ વખતે ભાવ પણ બહુ ખાતી હતી ને ત્યારે જ ઈન્ડિયા (I.N.D.I.A.)ના ભાવિ સામે સવાલો ઉઠવા લાગેલા.

હવે પાંચેય રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે ને મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને છત્તીસગઢમાં કારમી હારના પગલે કૉંગ્રેસ ઢીલીઢફ થઈ ગઈ છે ત્યારે બીજા પક્ષો ભાવ ખાવા માંડ્યા છે. રવિવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મિઝોરમ અને તેલંગાણાનાં પરિણામ આવ્યાં ને ત્રણ રાજ્યોમાં કૉંગ્રેસની કારમી હાર થઇ કે તરત કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ ૬ ડીસેમ્બરે દિલ્હીમાં પોતાના ઘરે વિરોધ પક્ષોના INDIA’ ગઠબંધનના નેતાઓની બેઠક બોલાવવાની જાહેરાત કરી હતી. એ વખતે તો કોઈ નેતાએ કશું કહ્યું નહોતું પણ હવે કૉંગ્રેસના સાથી પક્ષોના નેતા દાવ લેવા મેદાનમાં આવી
ગયા છે.

સમાજવાદી પાર્ટી, જેડીયુ અને તૃણણૂલ કોંગ્રેસ એ ત્રણ મહત્ત્વના પક્ષોએ ખડગેના ઘરે બોલાવેલી બેઠકમાં હાજરી આપવાની ના પાડી દેતાં ૬ ડિસેમ્બરે દિલ્હીમાં મળનારી ઈન્ડિયા I.N.D.I.A.)ની બેઠક મોકૂફ રાખવાની જાહેરાત કરવી પડી છે. કૉંગ્રેસે નાક ઊંચું રાખવા માટે જાહેરાત કરી છે કે, વિપક્ષી મોરચા INDIA’ના કેટલાક પક્ષોના મુખ્ય નેતાઓ વ્યસ્ત હોવાથી તેમનો સમય ન મળવાને કારણે ૬ ડિસેમ્બરે બુધવારે યોજાનારી બેઠક મોકૂફ રાખવામાં આવી છે.

હવે બુધવારે મહાગઠબંધનની ‘અનૌપચારિક સંકલન બેઠક’ થશે. જેમાં ઈન્ડિયા (I.N.D.I.A.)ના ભાગીદાર પક્ષોના સંસદીય દળના નેતાઓ સામેલ થશે. સંસદનું શિયાળુ સત્ર ચાલુ થયું છે તેથી શાસક પક્ષને ઘેરવા માટે આવી બેઠકો રોજ મળતી હોય છે તેથી આ કહેવાતી અનૌપચારિક બેઠકનું કંઈ મહત્વ નથી. હવે ઈન્ડિયા (I.N.D.I.A.)ની બેઠક ૧૮ ડિસેમ્બરે મળશે એવું એલાન કરાયું છે પણ ઈન્ડિયા (I.N.D.I.A.)માં જે રીતના ડખા પેઠા છે એ જોતાં ૧૮ ડિસેમ્બરે પણ બેઠક મળશે કે કેમ તેમાં શંકા છે.

આ શંકા થવાનું કારણ બુધવારે મળનારી બેઠકમાં ગેરહાજર રહેવા માટે મમતા બેનરજી, અખિલેશ યાદવ અને નીતીશ કુમારે રજૂ કરેલાં બહાનાં છે. મમતા બેનરજીએ તો ૬ ડિસેમ્બરે યોજાનારી I.N.D.I.A.ની બેઠક વિશે પોતાને કશી જાણ નથી એમ કહીને હાથ ખંખેરી નાંખ્યા. મમતાના કહેવા પ્રમાણે, તેમના ઉત્તર બંગાળના કેટલાક કાર્યક્રમો પહેલેથી નક્કી છે તેથી પોતે હાજર નહીં રહે. મમતાના કહેવા પ્રમાણે, તેમને આ બેઠક વિશે પહેલેથી ખબર હોત તો ઉત્તર બંગાળમાં કાર્યક્રમમાં ના રાખ્યા હોત પણ હવે કાર્યક્રમો નક્કી છે તેથી પોતે ઉત્તર બંગાળના પ્રવાસે જશે.

સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવે તો એવું કોઈ બહાનું રજૂ કરવાની તસદી પણ ના લીધી. અખિલેશ વતી સપાના પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ સાફ શબ્દોમાં કહી દીધું કે, અખિલેશ યાદવનો બુધવારે દિલ્હીમાં યોજાનારી બેઠકમાં હાજરી આપવાનો કોઈ ઈરાદો નથી. સમાજવાદી પાર્ટીના ચીફ જનરલ સેક્રેટરી પ્રોફેસર રામ ગોપાલ યાદવ અથવા રાષ્ટ્રીય પ્રમુખ જેને કહે એવા કોઈ નેતા આ બેઠકમાં હાજરી આપશે. નીતિશ કુમારે પણ એ જ વલણ અપનાવીને જેડીયુના રાષ્ટ્રીય પ્રમુખ રાજીવ રંજન અને મનોજ ઝા હાજરી આપશે એવી જાહેરાત કરી નાખી. અખિલેશ અને નીતિશના વલણ પરથી સ્પષ્ટ છે કે, એ બંનેને ઈન્ડિયા મોરચામાં હાલ પૂરતો રસ નથી. અખિલેશ, મમતા અને નીતિશના પગલે હવે બીજા નેતા પણ ઈન્ડિયા (I.N.D.I.A.)થી દૂર ભાગવા માંડે એવું બને એ જોતાં ઈન્ડિયા (I.N.D.I.A.) ભાવિ હવે અધ્ધરતાલ છે.

આ સ્થિતિ દુ:ખદ છે ને તેના માટે કૉંગ્રેસ જવાબદાર છે. છ મહિના પહેલાં યોજાયેલી ચૂંટણીમાં કૉંગ્રેસે કર્ણાટક ફરી કબજે કર્યું ત્યારે કૉંગ્રેસ બહુ તોરમાં કૉંગ્રેસની આ જીત મોટી હતી કેમ કે ભાજપને કારમી પછડાટ આપીને કોંગ્રેસે કર્ણાટકમાં પોતાની સરકાર રચી હતી. તેના કારણે કૉંગ્રેસને એવું જ લાગતું હતું કે, હવે ભાજપને હરાવવા માટે પોતે સક્ષમ છે અને ભાજપની તેની સામે કોઈ હેસિયત જ નથી. કર્ણાટક જેવી સ્થિતી દેશના દરેક રાજ્યમાં સર્જી શકાશે એવું માનતા ભાજપે એ પછી પોતાના સાથી પક્ષોને રીતસરના અવગણવા માંડેલા.

સમાજવાદી પાર્ટી સહિતના પક્ષો મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કૉંગ્રેસ સાથે જોડાણ કરવા તૈયાર હતા પણ કૉંગ્રેસે તેમને ગણકાર્યા જ નહોતા. આ નેતાઓ સાથે વાત કરવા સુધ્ધાંની તસદી કૉંગ્રેસે નહોતી લીધી કેમ કે કૉંગ્રેસને એવું જ હતું કે, ચારેય રાજ્યોમાં તેની જ સરકાર આવશે ને પછી બધા પક્ષો આપણા પગ પકડતા આવશે. કૉંગ્રેસ રીતસરની હવામાં ઉડતી હતી પણ મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હારના પગલે કૉંગ્રેસ ધરતી પર આવી ગઈ છે. હવે કૉંગ્રેસને સાથી પક્ષોની જરૂર વર્તાય છે ત્યારે સાથી પક્ષો પણ જેવા સાથે તેવા બનીને વર્તી રહ્યા છે. તેમાં કશું ખોટું પણ નથી.

કૉંગ્રેસ એકલા હાથે ભાજપને હરાવી શકે તેમ નથી એ ત્રણ રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ સાબિત કરી દીધું છે. કૉંગ્રેસે આ વાસ્તવિકતાને કાયમ માટે સ્વીકારી લેવી જોઈએ અને સાથી પક્ષો સાથે સારો વ્યવહાર રાખીને વર્તવું જોઈએ. કૉંગ્રેસ તેના બદલે બીજા પક્ષો પર પોતાને થોપવા મથે છે. પોતે એક રાષ્ટ્રીય પક્ષ છે ને બીજા પ્રાદેશિક પક્ષ છે એવો વારંવાર અહેસાસ કરાવવા માગે છે. કૉંગ્રેસના નેતાઓને એ વાત જ સમજાતી નથી કે લોકસભાની ૫૪૫ બેઠકોમાંથી ૫૪ બેઠકો જીતનાર પક્ષ રાષ્ટ્રીય પક્ષ ના કહેવાય. તેની હેસિયત થોડાક મોટા પ્રાદેશિક પક્ષથી વધારે કંઈ જ નથી.
કૉંગ્રેસ જે દિવસે આ વાસ્તવિકતા સમજીને વર્તશે એ દિવસે સાથી પક્ષો તેને માન આપશે ને ભાજપ વિરોધી મજબૂત મોરચો બનશે, બાકી કશું નહીં થાય.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત